- ભારત-બાંગ્લાદેશ વચ્ચે તીસ્તા નદીની પાણી વહેંચણીનો જૂનો વિવાદ
- સમજૂતીથી સિક્કીમ-પ.બંગાળના એક કરોડ લોકોને થશે મુશ્કેલી
- બાંગ્લાદેશની મોટી વસ્તી તીસ્તા નદીના પાણી પર છે નિર્ભર
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે તીસ્તા નદીનો વિવાદ ઘણો જૂનો છે. શનિવારે યોજાનારી બેઠકમાં આશા કરવામાં આવી રહી છે કે કદાચ આ વિવાદનો ઉકેલ કાઢવામાં આવે. સ્પષ્ટ છે કે આ વિવાદના ઉકેલ માટે સતત કોશિશો કરાઈ રહી છે.
તીસ્તા નદી ભારતના સિક્કીમ રાજ્યમાંથી નીકળીને પશ્ચિમ બંગાળ ખાતે થઈને બાંગ્લાદેશની જમુના (બ્રહ્મપુત્ર) નદીમાં મળે છે. સિક્કીમ અને ઉત્તર-પશ્ચિમ બંગાળના પાંચ જિલ્લામાં લગભગ એક કરોડ લોકો આ નદી પર નિર્ભર છે. બીજી તરફ બાંગ્લાદેશની મોટી વસ્તી પણ આના પર નિર્ભર છે.
મહત્વપૂર્ણ છે કે બંને દેશો વચ્ચે 54 નદીઓ વહે છે. બાંગ્લાદેશ લાંબા સમયથી માગણી કરી રહ્યું છે કે આ તમામ નદીઓ પર એક વ્યાપક સમજૂતી થવી જોઈએ. શનિવારે યોજાનારી મુલાકાતમાં આશા છે કે જળ વિવાદને લઈને સૈદ્ધાંતિક રીતે કોઈ સંમતિ બની શકે છે, જે તીસ્તા સહીત તમામ નદીઓ પર લાગુ થશે.
કેટલાક દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની મુલાકાત યોજાઈ હતી. જ્યાં બંને દેશો વચ્ચે તીસ્તા નદીને લઈને પણ વાત થઈ હતી. તાજેતરમાં બાંગ્લાદેશના હાઈકમિશનરે સિક્કીમના મુખ્યપ્રધાન પ્રેમસિંહ તમાંગ સાથે મુલાકાત કરી હતી. સ્પષ્ટ છે કે સિક્કીમ પણ તીસ્તા નદી સાથે જોડાયેલી છે.
ભારતમાં બાંગ્લાદેશના હાઈકમિશનર સૈય્યદ મુઅજ્જમ અલીનું કહેવું છે કે તીસ્તા નદીમાં પૂરની અવાર-નવાર સ્થિતિ સર્જાય છે. તાજેતરના દિવસોમાં નદીમાં પાણીના સ્તરમાં ઘટાડો થયો છે. તેના કારણે નેવિગેશનમાં મુશ્કેલી થઈ રહી છે. માટે જરૂરી છે કે બંને દેશ વાતચીત દ્વારા મુદ્દાને ઉકેલે. વિપરીત હવામાનમાં તીસ્તા નદીના પાણીની વહેંચણી તે સમસ્યાનો ઉકેલ છે.
તો પશ્ચિમ બંગાળ આ સમજૂતીના વિરોધ કરતા કહે છે કે તીસ્તા નદીમાં પાણી ઓછું થઈ રહ્યું છે અને જ્યારે પુરતું પાણી જ નથી, તો વહેંચણીનો શું મતલબ છે?
તો બાંગ્લાદેશનો તર્ક છે કે નદીમાં જેટલું પણ પાણી છે, તેને બંને દેશોમાં સમાનપણે વહેંચવું જોઈએ.
સિક્કીમ અને પશ્ચિમ બંગાળે તીસ્તા નદીમાં ઘણાં બંધ અને હાઈડ્રો-પાવર પ્રોજેક્ટ ચલાવ્યા છે. તેના સિવાય તેમણે સિંચાઈ માટેની નહેરોનું પણ નિર્માણકાર્ય કર્યું છે. આના કારણે નદીમાં પાણી ઓછું થઈ રહ્યું છે.
તીસ્તા નદીનું પાણી સિક્કીમ થઈને પશ્ચિમ બંગાળ અને બાદમાં બાંગ્લાદેશ પહોંચે છે. આ દરમિયાન ઘણાં બંધ અને હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં તીસ્તા નદીનો ઉપયોગ થાય છે.
તેવામાં જો બંને દેશો વચ્ચે તીસ્તા નદીને લઈને કોઈ સમજૂતી થાય છે, તો પશ્ચિમ બંગાળ અને સિક્કીમ પોતાની મરજી પ્રમાણે પાણીનો ઉપયોગ કરી શકશે નહીં. પરંતુ સમજૂતી બાંગ્લાદેશ માટે મોટી રાહત હશે.