આર્ટિકલ 370 દૂર કર્યાને એક વર્ષ પૂર્ણ, વિકાસની દિશામાં આગળ વધ્યું જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ
દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કર્યાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે એક વર્ષના સમયગાળામાં જમ્મુ-કાશ્મીર અને લદાખની જનતા પણ હવે દેશના અન્ય રાજ્યોની જેમ વિકાસ ઈચ્છી રહી છે. બીજી તરફ કેન્દ્ર સરકારે પણ જમ્મુ-કાશ્મીર અને લદાખના વિકાસ માટે અને સ્થાનિકોને રોજગારી મળી રહે તે દિશામાં કામગીરી કરી છે. તેમજ કરોડોના પ્રોજેક્ટોને મંજૂરી આપીને શરૂ કરવામાં આવ્યાં છે.
ભારત સરકારે ગત તા. 5મી ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરરજો આપતી કલમ 370 દૂર કરવાની જાહેરાત કરી હતી. તેમજ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્ર સાશિત રાજ્યની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા બંને રાજ્યોના વિકાસ માટે લાખોની યોજનાઓને મંજૂરીની મહોર મારીને વિકાસના કામો શરૂ કરવામાં આવ્યાં છે. ઉર્જા ક્ષેત્રે જોડાયેલી રૂ. દસ હજાર કરોડની 15 પરિયોજનાઓ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત કઠુઆમાં રૂ. 6 હજાર કરોડની કૃષિ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી.
કેન્દ્ર સરકારે સ્થાનિકોને રોજગારી મળી રહે તે દિશામાં પણ અસરકારક કામગીરી કરી છે. આ ઉપરાંત લોકોને સારી સુવિધાઓ મળી રહે તેવી કામગીરી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 867 કરોડની રકમ 380 જેટલા રસ્તાઓના નિર્માણ માટે ફાળવ્યાં છે. એટલું જ નહીં 198 બ્રિજ બનાવવા માટે રૂ. 413 કરોડ ફાળવ્યાં છે. આમ કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના વિકાસને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની પ્રજા પણ શાંતિ અને અમન ઈચ્છી રહ્યાં છે. તેમજ પોતે ભારતીય હોવાનું ગર્વ કરી રહ્યાં છે. જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરરજો મળ્યો હોવાથી વિકાસથી વંચિત રહ્યું હતું. પરંતુ હવે સ્થાનિકો પણ રાજ્યમાં વિકાસ ઈચ્છી રહ્યાં છે.