કોરોના ઇફેક્ટ: સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશ જાતે જ આદેશ ટાઇપ કરે છે
- કોરોના વાયરસના સંક્રમણથી ન્યાયાધીશોને થઇ રહ્યો છે ફાયદો
- સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ચંદ્રચૂડ જાતે જ આદેશ કરે છે ટાઇપ
- જાતે આદેશ ટાઇપ કરવાથી તે ભૂલ વગરનો અને ચોક્કસ બને છે: જસ્ટિસ ચંદ્રચૂડ
કોરોના નામ માત્રથી જ ભલે લોકોમાં ભય અને દહેશતનો માહોલ જોવા મળતો હોય અને કોરોના સંક્રમિત થવાનો ડર લોકોને સતત સતાવતો હોય પરંતુ કેટલાક અંશે તેનાથી કેટલીક સકારાત્મક વસ્તુઓ પણ સ્થાન લઇ રહી છે. જેમ કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડ વીડિય કોન્ફરન્સિંગના માધ્યમથી સુનાવણી દરમિયાન જે પણ આદેશ આપે છે તેને પોતાની જાતે જ લેપટોપ પર ટાઇપ કરે છે.
કોરોના કાળમાં વર્ચ્યુઅલ કામગીરી અંગેના પોતાના સકારાત્મક અનુભવને શેર કરતા જસ્ટિસ વાય ચંદ્રચૂડે કહ્યું હતું કે તેઓ કોર્ટ માસ્ટરને આદેશ આપવાના બદલે પોતે લેપટોપ પર આદેશ લખે છે કારણ કે તે ડિટેક્શન આપવાની સરખામણીએ વધુ સરળ અને સહજ હોય છે. લેપટોપ પર પોતે જ આદેશ ટાઇપ કરતા હોવાથી તે ચોક્કસ બની જાય છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આદેશ ટાઇપ કર્યા બાદ તેમાં કોઇપણ ટાઇપિંગ મિસ્ટેક કે સુધારાની આવશ્યકતા રહેતી નથી. આપને જણાવી દઇએ કે હાલમાં કોરોના સંકટને કારણે સુપ્રીમ કોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરાઇ રહી છે. સુપ્રીમ કોર્ટમાં 23મી માર્ચથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સુનાવણી થઇ રહી છે.
સુપ્રીમ કોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી થતી હોવાથી અરજદારનો પક્ષ રજૂ કરતા વકીલો પાસે પણ લેપટોપ હોવું આવશ્યક છે ત્યારે સુપ્રીમ કોર્ટ પ્રશાસને આ વકીલોને 4જી તકનીક સાથેનું ડેડીકેટેડ લાઇન વાળું ઇન્ટરનેટ કનેકશન પોતાના મોબાઇલ, લેપટોપ, પીસી, આઇપેડમાં રાખવાના સૂચનો સાથેનું એક પરિપત્ર જારી કર્યું હતું.
(સંકેત)