1. Home
  2. revoinews
  3. રસરાજ જસરાજનું મહાપ્રયાણ – સ્મરણ વંદના
રસરાજ જસરાજનું મહાપ્રયાણ – સ્મરણ વંદના

રસરાજ જસરાજનું મહાપ્રયાણ – સ્મરણ વંદના

0
Social Share

– દધીચિ ઠાકર

“વિશ્રાન્તિર્યસ્ય સંભોગે સા કલા ન કલા મતા,
ભીયતે પરમાનંદે યયાત્મા સા પરા કલા.”

અર્થાત, જે મનોરંજન આપે તે કળા નથી, પણ જે પરમાનંદમાં લીન કરાવે તે સાચી કળા છે. જેમના ગાયન દ્વારા હંમેશા ભાવકોને પરમાનંદ પ્રાપ્ત થયો છે તે એટલે સંગીત માર્તન્ડ પદ્મવિભૂષણ પંડિત જસરાજજી.

ગઈકાલે ઢળતી સાંજે સમાચાર મળ્યા કે ,પંડિત જસરાજજી હવે સદેહે નથી રહયા. ક્ષણભર તો એમ જ થયું કે આ સમાચાર ખોટા છે પણ થોડીજ વારમાં ફોન અને મેસેજોની વણઝાર ચાલી એટલે મન મનાવવું પડ્યું કે હા, આ સમાચાર સાચા છે.

 

વર્ષોથી સપ્તક દ્વારા આયોજન કરવામાં આવતા શાસ્ત્રીય સંગીત સમારોહમાં તેમને સાંભળવાનો લ્હાવો મળ્યો છે. સર્વપ્રથમ વખત ગુજરાત સરકાર દ્વારા આયોજિત પંડિત ઓમકારનાથ ઠાકુર સમારોહ અમદાવાદમાં ટાગોર હોલ ખાતે અલપ ઝલપ વાતો કરવાની તક મળી હતી અને થોડાક પ્રશ્નો પણ પૂછ્યા હતા. આટલાં મોટા ગજાના કલાસાધકને એકવાર નિરાંતે મળાયું તેનો આનંદ હૈયે સમાતો નહોતો. તે મુલાકાતનો એક લેખ મેં લખી દીધો હતો. નિયતિની કૃપાથી દૂરદર્શન મુંબઈ – અમદાવાદના નિવૃત ડે. ડાયરેક્ટર અને જાણીતા સંગીતકાર તેમજ પંડિત જસરાજજીના શિષ્યા ડૉ. બિંદુબહેન ત્રિવેદી સાથે પરિચય થયો. તેમની સાથેના પરિચય થકી પંડિત જસરાજજીની વધુ નિકટ આવવાનું સૌભાગ્ય સાંપડ્યું.

અમે (મેં તથા ડૉ. બિંદુબહેને) ‘પ્રણામ,પપ્પા!’ ગ્રંથાલેખન શરૂ કર્યું એટલે વિવિધ મહાનુભાવોની મુલાકાતે નિયમિત જવાનું થાય ત્યારે બિંદુબહેન પંડિતજીના અલગ – અલગ પ્રસંગો વાગોળે, તેમની બંદીશો સંભળાવે. આમ, તેમના જીવન સંગીતને સમજવાનો અવસર મળ્યો. પછી તો એવું થયું કે પંડિતજી અમદાવાદ આવે એટલે અમે તેમની સાથે હોઈએ !! ગુજરાત સરકાર દ્વારા આયોજિત તાના – રીરી મહોત્સવમાં તેઓ પ્રસ્તુતિ માટે આવ્યા હતા ત્યારે, સપ્તક સંગીત સમારોહમાં, રંગઅવધૂત મહારાજની જન્મશતાબ્દી પર્વે વગેરે પ્રસંગોએ તેમની સાથે વાર્તાલાપ કરવાનું થયું છે.

પંડિતજી મેવાતી ઘરાનાના અગ્રિમ ગાયક હતા. તેમના કુટુંબમાં સંગીત હોવાથી , આગલી ત્રણ પેઢી અને પંડિતજીની ચોથી પેઢી સુધી સંગીત વારસામાં ઉતરેલું. પંડિત જસરાજજી એ વાતવાતમાં કહેલું કે, ‘મારા મોટાભાઈ અને ગુરૂ પંડિત મણીરામજી એ મને કહેલું કે કુટુંબ માં ચાર પેઢી સુધી સંગીત હોય તો તે ઘરાનું બને છે. મારા આશિષ છેકે આપણા ઘરાનાનું નામ તારા થકી મશહૂર થશે. આમ, મા સરસ્વતી, વડીલો અને ગુરૂકૃપા થી મારૂં ગાયન બધાને ગમે છે.’ વળી તેઓ ભાગલા પડ્યા પછી ગરીબીને લીધે અમદાવાદ આવ્યા . મોટાભાઈને એમના એક વડીલ મિત્રએ સાણંદના મહારાજા જસવંતસિંહજી પર ચિઠ્ઠી લખી આપી કહ્યું કે આમને મળજો તમારા બધા પ્રશ્નો નો ઉકેલ મળી જશે. આમ, તેઓ સાણંદ રજવાડા ના રાજગાયક બન્યા. જસવંતસિંહજી પોતે મેવાતી ઘરાના ગાયક અને વાદક હતા. તેઓ મા કાલીના ભક્ત અને સાધક પણ હતા. તેમની લખેલી અને મોટાભાઈની રાગ અડાણામાં સ્વરાંકિત કરેલી માતા કાલિકા સ્તુતિ તો સંગીત રસિયાઓને ખૂબ ગમી ગઇ. તે જાણે કે મેવાતી ઘરાનાની સિગ્નેચર ટ્યુન બની ગઈ. આ કાલિકા સ્તુતિ ની પાછળ આખી એક ઘટના બની છે , જેની ફરી ક્યારેક વાત કરીશ.

શ્રી મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા અમદાવાદના ઘોડાસર ખાતે આવેલ શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિમંદિર(વિશ્વ શાંતિ કેન્દ્ર)ના રજતજયંતિ સમારોહમાં તેમને વિશેષ આમંત્રણ આપ્યું હતું. તેમના આમંત્રણથી માંડીને તેમની ઉપસ્થિતિ અને સન્માનના ઉપક્રમની પ્રેમસભર જવાબદારી અમને મળી હતી. તે સમયે મંદિર સંસ્થાન તરફથી આચાર્ય સ્વામીશ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના વરદહસ્તે પંડિતજીનું ‘સૂરતપસ્વી’ની પદવી, શાલ તથા રૂપિયા એક લાખનો રોકડ પુરસ્કાર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન શ્રી વિજયભાઈ રૂપાણીજી તથા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના તે સમયના અધ્યક્ષ શ્રી યોગેશભાઈ ગઢવીના હસ્તે સંગીત નાટક અકાદમી તરફથી પણ પંડિતજીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તે સમયે પંડિતજી ગૌરવભેર બોલ્યા હતાં, ‘ મને જગતભરમાં બહુ બધા સન્માનો, એવોર્ડ, ચંદ્રકો પ્રાપ્ત થયા છે પણ આ સન્માન મારા માટે અતિવિશિષ્ટ છે.’ આ સન્માન સ્વીકારી મુંબઈ પરત ફરતાં હતા ત્યારે તેમણે અમારો વ્યક્તિગત આભાર માન્યો કે, ‘આ સૂર તપસ્વી સન્માન માટે આપ સૌએ મને ઉચિત ગણ્યો તે માટે હું આપનો આભારી છું.’

પંડિતજીની નમ્રતા અને સહજતા સ્પર્શે તેવી છે.તેમના જીવનમાં જોયેલી અને અનુભવેલી એક વાત વહેંચવી ગમશે કે તેમની વર્તણૂંક તમામ વર્ગના લોકો સાથે એક સમાન રહેતી. જ્યારે તેમને મળવાનું થાય ત્યારે પૂછે કે, ‘લખવાનું કેવું ચાલે છે !?,શું નવું લખ્યું ?’

એક મુલાકાતમાં તેમણે અમને કહ્યું હતું કે, ‘ કોઈપણ માણસ ગાવાનું શરું કરે કે શીખે તે પૂર્વે તેણે તેના કાન કેળવવા પડે, એટલે તેણે તાનસેન બનતાં પહેલાં કાનસેન થવું પડે, આ આપણા સૌ માટે મોટી શીખ છે.

દર વખતે હું તેમને તેમના પત્ની મુ. મધુરા જસરાજજી ની ખબર અંતર પૂછું અને કહું કે,
‘ આઈ કૈસી હૈ ?’ ત્યારે તેઓ સસ્મિત વદને પ્રત્યુત્તર પાઠવે કે, ‘ આઈ નહીં આઈ !’ અને અમે બધા ખડખડાટ હસીએ.

આ વર્ષના પ્રારંભે સપ્તક સંગીત સમારોહમાં અમે તેમને ‘પ્રણામ ,પપ્પા !’ પાઠવ્યું ત્યારે પુસ્તક હાથમાં પકડતાંની સાથે જ તેમના શુભાશિષની વર્ષા વરસાવી હતી. પુસ્તકનું મુખપૃષ્ઠ, અનુક્રમણિકા, લેખની પધ્ધતિ, ફોટોગ્રાફ્સ જોઈ તેઓએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

આ વર્ષે તેઓ આવ્યા ત્યારે થોડાક અસ્વસ્થ જણાતાં હતા. તેમની નજીક કોઈએ જવાનું જ નહીં અને અંગત મુલાકાત તો કોઈને આપવી જ નહીં તેવી ડોકટરોની સૂચના હતી. છતાં 90 વર્ષે એક કલાકની ગાયન પ્રસ્તુતિ બાદ અનેક લોકોની વચ્ચે માત્ર અમને સમય ફાળવી અમારી સાથે ગોષ્ઠિ કરી તે અમારા માટે કેટલી ધન્યતમ ક્ષણો હતી તેનું વર્ણન જ અશક્ય છે. તે સમયે મનભરીને વાતો કરી ત્યારે અમને ક્યાં ખબર હતી કે આ અમારી અંતિમ મુલાકાત છે !!

સૂરસમ્રાટ સાથે આવો રૂડો સંબંધ બંધાયો અને તેમનું આટલું બધું સામીપ્ય પ્રાપ્ત થયું તે માટે જગતપિતાનો કેટલો આભાર માનું !?
તેમની વિદાયને વંદન કરું છું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code