રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં ભારતીય ભાષાઓમાં શિક્ષણ : સ્થાનિક ભાષાઓના મૂળિયાં મજબૂત કરવાનો પ્રયાસ
– પ્રો. રામાશંકર દુબે
કુલપતિ, ગુજરાત કેન્દ્રિય વિશ્વવિદ્યાલય, ગાંધીનગર
એકવીસમી સદીના જ્ઞાનના પડકારોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે જ્ઞાન આધારિત એક મજબૂત રાષ્ટ્ર બનાવવાની અને તેને વૈશ્વિક મહાસત્તા તરીકે સ્થાપિત કરવાની દિશામાં ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જાહેર કરી એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પગલું ભર્યું છે. હકીકતમાં, ભારતમાં ઘણા લાંબા સમયથી આ શિક્ષણ નીતિની જરૂર હતી. દેશમાં એક એવી શિક્ષણનીતિ હોવી જોઈએ જે વિદ્યાર્થીને શારીરિક, માનસિક, બૌદ્ધિક અને સાંસ્કૃતિક રીતે વિકસિત અને કુશળતાથી બનાવી શકે. આ ઉપરાંત જેમાં જીવંત ભારતીય સંસ્કૃતિનું દર્શન રજૂ થાય. એક એવી શિક્ષણનીતિ હોય જેમાં ભારતની વૈવિધ્ય સભર ભાષાઓનું જ્ઞાન અને દર્શન વિદ્યાર્થી સુધી પહોચે.
કુલપતિ, ગુજરાત કેન્દ્રિય વિશ્વવિદ્યાલય, ગાંધીનગર.
આ શિક્ષણ નીતિમાં એક મહત્વ પૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે કે ઓછામાં ઓછા પાંચ ધોરણ સુધી વિદ્યાર્થીને માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષાના માધ્યમ દ્વારા શિક્ષણ આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં ધોરણ આઠ અને એનાથી આગળ પણ ભારતીય ભાષાઓમાં શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ત્રિભાષા ફોર્મ્યુલા અંતર્ગત દેવભાષા સંસ્કૃત અને અન્ય પારંપારિક ભાષાઓને વિકલ્પ તરીકે પસંદ કરવાનું પ્રવધાન રાખવામાં આવ્યું છે.
બાળ અવસ્થામાં બાળકના માનસિક વિકાસની ગતિ તીવ્ર હોય છે. એમાં જો માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે તો બાળકની અંદર ચિંતન, સ્મરણ, નિર્ણય જેવાની ક્ષમતા જેવી વૃત્તિઓનો સહજ વિકાસ થાય છે. ભાષા અભિવ્યક્તિનું માધ્યમ તો છે જ સાથે સાથે સંસ્કૃતિની વાહક છે. માતૃભાષામાં અભ્યાસ કરવાથી કરવાથી બાળકના મનમાં નાનપણથી પોતાની ભાષા પ્રત્યે સ્નેહ અને આત્મીયતાનો ભાવ જાગશે. વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના હશે તો તેમની માતૃભાષામાં સારી રીતે નિપુણ થશે અને ભારતીય સંસ્કૃતિના મજબૂત વાહક બનશે. માતૃભાષામાં લીધેલું જ્ઞાન વિદ્યાર્થીના મષ્ટિષ્ક કે તરત સ્વીકાર્ય બને છે અને એની અમીટ છાપ પડે છે. પોતાની ભાષા જ બધી ઉન્નતિનો મૂલાધાર છે. જેમકે ભારતેન્દુ હરિશ્ચંદ્રએ કહ્યું હતું ‘નિજ ભાષા ઉન્નતિ હૈ, સબ ઉન્નતિ કો મૂલ’.
ભારતીય બંધારણની કલમ 350 (A) અનુસાર એ પ્રાવધાન છે કે દરેક રાજ્ય પ્રયાસ કરે કે ભાષીય લઘુમતી જૂથને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે. શિક્ષણ અધિકાર અધિનિયમની કલમ 29 (2) મુજબ શૈક્ષણિક સંસ્થાઓ પાસે આપેક્ષા રાખવામાં આવે છે કે શક્ય હોય ત્યાં સુધી બાળકને એની માતૃભાષામાં શિક્ષણ પ્રદાન કરે. એટલે કે રાજ્ય સરકારો શાળાઓમાં શિક્ષણની ભાષા નક્કી કરવા માટે સ્વતંત્ર છે. પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી પ્રોફેસર યશપાલના નેતૃત્વ હેઠળ બનાવવામાં આવેલ વિદ્યાલય શિક્ષણ માટે અત્યાર સુધીનો નવીનતમ દસ્તાવેજ રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક 2005″ ના વિભાગ 3..1.1 મુજબ શાળાઓમાં શિક્ષણનું માધ્યમ માતૃભાષા હોવું જોઈએ, કારણ કે વિદ્યાર્થીઓ માતૃભાષામાં જ તેમના ઘર, સામાજિક વાતાવરણની પ્રવૃત્તિઓ શીખે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -1968 ની કલમ 4 (3) મુજબ પણ શિક્ષણના સ્તરમાં સુધારો કરવા અને તેમજ જ્ઞાનના વિસ્તરણ માટે ભારતીય ભાષાઓ અને સાહિત્યને મજબૂત રીતે વિકસિત કરવામાં આવે. યુનેસ્કોના 2003ના રિપોર્ટ ‘બહુભાષી વિશ્વમાં શિક્ષણ’ના દિશા નિર્દેશ પ્રમાણે માતૃભાષામાં શિક્ષણ આપવાથી શિક્ષણના સ્તરમાં સારો ફર્ક પડે છે અને જ્ઞાન તથા અનુભવમાં વૃદ્ધિમાં મદદ થાય છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2020, ઉપરોક્ત જોગવાઈઓના મુખ્ય ભાગને શામેલ કરીને સાચા અર્થમાં ભારતીય ભાષાઓને પ્રસ્થાપિત કરવાથી શાળાઓ અને ઉચ્ચ શિક્ષણમાં બહુભાષાવાદને પ્રોત્સાહન મળશે. જેનાથી શાળાઓ તથા ઉચ્ચશિક્ષણ સંસ્થાઓમાં માતૃભાષામાં વાંચન-મનન પ્રોત્સાહન મળશે. ત્રિભાષીય સૂત્ર હેઠળ કેન્દ્ર અને રાજય સરકારોની એ જવાબદાર રહેશે કે તે ગુણવત્તાયુક્ત ભાષા શિક્ષકો તૈયાર કરે. આપણે આઝાદી પછીના સમયની વાત કરીએ તો આપણી માનસિક ગુલામી જ પ્રદેશિક ભાષાઓના વિકાસમાં બાધક રહી છે. વૈદિક કાળથી લઈને 19 મી સદીના મધ્ય સુધી ભારતમાં શિક્ષણ માટે ગુરુકુલની વ્યવસ્થા હતી અને શિક્ષણનું માધ્યમ સંસ્કૃત અને પ્રાદેશિક ભારતીય ભાષાઓ હતી. પ્રાચીન સમયમાં, ભારતીય શિક્ષણ પ્રણાલી ભારતીય ભાષાઓની તાકાત પર એટલી મજબૂત હતી કે ભારત વિશ્વ ગુરુ હતું. વિશ્વના પ્રાચીન મહાન વિશ્વવિદ્યાલયો તક્ષશિલા, નાલંદા, વિક્રમશીલા, વલ્લભી ભારતમાં હતા. જ્યાં જ્ઞાન, વિજ્ઞાન , કલા, દર્શન, ધર્મ, વગેરે સંસ્કૃત અને અન્ય ભારતીય ભાષાઓમાં શીખવવામાં આવતા હતા. વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ સંસ્કૃત ભાષામાં છે. આપણા વેદ ઉપનિષદની ભાષા પણ સંસ્કૃત છે. જ્ઞાન, વિજ્ઞાન, તકનીકી સામગ્રી પૌરાણિક સમયમાં અન્ય ક્યાય જોવામાં નથી આવતી. પ્રાચીન કાળથી જ ભારતીય ઋષિઓ, દાર્શનિકો, વૈજ્ઞાનિકોએ આ ભારતભૂમિમાં સંસ્કૃત ભાષામાં જ જ્ઞાન, વિજ્ઞાન, કળા, સાહિત્યના વિભિન્ન ગ્રંથોની રચના કરી છે. જેણે સમગ્ર વિશ્વને દિશા આપી હતી. પરમાણુ શસ્ત્રના જનક મહર્ષિ કણાદ, આયુર્વેદ ગ્રંથના ‘સુશ્રુત સંહિતા’ના રચીયાતા મહર્ષિ સુશ્રુત, રસાયણશાસ્ત્રના આચાર્ય નાગાર્જુન, યોગીક દર્શનના સ્થાપક મહર્ષિ પતંજલિ, ‘આર્યભટ્ટીયમ’ના રચિયતા આર્યભટ્ તથા વરાહમિહિર, ભાસ્કરાચાર્ય વગેરેએ સંસ્કૃત ભાષામાં પોતાનાં ગ્રંથોની રચના કરી ભારતમાંથી જ આખા વિશ્વમાં જ્ઞાન-વિજ્ઞાનને પ્રતિષ્ઠિત કર્યું હતું. .
સંસ્કૃત ભાષાની શક્તિ તેમજ તેની વૈજ્ઞાનિકતા જોઇ ડો. બાબાસાહેબ આંબેડકર તેને રાષ્ટ્રીય ભાષા બનાવવાની તરફેણમાં હતા. સંસ્કૃત ભાષા ઘણી બધી ભારતીય ભાષાઓની માતા છે. તે સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક છે અને તકનીકી દૃષ્ટિકોણથી સક્ષમ ભાષા છે. તમિળ ભાષાના લગભગ 42 ટકા શબ્દો મૂળ સંસ્કૃતના છે. ભારતભરમાં સંસ્કૃતના અધ્યયનથી ભારતીય ભાષાઓમાં એકરૂપતા આવશે એટલું જ નહીં ઉત્તર-દક્ષિણનો ભાષાકીય ભેદ પણ ભૂંસાઈ જશે અને ભારતીય એકતા મજબૂત થશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ ત્રિભાષીય સૂત્ર હેઠળ વિદ્યાર્થીઓ ભારતીય ભાષાઓ અને સંસ્કૃત ભાષમાં પ્રવીણતા મેળવી શકશે.
આજે વિદ્યાર્થીઓને ભારતીય ભાષાઓ લખવા અને બોલવામાં નિપુણ બનવાની જરૂર છે. વિશ્વના વિકસિત દેશો અમેરિકા, બ્રિટન, જર્મની, જાપાન, ઇઝરાઇલ, ફ્રાંસ વગેરેની પોતાની બોલચાલની જે ભાષા છે એ જ તેમની ગણિત તેમજ વિજ્ઞાન જેવા વિષયોની અભ્યાસ ભાષા છે. એજ એમની વ્યવસાયની ભાષા છે. આ દેશોમાં તેઓ તેમની પોતાની ભાષામાં અભ્યાસ કરાવે છે. આપણે ભારતની ગૌરવપૂર્ણ પરંપરાને યાદ કરી સમજવું પડશે કે ભારતીય ભાષાઓ ભારતની અસ્મિતાની ઓળખ છે, જે વિવિધતામાં એકતાનું દર્શન કરાવે છે. ભારતીય ભાષાઓ દેશના વહીવટ, વૈજ્ઞાનિક , તકનીકી, વ્યાપારી, વગેરે ક્ષેત્રોની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે. ભારત અને વિશ્વમાં ફેલાયેલા જ્ઞાનને ભારતીય ભાષાઓના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી લાવવાની જરૂર છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ભારતીય ભાષાઓમાં પારંગત યુવાનોના સર્જન માટે સ્પષ્ટ સમજણ સાથે પ્રબળ ઇચ્છાશક્તિ અને નિશ્ચયની બતાવે છે. પોતાની માતૃભાષામાં જુદી જુદી વિદ્યાઓના અધ્યયનથી શિક્ષણમાં શ્રેષ્ઠતા આવશે તેમજ એવી યુવા પેઢીનું નિર્માણ થશે જે પૂર્ણ રૂપે ભારતીય મૂલ્યો અને પરંપરાઓને સમર્પિત હોય. આ ઉપરાંત આપણા સમાજની જરૂરિયાતો અનુસાર, સક્ષમ, કુશળ ઉદ્યોગસાહસિક યુવાનોનું નિર્માણ કરવાનું શક્ય બનશે, જે સમાજના જુદા જુદા ક્ષેત્રોનું નેતૃત્વ કરી શકશે અને ભારતની ગૌરવપૂર્ણ સંસ્કૃતિનો વાહક બનશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020થી આવા ઉત્તમ યુવાનોના નિર્માણ સાથે સક્ષમ, મજબૂત અને આત્મનિર્ભર ભારત બનાવવાની કલ્પના ચોક્કસપણે સાકાર થશે.
*[લેખક મૂળે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના બાયોકેમેસ્ટ્રીના પ્રોફેસર અને જાણીતા વૈજ્ઞાનિક છે. એ ઉપરાંત તેઓ ભાગલપુર યુનિવર્સિટી, બિહાર તથા ગુરુ ઘાસીદાસ કેન્દ્રીય વિશ્વવિધાલય, છત્તીસગઢના પૂર્વ કુલપતિ રહી ચૂક્યા છે.]