1. Home
  2. revoinews
  3. કેળવણી-08: જીવનને સાર્થક બનાવવા માટે જોરશોરથી શું પોકારી રહ્યું છે?
કેળવણી-08: જીવનને સાર્થક બનાવવા માટે જોરશોરથી શું પોકારી રહ્યું છે?

કેળવણી-08: જીવનને સાર્થક બનાવવા માટે જોરશોરથી શું પોકારી રહ્યું છે?

0
Social Share

 – ડૉ. અતુલ ઉનાગર

આપણા જીવનકાર્ય માટે અંતઃકરણ આપણને વારંવાર સૂચના આપે જ છે. દરેકના જીવનમાં અંતઃકરણ દ્વારા જીવનકાર્યને લગતા પ્રભાવી સંકેતો વારંવાર થતાજ રહે છે. અહીં આપણે એ જોવાનું છે કે જીવનકાર્ય પોતે જ આપણને વારંવાર જોરશોરથી કેવી રીતે અને ક્યારે પોકારે છે.
મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનો સંગમ એ અંતઃકરણ છે. આ અંતઃકરણનું કાર્ય એ છે કે વારંવાર આપણને જીવનની શ્રેષ્ઠતમ બાબતોથી અવગત કરાવ્યા રાખે છે. આથી કર્તવ્યના ભાગરૂપે અંતઃકરણ આપણને જીવનકાર્ય માટે હંમેશા મદદરૂપ થયા કરે છે. તે કેવી રીતે આપણને મદદરૂપ થાય છે તેનું વિજ્ઞાન સમજવું અનિવાર્ય છે. આ વિજ્ઞાનની સમજણ સ્પષ્ટ થઈ જતાં જ અંતઃકરણનો પોકાર સંભળાવવા લાગે છે. ટૂંકમાં આ અંતઃકરણનો પોકાર સાંભળવાની પ્રક્રિયા શીખવતો આ લેખ છે. આ લેખના અંતે આપને જીવનકાર્ય શોધની એક નવીજ દિશા પ્રાપ્ત થઈ જશે તેવો મને વિશ્વાસ છે.
આની સ્પષ્ટતા માટે એક પ્રક્રિયા કરીશું. સૌથી પહેલાં એક ખૂબજ અગત્યનો પ્રશ્ન જાતને પૂછવો અનિવાર્ય બને છે. જેથી અંતઃકરણના પોકારની ભાષા સ્પષ્ટ થઈ શકે. આપના જીવનમાં બનેલી એવી ઘટનાઓને યાદ કરો કે જે ઘટનાઓએ આપને હચમચાવી દીધા હોય, આપના અંદરથી ઝનૂન જાગી ઊઠ્યું હોય. એ ઘટનાએ તમારી રાત-દિવસની નીંદર હરામ કરી નાખી હોય. આ ઘટનાથી આપ બેબાકળા, અધીરા અને બેચેન બની ગયા હોય. આપ તુરંત પ્રતિક્રિયા આપવા માટે મજબૂર હોય. તમારું ચાલે તો તમે તુરંત તેને જડમૂળમાંથી ઊખેડી ફેંકવામાં એક પળની પણ રાહ નહીં જુઓ. તે ઘટનાની પ્રતિક્રિયા માટે શરીરના પ્રત્યેક અવયવો તેની સામે જાણે કે મોરચો માંડયો હોય તેવો અહેસાસ કરાવે. આવું આપને જ્યારે જ્યારે પણ થયું હોય તે તમામ પરિસ્થિતિઓની એક યાદી તૈયાર કરો.

ઉદાહરણ તરીકે…

  • પરીક્ષામાં કોઈ વિદ્યાર્થીને ચોરી કરતાં જોઈને હ્રદયમાં પીડા જન્મી હોય.
  • કોઈ સામાજિક પ્રસંગમાં અન્નનો બગાડ થતાં જોઈને હ્રદય કંપી ઊઠ્યું હોય.
  • કોઈ ભણેલા ગણેલા યુવાનોને વ્યસની બની જતાં જોઈને દુઃખ ઉત્પન્ન થયું હોય.
  • શિક્ષણમાં સાચી કેળવણીનો અભાવ આપને ખૂંચતો રહેતો હોય.
  • ગરીબોના રોજીંદાં જીવનનાં કષ્ટો આપ સહન કરી શકતા ના હોય.
  • ભ્રષ્ટાચાર, દુરાચાર, કુરિવાજ, સરમુખત્યારની કોઈ ઘટના દુઃખી કરી ગઈ હોય.
  • લોભ, મોહ, મદ, મત્સર, દંભ, ઈર્ષા, અસુયા વગેરે દુર્ગુણો કષ્ટ પહોંચાડી ગયાં હોય.
  • જીવનમાં કોઈ ખાસ કષ્ટ સહન કરવાનું થયું હોય.
  • કોઈને કચરો ફેંકતા કે થૂંકતા જોઈને ક્રોધિત થયા હોય.
  • આપ કોઈની લાચારી, ઓશિયાળી, મજબૂરી કે વિવશતાથી દુઃખી થયા હોય.

 

આ યાદી તૈયાર થયા પછી, આપે પ્રકૃતિના એક નિયમને બરાબર સમજવાની જરૂર છે. આપને આપનું જીવનકાર્ય જોરશોરથી બળવો પોકારી રહ્યું હોય છે. અનેકવાર અંતઃકરણે આપણને જગાડ્યા હોય છે. આપને પીડા પહોંચાડનાર ઘટના જ આપણું જીવનધ્યેય છે. આ સત્યને સ્વીકારી લેવું જોઈએ. હવે આપે એ પણ હંમેશા યાદ રાખવું જોઈએ કે આપ તે ક્ષેત્રમાં ઈતિહાસ રચી શકો છો જે ક્ષેત્રમાં આપના હ્રદયમાં કંઈક કરવાની ભડભડતી આગ હોય. “જ્યાં પીડા ત્યાં વિકાસ”. જ્યાં સૌથી વધારે પીડા છે, ત્યાં સૌથી વધુ વિકસવાની તક છે. ટૂંકમાં પીડા અનિવાર્ય છે. જે હોકાયંત્રનું કામ કરે છે.

આ સમજણ સ્પષ્ટ થઈ ગયા પછી હવે આપે એ શોધવું જોઈએ કે, આ દુનિયામાં આપને સૌથી વધારે કઈ બાબત દૂભવે છે? આ વિશ્વની વર્તમાન કઈ કઈ બાબતો, નિયમો, કુરિવાજો, નીતિઓ, આચરણો, કટોકટીઓ, અરાજકતાઓ વગેરેમાંથી આપને ક્યા ક્ષેત્રમાં પીડા છે? કઈ પરિસ્થિતિ બળવો પોકારી રહી છે? એક વાત કાન ખોલીને સાંભળી લેજો… જો પીડા નથી તો જીવન પાસે ખાસ પરિવર્તનશીલ કામ પણ નથી જ. અને હા, જે જીવન પાસે પોતાનું નક્કી કામ હોય જ નહીં તો ત્યાં વિકાસ પણ કેવો? આપની જ્યાં પીડા છે ત્યાંજ આપના વિકાસનું ક્ષેત્ર છે તેમ સમજવું.

“જેટલી વધુ પીડા તેટલું ઊંચું પરિણામ” જો આપને ભારતની ગરીબીની પીડા હોય, લોકોમાં નૈતિકતાના અભાવની પીડા હોય, દેશમાં થતા ભ્રષ્ટાચારની પીડા હોય, કોઈના શોષણની પીડા હોય, પર્યાવરણ સુરક્ષાની પીડા હોય, કેળવણીના ક્ષેત્રે ચરિત્રનિર્માણની પીડા હોય. આવા પ્રકારનું એકાદ કોઈ પણ ક્ષેત્ર આપની પીડાનું કારણ હોય જ છે. કારણ વગર કાર્ય સંભવ જ નહીં બને. વિશ્વ કે દેશની કોઈ એક મહામારી આપનું જીવનધ્યેય હોઈ શકે, નહીં કે મકાન બનાવવું, ગાડી લેવી, પરદેશ ફરવા જવું વગેરે… આતો ફક્ત ભૌતિક સુખ માત્ર જ છે.

અહીં ચર્ચેલા સિદ્ધાંત મુજબ આપના અંતઃકરણને જે દૂભવે છે, પીડા પહોંચાડે છે, પજવે છે તે જ કાર્ય આપનું પોતાનું છે. તમને જે દૂભવે છે તે બીજાને ના પણ દૂભવે, અને બીજાને જે દૂભવે છે તે તમને ના પણ દૂભવે, આવું પણ બને. અહીં આપ એ શીખ્યા કે આપના હ્રદયમાં અમૂક ખાસ ક્ષેત્રમાં પીડા હોવી એ અનિવાર્ય છે. આ મહત્વપૂર્ણ અનિવાર્ય બાબત જ આપને ઈતિહાસ નિર્માતા બનાવી શકશે, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code