અમેરિકામાં ધાર્મિક નફરતના આધારે હિંદુ મંદિરમાં તોડફોડ કરવાની ઘટના સામે આવી છે. અમેરિકાના કેન્ટુકી રાજ્યમાં ઘૃણાના અપરાધ હેઠળ એક હિંદુ મંદિરમાં તોડફોડ કરીને ભગવાનની મૂર્તિ પર કાળો પેઈન્ટ છાંટવામાં આવ્યો છે. તેની સાથે મુખ્યસભામાં રાખેલી ગાદી પર ચાકુ પણ ખોપવામાં આવ્યું છે.
લુઈસવિલે શહેરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં રવિવારે રાત્રિથી મંગળવાર વચ્ચે આ ઘટના બની છે. સ્થાનિક મીડિયામાં આવેલા અહેવાલ મુજબ, તોડફોડમાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ પર કાળો પેઈન્ટ છાંટવામાં આવ્યો હતો, બારીઓને તોડી નાખવામાં આવી હતી, દિવાલો પર ખોટા સંદેશાઓ અને ચિત્ર બનાવી દેવામાં આવ્યા હતા. ગાદી પર ચાકૂ ખોપવામાં આવ્યું હતું અને તમામ કબાટો ખાલી પડેલા હતા.
કેન્ટુકી લુઈસવિલેમાં રહેતા ભારતીય મૂળના અમેરિકન સમુદાયમાં આ ઘટનાને લઈને આઘાતની લાગણી છે. અધિકારીઓ મામલાને હેટ ક્રાઈમ માનીને તેની તપાસ કરી રહ્યા છે.
આ ઘટનાને વખોડતા લુઈસવિલેના મેયર ગ્રેગ ફિશરે શહેરના લોકોને નફરતના અપરાધો વિરુદ્ધ ઉભા થવાની અપીલ કરી છે. બુધવારે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને ફિશરે કહ્યુ હતુ કે જ્યારે પણ આપણે ઘૃણા અથવા કટ્ટરપંથ જોઈશું, તેની વિરુદ્ધ ઉભા થઈશું.
જો કે મંદિરોમાં તોડફોડના મામલા આપણા દેશમાં પણ ઘણાં સ્થાનો પર સામે આવ્યા છે. એપ્રિલ-2018માં પશ્ચિમ બંગાળના હાવડામાં હિંદુ મંદિરમાં તોડફોડના અહેવાલ આવ્યા હતા. કેટલાક બદમાશોએ નાળીમાં ભગવો ઝંડો ફેંક્યો અને મંદિરનું ત્રિશૂળ પણ તોડયું હતું.
મહત્વપૂર્ણ છે કે પશ્ચિમ બંગાળના હાવડામાં હિંદુ અને મુસ્લિમ સમુદાયના લોકો મોટી સંખ્યામાં રહે છે. હિંદુ મંદિરમાં તોડફોડની ઘટના બાદ હાવડામાં તણાવની સ્થિતિ સર્જાઈ હતી. 2016માં જમ્મુમાં પણ મંદિરમાં તોડફોડ કરવાની ઘટના સામે આવી હતી.