ભારતમાં પીએમ મોદીનું નામ કોઈ ભૂલી જાય ખરું?
પણ ભાજપની સરકારમાં એક પ્રધાન મોદીનું નામ ભૂલી ગયા!
ઝારખંડ સરકારમાં પ્રધાન રામચંદ્ર ચંદ્રવંશી પીએમનું નામ ભૂલી ગયા!
ભાજપની ઝારખંડ સરકારમાં પ્રધાન રામચંદ્ર ચંદ્રવંશી એક વિચિત્ર સ્થિતિમાં ફસાઈ ગયા હતા. મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ ભૂલી ગયા. તેમનો આના સંદર્ભેનો એક વીડિયો સોશયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ઝારખંડના આરોગ્ય પ્રધાનને પોતાની જ પાર્ટીના વડાપ્રધાનનું નામ પણ યાદ નથી. રામચંદ્ર ચંદ્રવંશી પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા આપવા ઈચ્છતા હતા. પરંતુ તેઓ તેમનું નામ જ ભૂલી ગયા.
ઘણી કોશિશો બાદ અને આજુબાજુ જોયા બાદ તેમને નામ યાદ આવ્યું નહીં, તો તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા. જણાવવામાં આવે છે કે 78 વર્ષીય નેતાજીની યાદાશ્ત કમજોર છે. તેઓ નેતાઓના નામને યાદ રાખી શકતા નથી. પરંતુ પોતાની જ પાર્ટીના સૌથી મોટા નેતાનું જ નામ ભૂલવાના મામલે તેમને સોશયલ મીડિયા પર ખૂબ ફજેતીનો સામનો કરવો પડી રહ્યો છે. જણાવવામાં આવે છે કે રામચંદ્ર ચંદ્રવંશી ગઢવા રાંચી ખાતેના પોતાના નિવાસસ્થાનેથી નીકળી રહ્યા હતા. ત્યારે ત્યાં મીડિયાકર્મીઓએ તેમને ઘેરી લીધા હતા.
ચંદ્રવંશી મઝિઆંવ પ્રખંડમાં વીજળી પડવાને કારણે જીવ ગુમાવનારા 8 મૃતકોના પરિવારોને મળવા માટે પહોંચ્યા હતા. પત્રકારોએ તેમને કહ્યુ કે વડાપ્રધાનનો જન્મદિવસ છે, તમે શું કહેવા માંગો છે. આના પર પ્રધાને શુભકામનાઓ તો આપી, પરંતુ ઘણી કોશિશો છતાં તેમને પોતાની પાર્ટીના સર્વોચ્ચ નેતા એવા પીએમ મોદીનું નામ યાદ આવ્યું નહીં. જો કે આ પહેલો મોકો નથી કે જ્યારે આરોગ્ય પ્રધાન આવી રીતે ચર્ચામાં આવ્યા હોય. આના પહેલા ગઢવામમાં જ એક કાર્યક્રમ દરમિયાન શિલાપટ્ટિકામાં નામ નહીં લખેલું હોવાથી નારાજ થઈને ઉદ્ઘાટન કર્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા હતા.
મહત્વપૂર્ણ છે કે રામચંદ્ર ચંદ્રવંશી આરજેડી છોડીને ભાજપમાં સામેલ થયા છે. તેઓ આરજેડીમાંથી ધારાસભ્ય અને પ્રધાન રહી ચુક્યા છે. તેઓ ઝારખંડની બિશ્રામપુર બેઠક પરથી ધારાસભ્ય છે. તેઓ મોટાભાગે વિવાદોમાં રહે છે. 2015માં તેમણે આરજેડીના જિલ્લા પ્રમુખ શંભુનાથ ચંદ્રવંશીને ભરી સભામાં તમાચો મારી દીધો હતો. તેનો વીડિયો પણ ત્યારે સોશયલ મીડિયામાં ખૂબ વાઈરલ થયો હતો.