- યુપીથી ભાજપના ધારાસભ્ય વિક્રમસિંહ સૈનીનું વિવાદીત નિવેદન
- નહેરુ-ગાંધી પરિવાર પર સૈનીની બેફામ ટીપ્પણીથી ટ્વિટર યૂઝર્સ ખફા
- નહેરુ અને રાજીવ ગાંધી સામે સૈનીએ વાપર્યા વિવાદીત શબ્દો
ઉત્તરપ્રદેશથી ભાજપના ધારાસભ્યએ ગાંધી-નહેરુ પરિવાર સામે બેફામ નિવેદનબાજી કરી છે. તેમણે દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને લઈને વિવાદીત શબ્દોનો ઉપયોગ કર્યો છે. તેમનો એક વીડિયો પણ સામે આવ્યો છે. એએનઆઈ દ્વારા આપવામા આવેલા વીડિયો પર ટ્વિટર યૂઝર્સે પણ પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
મુઝફ્ફરનગરની ખતૌલી બેઠક પરથી ભાજપના ધારાસભ્ય વિક્રમસિંહ સૈનીએ કહ્યુ છે કે એક મહિલા પત્રકાર જોઈ રહી હતી, પરંતુ મોદીની નજર તો માત્ર દેશ પર છે. આપણા વડાપ્રધાનનું ધ્યાન માત્ર એના પર છે કે દેશ કેવી રીતે શક્તિશાળી બને. નહેરુ તો અય્યાશ હતા. અંગ્રેજોના ચક્કરમાં દેશને વિભાજીત કરાવી દીધો. આખું ખાનદાન અય્યાશ હતું આમનું તો, રાજીવે લગ્ન ઈટાલીમાં કર્યા. તેમનું કામ આવું જ રહ્યું છે.
ટ્વિટર યૂઝર્સે ભાજપના ધારાસભ્ય સૈનીના નિવેદનને નિશાને લેતા તેમની ભાષા પર સવાલ ઉઠાવ્યા છે. વિનોદ નામના એક શખ્સે કહ્યુ છે કે એક જનપ્રતિનિધિએ જાહેર મંચો પર નિવેદન આપતી વખતે શિષ્ટાચારનું ધ્યાન રાખવું જોઈએ. તો હેમંત મલ્લાન નામના એક શખ્સે ધારાસભ્યના નિવેદનને વ્હોટ્સએપ યુનિવર્સિટીનું જ્ઞાન ગણાવ્યું છે.
યુપી ભાજપના નેતાઓ ગાંધી પરિવાર પર તીખા શાબ્દિક હુમલા અવારનવાર કરતા રહે છે. જાહેરમંચો પરથી ભાજપના ધારાસભ્ય- સાંસદ પહેલા પણ વાંધાજનક ભાષાનો ઉપયોગ કર ચુક્યા છે. જો કે આ નિવેદન પર અત્યાર સુધી કોંગ્રેસ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
મહત્વપૂર્ણ છે કે આ પહેલા યુપી ભાજપના નેતા પ્રિયંકા ગાંધીને લઈને પણ વિવાદીત નિવેદન આપી ચુક્યા છે. લોકસભા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી પર તબક્કાવાર રીતે ભાજપના નેતાઓના વિવાદીત નિવેદનો સામે આવ્યા હતા.