વર્લ્ડ ક્લાસ હાયર એજ્યુકેશન બને પ્રાથમિકતા: વૈશ્વિક રેન્કિંગમાં ભારતની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ વધુ પાછળ ફેંકાઈ
- અમેરિકન યુનિવર્સિટીઓનો દબદબો
- એશિયામાં ચીન પ્રથમ
- ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રથમ
ભારત સરકાર દ્વારા દેશની યુનિવર્સિટીઓને વૈશ્વિક સ્પર્ધા યોગ્ય બનાવવાની કોશિશો થઈ રહી છે. પરંતુ જો તેનો માપદંડ વૈશ્વિક રેન્કિંગ હોય, તો બ્રિટનના ટાઈમ્સ હાયર એજ્યુકેશન દ્વારા ઘોષિત 2020ની યુનિવર્સિટી રેન્કિંગ યાદીથી તેને ધક્કો લાગ્યો છે. ગત એક દશકથી માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે કે જેથી ભારતની ટોચની યુનિવર્સિટીઓને વૈશ્વિક સ્તરે શીર્ષસ્થ સ્થાન મળી શકે.
આઈઓઈ યોજના-
જો કે ગત વર્ષે ભારત સરકાર દ્વારા આના સંદર્ભે નક્કર કોશિશ શરૂ કરવામાં આવી હતી. ગત વર્ષે લાગુ કરવામાં આવેલી ઈન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સ નામની બહુચર્ચિત યોજનાનું મુખ્ય લક્ષ્ય ભારતીય શૈક્ષણિક સંસ્થાઓને વર્લ્ડ ક્લાસ બનાવવાનું છે. કોશિશ કરવામાં આવી હતી કે દેશની સારી યુનિવર્સિટીઓને વધારે સ્વાયત્તતા આપવામાં આવે અને કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને દશ વર્ષ માટે એક હજાર કરોડ રૂપિયાની નાણાંકીય મદદ આપવામાં આવે.
વૈશ્વિક રેન્કિંગ-
વૈશ્વિક સ્તરે ટોચની યુનિવર્સિટીનું રેન્કિંગ મુખ્યત્વે ત્રણ સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. જેમાં ટાઈમ્સ હાયર એજ્યુકેશન (ટીએચઈ), શાંઘાઈ જિયોટોંગ યુનિવર્સિટી (એસજેટીયૂ) અને ક્વિરૈલી સાયમંડ્સ (ક્યૂ એસ). આમા સૌથી વધુ લોકપ્રિય અને માન્યતા પ્રાપ્ત રેન્કિંગ સંસ્થા ટામ્સ હાયર એજ્યુકેશન છે. તે ગત 16 વર્ષથી તેને સંચાલિત કરે છે.
વૈશ્વિક રેન્કિંગમાં રકાસ-
ઘણાં અફસોસની વાત છે કે 2020ના રેન્કિંગમાં 2012 પછી પહેલીવાર ટોચની 200 યુનિવર્સિટીઓમાં કોઈ ભારતીય યુનિવર્સિટીનું નામ નથી. ટાઈમ્સ રેન્કિંગમાં આમ તો દુનિયાની ટોચની 1300 યુનિવર્સિટીઓમાં ભારતની 56 યુનિવર્સિટીના નામ સામેલ છે અને સંખ્યાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં પાંચમું અને એશિયામાં ત્રીજું સ્થાન છે.
ટાઈમ્સ રેન્કિંગમાં ભારત-
2020ના ટાઈમ્સ રેન્કિંગમાં ભારતની ખ્યાતિ પ્રાપ્ત સંસ્થા ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાઈન્સ 50 સ્થાન નીચે ગગડી છે. 1909માં જમશેદજી ટાટા અને મૈસૂર નરેશની કોશિશોથી સ્થાપિત આ સંસ્થા 2019માં 251-300ના જૂથમાં હતી, જે આ વખતે 301-350ના જૂથમાં પહોંચી છે.
આના સિવાય આઈઆઈટી-રોપડને 301-350 અને આઈઆઈટી-ઈન્દૌરને 351-400ના જૂથમાં રેન્કિંગ આપવામાં આવ્યું છે. જ્યારે જૂની અને પ્રતિષ્ઠિત આઈઆઈટીમાં આઈઆઈટી-મુંબઈ, આઈઆઈટી-ખડગપુર અને આઈઆઈટી-દિલ્હીને 401-500ના જૂથમાં સામેલ કરવામાં આવ્યા છે. જૂની આઈઆઈટીને નવી આઈઆઈટી આકરો પડકાર આપી રહી છે.
અમેરિકન યુનિવર્સિટીઓનો દબદબો-
ટાઈમ્સ રેન્કિંગમાં શરૂઆતથી જ અમેરિકાની યુનિવર્સિટીઓનો દબદબો રહ્યો છે. આ વખતે પણ ટોચની 10 યુનિવર્સિટીઓમાં સાત અને શીર્ષસ્થ 20 યુનિવર્સિટીઓમાં 14 અમેરિકન છે. ટોચની 200માં અમેરિકાની 60 યુનિવર્સિટીઓ સામેલ છે.
એશિયામાં ચીન પ્રથમ
એશિયામાં ચીન પ્રથમ સ્થાને છે. એશિયામાં ટોચની 200 યુનિવર્સિટીમાં ચીનની 24 યુનિવર્સિટીઓ સામેલ છે.
ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રથમ
ટાઈમ્સના રેન્કિંગમાં બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી સામાન્ય રીતે વિશ્વમાં પહેલા સ્થાન પર રહી છે. 2020માં પણ તેને પહેલો ક્રમાંક આપવામાં આવ્યો છે.
બૌદ્ધિક ક્ષેત્રમાં વધતી ખ્યાતિને ગ્રહણ-
દર વર્ષે ટાઈમ્સ અને અન્ય બે રેન્કિંગ જાહેર થવા પર આપણે નિરાશ થવું પડે છે. આ ઘટાડો આપણી રાષ્ટ્રીય અસ્મિતા અને બૌદ્ધિક ક્ષેત્રમાં વધતી ખ્યાતિને ગ્રહણ લગાડે છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પોતાના કાર્યકાળમાં ઘણીવાર આ મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતમાં ભણેલા અનેક ભારતી પ્રોફેસરો અમેરિકાની યુનિવર્સિટીઓમાં ટોચ પર છે, પરંતુ જે ભારતીય યુનિવર્સિટીઓમાંથી ભણીને તેમણે નામ કમાયું છે, તે રેન્કિંગમાં પાછળ રહી જાય છે. આ ખરેખર વિચારણા માગી લે તેવો મુદ્દો છે.
એનઆઈઆરએફ રેન્કિંગ
ભારતીય ઉચ્ચ શિક્ષણને ઠીક કરવાની ઘણી કોશિશો ગત વર્ષોમાં કરવામાં આવી છે. તેમા મુખ્ય કોશિશ હતી 2016માં શરૂ કરવામાં આવેલું એનઆઈઆરએફ રેન્કિંગ. આ રેન્કિંગ વૈશ્વિક સ્તર પર નથી. પરંતુ તેને શરૂ કરવામાં મુખ્ય લક્ષ્ય ભારતીય શૈક્ષણિક સંસ્થાઓને કુંભકર્ણની નિંદરમાંથી જગાડીને પ્રતિસ્પર્ધા માટે તૈયાર કરવાનુ છે.
રેન્કિંગમાં શા મટે સામેલ થવું?
વૈશ્વિક સ્તર પર ઝડપથી વધી રહેલા સ્ટૂડન્ટ્સના ઈમિગ્રેશનમાં રેન્કિંગ નિર્ણાયક ઘટક છે. દુનિયામાં જ્ઞાન આધારીત અર્થવ્યવસ્થાઓ ઝડપથી વિકસી રહી છે. રેન્કિંગ દ્વારા દુનિયાભરની પ્રતિભાઓને પોતાના આંગણે આકર્ષિત કરી સકાય છે. આજના યુગમાં મૂડી અને શ્રમ માટે કોઈ વિશ્વયુદ્ધ થઈ રહ્યું નથી. પરંતુ મહાશક્તિઓની સ્પર્ધા યોગ્યતા અથવા યોગ્ય પ્રતિભાઓને પોતાના આંગણે ખેંચી લાવવાની બાબતમાં છે. જેના કારણે રેન્કિંગનું મહત્વ ઘણું વધી ગયું છે.
ભારત રેન્કિંગમાં પાછળ કેમ?
શૈક્ષણિક સંશોધન, ઉદ્યોગોથી થનારી આવકને પણ વૈશ્વિક રેન્કિંગમાં ધ્યાન પર લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ટાઈમ્સ રેન્કિંગમાં 30 ટકા શૈક્ષણિક ગુણવત્તા, 60 ટકા સંશોધન અને ઉદ્ધરણ પર, ઉદ્યોગોથી આવકમાં 2.5 ટકા અને આંતરરાષ્ટ્રીયકરણ માટે 7.5 ટકા આપવામાં આવે છે.
2020ના ટાઈમ્સ રેન્કિંગના વિશ્લેષણ પ્રમાણે, ભારતના ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનો અભ્યાસ અને ઉદ્યોગો સાથે જોડાણમાં તો સારું પ્રદર્શન કરે છે. પરંતુ સંશોધનના ક્ષેત્રમાં મ્હાત ખાઈ જાય છે.
ભારતીય પ્રોફેસરોમાં રિસર્ચ પેપર્સ પ્રકાશિત કરવાનો ઉત્સાહ ઓછો છે. વળી તેમના રિસર્ચ પેપર્સને ઉદ્ધરણ અપેક્ષાકૃત ઘણાં ઓછા આપવામાં આવે છે. જો આના પર આપણે શિક્ષકોનો અભિપ્રાય જાણવાની કોશિશ કરીએ, તો તેઓ સંસાધનના અભાવ અને કાર્યના બોજને મુખ્ય કારણ ગણાવે છે. ઘણાં દશકાઓથી સંશોધન કાર્યોની ઉપેક્ષા અને સંસ્થાઓમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર વધતા દબાણને પણ જવાબદાર ઠેરવવામાં આવે છે.
ઉચ્ચ શિક્ષણને પ્રાથમિકતા આપવી જરૂરી-
જો કે દુખી અને નિરાશ થવાથી કામ ચાલવાનું નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાથે મળીને ઉચ્ચ શિક્ષણને પ્રાથમિકતા આપવી પડશે. ઉચ્ચ શિક્ષણ પર જીડીપીના એકથી 1.5 ટકા ખર્ચ કરવાથી કામ ચાલવાનું નથી. આગામી ત્રણ વર્ષોમાં આ ખર્ચને 2.5 ટકા કરવો પડશે. તાજેતરમાં કસ્તૂરીરંગન કમિટીએ નવી શિક્ષણ નીતિના પ્રસ્તાવિત મુસદ્દામાં સંશોધન અને અનુસંધાન પર 20 હજાર કરોડ રૂપિયાની વાર્ષિક રકમ ખર્ચવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જો કે આ પણ અપુરતું છે. સારા યુનિવર્સિટી શિક્ષકો અને સંશોધકોને પ્રતિષ્ઠાજનક સ્થાન આપવું પડશે અને જોવું પડશે કે તેઓ દેશમાં જ રહીને શિક્ષણ, સંશોધન અને અનુસંધાન પર કામ કરે. તેમનું ભારતમાંથી બહારના દેશોમાં સ્થાયી થવું રોકવા માટેની પણ કોશિશ કરવી પડશે.