ભારતીય વાયુસેનામાં 29 જુલાઇએ 5 રાફેલનું થશે આગમન
- ભારતીય વાયુસેનાની તાકાતમાં થશે વધારો
- 29 જુલાઇએ પાંચ રાફેલ વાયુસેનામાં થશે સામેલ
- લદ્દાખ મોરચે રાફેલને તૈનાત કરાય તેવી સંભાવના
ભારતીય વાયુસેનાની તાકાત ટૂંક સમયમાં વધવાની છે. લડાકૂ રાફેલ વિમાનો ટૂંક સમયમાં ભારતીય વાયુસેનામાં સામેલ થશે.
પ્રાપ્ત અહેવાલો મુજબ પાંચ રાફેલ વિમાનો 29 જુલાઇએ ભારતમાં આવી પહોંચે તેવી સંભાવના છે. તેમને વાયુસેનામાં વિધિવત રીતે સામેલ કરવા માટે ઓગસ્ટના બીજા સપ્તાહમાં સમારોહ યોજાઇ શકે છે.
વાયુસેનાના પાયલોટસ અને ગ્રાઉન્ડ સ્ટાફની વિમાનને લગતી તમામ તાલીમ પૂરી થઇ ગઇ છે. ભારતીય વાયુસેનામાં આ લડાકૂ વિમાન સામેલ થયા બાદ તેને પૂર્વીય લદ્દાખ મોરચે તૈનાત કરવામાં આવે તેવી શક્યતા છે. તેથી ભારતીય વાયુસેના ચીન સામે તેમની ક્ષમતાને વધારી શકે.
મહત્વનું છે કે, લડાકૂ વિમાન રાફેલના ભારતીય વાયુસેનામાં આગમન બાદ ભારતીય વાયુસેનાની ક્ષમતામાં વધારો થશે અને વાયુસેના વધુ તાકાતવર બનશે. આપને જણાવી દઇએ કે ભારતે 58000 કરોડ રૂપિયામાં 36 રાફેલ વિમાનો ખરીદવા માટે ફ્રાન્સ સાથે કરાર કર્યા છે.
(સંકેત)