ગઝનવી, ઘોરીવાદીઓના આક્રમણો છતાં ભારતના અફઘાનિસ્તાન સાથે ગાઢ સાંસ્કૃતિક સંબંધોના મૂળિયા અકબંધ
આનંદ શુક્લ
પાકિસ્તાન પ્રેરીત ઈસ્લામિક કટ્ટરપંથીઓ પણ સાંસ્કૃતિક સંબંધોના મૂળિયા ઉખાડી શક્યા નથી
બામિયાનની બૌદ્ધ પ્રતિમાઓને ધ્વસ્ત કરનારા તાલિબાનોને હટવું પડયું, સાંસ્કૃતિક મૂળિયા યથાવત
અફઘાનિસ્તાન સાથે 1919થી 2019 સુધી તાલિબાનોના કાર્યકાળને બાદ કરતા ભારતના ગાઢ સંબંધ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વેદકાલિન સંબંધો છે. અફઘાનિસ્તાન મૌર્ય અને શક- કુષાણ વંશનો ભાગ રહ્યું છે. સુબક્તગિનના આક્રમણને અફઘાનિસ્તાનના હિંદુશાહી શાસકોએ લાંબો સમય સુધી રોકી રાખ્યા હતા. બાદમાં મહેમૂદ ગઝનવી, મોહમ્મદ ઘોરી, બાબર, અહમદશાહ અબ્દાલી અને નાદિર શાહ જેવા આક્રમણખોરોએ ભારત પર આક્રમણો કર્યા હતા. બ્રિટિશ ઈન્ડિયાએ ઘણો મોટો અફઘાનિસ્તાનનો ભાગ કબજે કર્યો હતો. આધુનિક યુગમાં તાલિબાની શાસકોને બાદ કરતા મહદ અંશે અફઘાનિસ્તાન સાથે ભારતના ખૂબ જ સારા રાજદ્વારી સંબંધો રહ્યા છે.
પ્રાચીન રેશમ માર્ગનું કેન્દ્રબિંદુ રહેલું અફઘાનિસ્તાન ક્યારેક અખંડ ભારતનો ભાગ હતું. મેસેડિનિયાના એલેક્ઝાન્ડરની વિશ્વવિજેતા બનવાની ઘેલછાને અફઘાનિસ્તાન અને તક્ષશિલામાંથી પડકાર મળ્યો હતો. મૌર્ય, કુષાણ, હફ્થલિટ, સમાની અને શક સામ્રાજ્યનો પણ અફઘાનિસ્તાન ભાગ રહ્યું છે. ઈસ્લામના આગમન પહેલા અફઘાનિસ્તાનમાં હિંદુ-બૌદ્ધ પરંપરાઓનો પ્રભાવ હતો અને હિંદુશાહી રાજ્યની આણ પ્રવર્તતી હતી. બાદમાં ઈસ્લામિક આક્રમણખોરોને કારણે અફઘાનિસ્તાનમાંથી હિંદુશાહી રાજ્યનો અંત આવ્યો.
બાદમાં અફઘાનિસ્તાનમાં ગઝનવી, ઘોરી, દુર્રાની જેવા મુસ્લિમ વંશીય શાસકોનું રાજ્ય સ્થપાયું હતું. હિંદુકુશ થઈને સિકંદર બાદ અફઘાનિસ્તાનના ગઝનીમાંથી મહેમૂદ ગઝનવીએ 1000થી 1025 વચ્ચે ભારત પર 17 આક્રમણો કર્યા હતા. તેના પછી મોહમ્મદ ઘોરીએ તરાઈની લડાઈમાં પૃથ્વીરાજ ચવ્હાણને હરાવ્યા અને દિલ્હીમાં ગુલામ વંશનું શાસન સ્થપાયું હતું. બાબર પણ સમરકંદ-બુખારા હારીને અફઘાનિસ્તાનના રસ્તે દિલ્હી કબજે કરવામાં સફળ થયો. ભારતમાં મુગલવંશની સ્થાપના બાબરે કરી હતી. તેની કબર હાલ અફઘાનિસ્તાનમાં છે. પાણીપતની લડાઈમાં મરાઠાઓની મહત્વકાંક્ષાઓને અફઘાની શાસક અહમદશાહ અબ્દાલી સામે ખરાબ વ્યૂહરચના અને આંતરીક ફાટફૂટને કારણે હારવું પડયું હતું. નાદિર શાહે દિલ્હી પર સવારી લાવીને ભયાનક કત્લેઆમ પણ ચલાવી હતી.
બ્રિટિશ ઈન્ડિયાની અંગ્રેજ સેનાઓએ અફઘાનિસ્તાન પર ઘણાં આક્રમણો કર્યા હતા. 1919માં બ્રિટિશ સેના સામે લડીને અફઘાનિસ્તાન આઝાદ થયું હતું. જો કે તે સમયગાળામાં અફઘાનિસ્તાનમાં બ્રિટિશ પ્રભાવ વધવા લાગ્યો અને બાદમાં બીજા વિશ્વયુદ્ધ પછી અફઘાન શાસકો સોવિયત સંઘની નજીક જવા લાગ્યા હતા. 1979થી 1989 સુધી સોવિયત સંઘની સેનાઓ અફઘાનિસ્તાનમાં રહી હતી. જો કે અમેરિકાના દોરીસંચાર હેઠળ પાકિસ્તાનની મદદથી મુજાહિદ્દીનોએ સોવિયત સેનાઓને વાપસી માટે મજબૂર કરી હતી. તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કરી અને તે સમયગાળામાં ભારત સાથેના અફઘાનિસ્તાનના રાજદ્વારી સંબંધો ખરાબ થયા. અમેરિકાના અફઘાનિસ્તાન પરના હુમલા બાદ સત્તામાં આવેલી હામિદ કરજઈની સરકાર સાથે ભારતના ખૂબ સારા રાજદ્વારી સંબંધો રહ્યા હતા. તેમના પછીની અફઘાન સરકાર સાથે પણ ભારત સરકારના સુમેળભર્યા સંબંધો છે.
ભારતે અફઘાનિસ્તાનના પુનર્નિમાણ માટે કરોડો ડોલરોનું રોકાણ વિકાસ કાર્યોમાં કર્યું છે. સડક નિર્માણ અને વીજ ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં ભારતના ઘણાં પ્રોજેક્ટ અફઘાનિસ્તાનમાં છે. અફઘાનિસ્તાનમાં કેટલાંક સ્થાનો પર પ્રોજેક્ટની સુરક્ષા માટે ભારતના સુરક્ષાકર્મીઓ પણ તેનાત છે. મનમોહનસિંહના કાર્યકાળમાં ભારતે અફઘાનિસ્તાનમાં ખૂબ મોટા પ્રમાણમાં રોકાણો કર્યા હતા. પીએમ મોદીની આગેવાનીવાળી સરકાર પણ આ નીતિને આગળ ધપાવી રહી છે. અફઘાનિસ્તાનની સેનાને તાલીમ આપવા માટે ભારતીય સેનાના ઈન્સ્ટ્રક્ટરો પણ ઘણી મોટી કામગીરી કરી રહ્યા છે.
અફઘાનિસ્તાનમાં ભારતના રાજદ્વારી ઠેકાણા અને દૂતાવાસ પર 2008 અને 2014માં પહેલી ટર્મમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શપથવિધિ પહેલા હુમલા થયા હતા. તેની પાછળ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનો હાથ હતો. પરંતુ પાકિસ્તાન તેનો ઈન્કાર કરી રહ્યું છે. પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં ભારતની હાજરી નાપસંદ છે. પાકિસ્તાનનો આરોપ છે કે ભારત અફઘાનિસ્તાનમાંથી બલુચિસ્તાનના સ્વતંત્રતાસેનાનીઓને મદદ પહોંચાડી રહ્યું છે. જો કે ભારત આ આરોપોને નકારી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે 19મી સદીથી તાલિબાનોના શાસનકાળને બાદ કરતા મોટાભાગે અફઘાનિસ્તાનના તમામ શાસકો સાથે ભારતના મિત્રતાપૂર્ણ સંબંધો રહ્યા છે. જાણકારોનું માનવું છે કે અફઘાનિસ્તાન દક્ષિણ એશિયામાં સ્થિરતા અને શાંતિ માટે ભારતની ઘણી મોટી રણનીતિક જવાબદારી છે.