સિંધુ જળ સંધિ પર ડખ્ખો
પાકિસ્તાનની આતંકી નીતિને કારણે ડખ્ખો
ભારત-પાકિસ્તાન વચ્ચે પાણી પણ વિવાદનું કારણ
કાશ્મીરને લઈને ચાર વાર જંગ લડી ચુકેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદનું એક કારણ જળ વહેંચણી પણ છે. ભારત નદીઓનો દેશ છે , જ્યારે તેના એક હિસ્સામાંથી બનેલું પાકિસ્તાન સંપૂર્ણપણે સિંધુ નદી પર નિર્ભર છે. આના કારણે સિંધુ જળ સંધિ બાદ પણ બંને દેશો માટે આ વિવાદ ક્યારેય સમાપ્ત થઈ શક્યો નથી. આના પર એક નજર કરીએ.
સિંધુ નદીના પાણીને લઈને ભારત અને પાકિસ્તાનનો વિવાદ વિભાજન વખતથી ચાલી રહ્યો છે. જાણકારોનું માનીએ, તો ભારત આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતા અને જવાબદાર દેશ હોવાના નાતે આ મામલામાં એઠલું કડક વલણ અપનાવી રહ્યો નથી, કે જેટલું તે અપનાવી શકે છે. ભૂતપૂર્વ રાજદૂત એન. એન. ઝાનું કહેવું છે કે ભારતની પાસે પાણી રોકવાનો વિકલ્પ છે. જો તે આ માર્ગનો ઉપયોગ કરશે, તો પાકિસ્તાન દબાણમાં આવશે. ભારતે ગત કેટલાક સમયમાં જરૂર પૂર્વ અને પશ્ચિમી નદીઓના પાણીના સંપૂર્ણ ઉપયોગ પર કામ ઝડપી બનાવ્યું છે. પ્રવર્તમાન કેન્દ્ર સરકારે સિંધુ જળ સમજૂતીને ઊંડાણપૂર્વક સમજવા અને પોતાના હકનું પાણી વધારેમાં વધારે ઉપયોગમાં લેવા માટે એક ટાસ્ક ફોર્સ બનાવી હતી. 23 ડિસેમ્બર-2016ના રોજ પહેલી બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં બનાવવામાં આવેલા 8500 મેગાવોટના હાઈડ્રો પાવર પ્રોજેક્ટોના કામને ઝડપથી આગળ વધારવા પર મંજૂરીની મ્હોર વાગી છે.
ભારતના હિસ્સાની રાવી નદીના જળને પાકિસ્તાન જતું રોકવા માટે શાહપુર કાંડી પ્રોજેક્ટ બની રહ્યો છે. રાવીની સહાયક નદી ઉઝ પર બહુઉદેશ્યી પરિયોજના છ વર્ષમાં પૂર્ણ થશે. ત્રીજો પ્રોજેક્ટ રાવી-બિયાસ યોજનાનો છે. ભારત સરકાર માને છે કે આ ત્રણેય પ્રોજેક્ટ ભારતના હિસ્સાનું પાણી પાકિસ્તાન જતું રોકશે. ઝેલમ નદીમાં પાણી વધારવાનો વુલર-બેરાજ તુલબુલ પ્રોજેક્ટ 198માં પ્રસ્તાવિત હતો, તે પણ ઝડપ પકડી રહ્યો છે. ચિનાબ નદી પર બની રહેલો બગલિહાર હાઈડ્રોપાવર પ્રોજેક્ટ 1999માં શરૂ થવાનો હતો. પરંતુ પાકિસ્તાનના વિરોધને કારણે 2010માં તેનું નિર્માણ શરૂ થઈ શક્યું. ઝેલમ નદી પર કિશનગંગા પ્રોજેક્ટ પર કામ 2018માં શરૂ થઈ શક્યું છે.
જળ પ્રવાહનો ડેટા રોક્યો
ભારત 1989થી પાકિસ્તાનને દર વર્ષે ચિનાબ અને ઝેલમ નદીના હાઈડ્રોલોજિકલ ડેટાનો રિપોર્ટ ઉપલબ્ધ કરાવતું આવ્યું છે. પરંતુ પુલવામા એટેક બાદ આમ કરવાનું ભારતે બંધ કર્યું છે. ગત 22 એપ્રિલે ભારતે એલાન કર્યું હતું કે હવેથી તે પાકિસ્તાનને નદીઓના પાણી સંબંધિત આ ડેટા આપશે નહીં. આ ડેટા નદીઓમાં વર્ષા જળ અને પૂરના આકલન માટે જરૂરી છે.
સંધિ તોડવી ઠીક નથી
વિશેષજ્ઞોનું કહેવું છે કે આ એક આંતરરાષ્ટ્રીય સંધિ છે. તેવામાં ભારત તેને એકતરફી ખતમ કરી શકે નહીં. ભારત પાણી રોકે છે, તો પાકિસ્તાનને દરેક મંચ પર ભારત વિરુદ્ધ બોલવાનો એક મોકો મળશે. ચીનથી બ્રહ્મપુત્ર અને ઘણી નદીઓ ભારતમાં આવે છે. આગામી દિવસોમાં ચીન આને મુદ્દો બનાવીને મુશ્કેલી ઉભી કરી શકે છે. ભારતની છબી જવાબદાર અને કાયદાનું પાલન કરનારા દેશની છે, તેનાથી નુકસાન થશે.
પાંચમી ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને અસરહીન કરી દેવામાં આવી છે. તેના પછી લગભગ દરરોજ પાકિસ્તાન ભડકાઉ નિવેદનબાજી કરી રહ્યું છે. તે પરમાણુ યુદ્ધની ધમકી પણ આપી ચુક્યું છે. સવાલ ઉઠે છે કે આખરે ચાર જંગ હારી ચુકેલું પાકિસ્તાન કાશ્મીર મામલે પીછેહઠ કરવા કેમ માંગતું નથી. તેનું એક કારણ કાશ્મીરમાંથી વહીને પાકિસ્તાન પહોંચનારી સિંધુ નદી છે. સિંધુ નદી પર જ પાકિસ્તાનની સમગ્ર કૃષિ અને વીજળી ઉત્પાદન નિર્ભર છે. તેવામા પાકિસ્તાન હંમેશા ચાહે છે કે કોઈપણ રીતે કાશ્મીર પર કબજો રહે, જેથી તે સિંધુ નદીના પાણીનો સંપૂર્ણહક લઈ શકે. તેને ડર છે કે ક્યાંક ભારત પોતાની તરફથી વહીને પાકિસ્તાન જનારી નદીઓના પાણી રોકી દે નહીં. જો ભારત પાણી રોકી દેશે, તો પાકિસ્તાનમાં વીજળી અને જળ સંકટ પેદા થઈ જશે. ઘઉં, ચોખા, શેરડીની ખેતી પર નિર્ભર તેની વસ્તી ભૂખમરાની અણિ પર આવી જશે.
ભૂતપૂર્વ રાજદ્વારી જી. પાર્થસારથીએ કહ્યુ છે કે આ સાચું છે કે ભારત કાશ્મીરમાં જળસંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ કરી શકતું નથી. જમ્મુ-કાસ્મીરમાં ભારતને હાઈડ્રો-ઈલેક્ટ્રિક પાવરની જરૂરિયાત પૂર્ણ કરવા માટે પાણીની આવશ્યકતા છે. પરંતુ સિંધુ જળ સંધિને તોડવી એક વિવાદીત વિષય છે. ભારત પૂર્વીય નદીઓના પાણીનો બેરોકટોક ઉપયોગ કરી શકે છે. તો પશ્ચિમી નદીઓ પર પણ કેટલાક મર્યાદીત અધિકાર છે. મારા અભિપ્રાય પ્રમાણે સામાન્ય સ્થિતિઓમાં ઘણાં તંત્ર છે, તેના દ્વારા વિવાદને ઘટાડી અથવા નિપટાવી શકાય છે. પરંતુ અસાધારણ પરિસ્થિતિઓમાં આવી ગણી અન્ય રીતરસમો છે, જેનો ઉપયોગ કરવા પર પાકિસ્તાન મુશ્કેલીમાં આવી શકે છે. ભારતે પોતાના હિસ્સાનું વધુમાં વધુ પાણી ઉપયોગમાં લેવુ જોઈએ.
સિંધુ જળ સંધિ
વિભાજન સમયથી પાણીના મુદ્દા પર વિવાદ શરૂ થયો હતો. તેના પછી 1951માં ભારત અ પાકિસ્તાન વિશ્વ બેંકની મધ્યસ્થતામાં ઔપચારીક વાટાઘાટો માટે તૈયાર થયા હતા. તેના આઠ વર્ષ બાદ 19 સપ્ટેમ્બર-1960ના રોજ સિંધુ જળ સંધિ થઈ હતી.
નદીઓની વહેંચણી-
12 જાન્યુઆરી, 1961થી સંધિની શરતો લાગુ થઈ, છ નદીઓના પાણીની વહેંચણી થઈ.
3 પૂર્વીય નદીઓ- રાવી, સતલજ અને બિયાસના પાણી પર ભારતને પુરો હક આપવામાં આવ્યો.
બાકીની ત્રણ પશ્ચિમી નદીઓ- ઝેલમ, ચિનાબ અને સિંધુના બાધારહીત જળપ્રવાહ પાકિસ્તાનને મળવાનું ઠેરવવામાં આવ્યું.
પશ્ચિમી નદીઓના જળપ્રવાહનો 20 ટકા હિસ્સો ભારત પણ ઉપયોગમાં લઈ શકે છે.
36 લાખ એકર ફૂટ પાણી ભારતને સંચયિત કરવાનો અધિકાર છે.
સંધિની શરતો-
કોઈ સંધિમાં પરિવર્તન અથવા તેને રદ્દ કરી શકે નહીં.
પરિવર્તન અથવા નવી સમજૂતી માટે બંને દેશોની સંમતિ જરૂરી
સિંધુ બેસિનની મુલાકાત માટે દર વર્ષે પાકિસ્તાન ભારતને બોલવશે
અમલીકરણ માટે પંચ
સંધિ પર અમલ માટે જ સિંધુ પંચની રચના કરવામાં આવી. જેમાં બંને દેશના વોટર કમિશનર દર વર્ષે મળે છે અને વિવાદના નિપટારાનો પ્રયાસ કરે છે. સિંધુ પંચની બેઠક એક વર્ષ ભારતમાં અને એક વર્ષ પાકિસ્તાનમાં યોજાય છે.
ક્યારે તૂટી શકે છે સંધિ-
ભારત વિયના સમજૂતી હેઠળ એ આધાર પર સંધિમાંથી હટી શકે છે કે પાકિસ્તાન આતંકવાદી જૂથોનો ઉફયોગ તેની વિરુદ્ધ કરી રહ્યુ છે. આંતરરાષ્ટ્રીય અદાલતે કહ્યું છે કે મૂળભૂત સ્થિતિઓમાં પરિવર્તન થાય, તો સંધિ રદ્દ કરી શકાય છે.
પાકિસ્તાનની દલીલ –
બે તૃતિયાંશ હિસ્સામાં સિંધુ અને સહાયક નદીઓ વહે છે અને તેવામાં વધારે પાણી પર હક વ્યક્ત કરતા પાકિસ્તાન આરોપ લગાવે છે કે ભારત બંધ અને હાઈડ્રો પાવર પ્રોજેક્ટ દ્વારા પાણીનો પ્રવાહ રોકી રહ્યું છે. આ યુદ્ધ છેડવા સમાન છે અને સિંધુ જળ સંધિની જોગવાઈઓનું ઉલ્લંઘન છે.
ભારતનો તર્ક-
ભારતનો તર્ક છે કે તે પોતાના ક્ષેત્રવાળી નદીઓ પર હાઈડ્રોપાવર પ્રોજેક્ટો અને બંધનું નિર્માણ કરી રહ્યું છે. પરંતુ પાકિસ્તાન જાણીજોઈને અડંગાબાજી કરવામાં લાગેલું છે. વિશ્વ બેંકની તકનીકી તપાસમાં આ સાબિત થઈ ચુક્યું છે.
દ્વિપક્ષીય પહેલ જ શક્ય-
12 ડિસેમ્બર-2016ના રોજ વિશ્વ બેંક કોઈ નવી સંધિ સંબંધિત પહેલથી ખુદને અલગ કરી ચુકી છે. વિવાદ પર હવે ભારત-પાકિસ્તાનને દ્વિપક્ષીય પહેલ જ કરવી પડશે.