- ભારતીય વાયુસેનાની તાકાત હવે થઇ બમણી
- વાયુસેનામાં આજે સામેલ થયા 5 રાફેલ વિમાનો
- અહીંયા વાંચો તેના ખાસ ફીચર્સ વિશે
ભારતીય વાયુસેનાની તાકાત હવે બમણી થઇ છે. ભારતીય વાયુસેનામાં આજે 5 લડાકૂ વિમાન રાફેલ સામેલ થઇ ચૂક્યા છે. રાફેલ વિશે વાત કરીએ તો રાફેલ આધુનિક સમયના સૌથી શ્રેષ્ઠ લડાકૂ વિમાનો ગણાય છે. તેને ભારતની જરૂરિયાત પ્રમાણે નિર્મિત કરાવવામાં આવ્યા છે અને ભારતીય વાયુસેનાના અધિકારીઓને પણ તેના માટે તાલીમ આપવામાં આવી છે.
ભારતને જે લડાકૂ રાફેલ મળ્યા છે તેની નીચે આપેલી ખાસિયત જાણીને તમે પણ અચંબિત થઇ જશો.
- લડાકૂ વિમાન રાફેલનું કોમ્બેટ રેડિયસ 3700 કિમી છે. કોમ્બેટ રેડિયસ એટલે પોતાના ઉડાન સ્થળેથી દૂર જઇને સફળતાપૂર્વક હુમલો કરીને વિમાન પાછું આવી શકે તે.
- ભારતને જે પાંચ રાફેલ લડાકૂ વિમાન મળશે તેમાંથી ત્રણ સિંગલ સીટર છે અને બે ડબલ સીટર છે. તેમને વાયુસેનાની ગોલ્ડન એરો 17 સ્કવડ્રોનમાં સામેલ કરવામાં આવશે.
- ભારતને મળેલા રાફેલમાં ત્રણ જાતની મિસાઇલ ફિટ થઇ શકે છે. તેમાં હવાથી હવામાં માર કરનારી મીટિયોર, હવાથી જમીન પર વાર કરી શકે તેવી સ્કૈલ્પ અને હેમર મિસાઇલ. આ મિસાઇલોથી સજ્જ થયા બાદ રાફેલ કાળ બનીને દુશ્મનો પર તૂટી પડશે.
- ભારતે પોતાની જરૂરિયાત પ્રમાણે તેમાં હેમર મિસાઈલ લગાવડાવી છે. HAMMER એટલે Highly Agile Modular Munition Extended Range. તે એક એવી મિસાઈલ છે જેનો ઉપયોગ ઓછા અંતર માટે કરવામાં આવે છે. આ મિસાઈલ આકાશમાંથી જમીન પર વાર કરવા માટે અસરકારક સાબિત થઈ શકે છે.
- HAMMERનો ઉપયોગ મુખ્યત્વે બંકર કે કેટલાક ગુપ્ત સ્થાનો તબાહ કરવા થાય છે. ઈસ્ટર્ન લદ્દાખની પહાડીઓમાં આ મિસાઈલ ખૂબ ઉપયોગી સાબિત થશે.
- રાફેલ એક મિનિટમાં 18,000 મીટરની ઉંચાઈએ જઈ શકે છે. જે પાકિસ્તાનના F-16 કે ચીનના J-20 કરતા સારો આંકડો છે.
નોંધનીય છે કે ભારતને ફ્રાંસ પાસેથી કુલ 36 રાફેલ વિમાન મળશે જે પૈકીના 5 વિમાન આજે ભારતીય વાયુસેનામાં સામેલ થઇ ચૂક્યા છે. જ્યારે અન્ય 5 લડાકૂ વિમાનો થોડા મહિનાઓમાં પહોંચી જશે. વર્ષ 2021-22 સુધીમાં ભારતને તમામ 36 લડાકૂ વિમાન મળે તેવી સંભાવના છે.
(સંકેત)