- ચીન બોર્ડર પર ભારતીય સેનાની સ્ટ્રાઈક કોર્પ્સનો પહેલો યુદ્ધાભ્યાસ
- અરુણાચલ પ્રદેશમાં અવાર-નવાર ચીન કરતું હોય છે ઘૂસણખોરી
- અરુણાચલ પ્રદેશના 90 હજાર ચોરસ કિલોમીટર ક્ષેત્ર પર કરે છે દાવો
ભારતીય સેના અને ભારતીય વાયુસેના દ્વારા અરુણાચલ પ્રદેશ ખાતેની ચીન સરહદે એક્ટોબરમાં સંયુક્ત યુદ્ધાભ્યાસ યોજાવાનો છે.
આ સંયુક્ત કવાયત સંદર્ભે ટ્રુપ્સની મૂવમેન્ટ શરૂ થઈ ચુકી છે અને માઉન્ટેન વોરફેરના ઉચ્ચ તાલીમ ધરાવતા પાંચ હજાર સૈનિકો 50 જેટલા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરો સહીત આ યુદ્ધાભ્યાસમાં સામેલ થઈ રહ્યા છે.
આ સૈન્યાભ્યાસ દરમિયાન ભારતીય સેના અને વાયુસેના સૈનિકોને દૂરના ક્ષેત્રોમાંથી એરલિફ્ટ કરાશે અને તેમને પૂર્વીય સરહદે ચીની ક્ષેત્રો નજીક તેનાત કરાશે.
આ ટ્રુપ્સ 17 માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સ અને તેઝપુર ખાતે તેનાત 4 કોર્પ્સમાંથી હશે.
ચીન બોર્ડર પર દુશ્મન પર હુમલા માટે ભારતીય સેના પાસે 17 માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સ એકમાત્ર અસ્તિત્વમાં ધરાવતું સૈન્ય ફોર્મેશન છે. જ્યારે ભારતીય સેના પાકિસ્તાન ફ્રન્ટ પર આવી ત્રણ સ્ટ્રાઈક કોર્પ્સનું ફોર્મેશન ધરાવે છે.
17 સ્ટ્રાઈક કોર્પ્સની ટુર્પ્સને બાઘડોગરાથી એરલિફ્ટ કરીને અરુણાચલ પ્રદેશના વિસ્તારોમાં યુદ્ઘાભ્યાસ માટે તેનાત કરાશે. ઓક્ટોબરમાં યોજાનારો યુદ્ધાભ્યાસ સ્ટ્રાઈક કોર્પ્સ દ્વારા પૂર્વ ક્ષેત્રમાં પહેલો અને સૌથી મોટો સૈન્યાભ્યાસ હશે.
સેનાના એક સૂત્રે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યુ છે કે તેજપુર ખાતે 4 કોરને હાઈ અલ્ટીટ્યૂડ પર પોતાની સેનાની સુરક્ષા માટે તેનાત કરવામાં આવશે. જ્યારે 17મી માઉન્ટેન સ્ટ્રાઈક કોરના 2500 જવાનોને એરફોર્સ એરલિફ્ટ કરશે. સ્ટ્રાઈક કોરના જવાન યુદ્ધાબ્યાસમાં 4 કોરના જવાનો પર હવાઈ હુમલો કરશે.
યુદ્ધાભ્યાસમાં એરફોર્સ પોતાના હાઈટેક ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સી-17, સી-130 સુપર હરક્યુલિસ અને એએન-32નો ઉપયોગ કરશે. આ વિમાનો જવાનોને એરલિફ્ટ કરવાની કામગીરી કરશે. આ વિમાન પશ્ચિમ બંગાળના બાગડોગરાથી જવાનોને એરલિફ્ટ કરીને અરુણાચલપ્રદેશના વોર ઝોનમાં ઉતારશે.
આ યુદ્ધાભ્યાસને વધુ અસરકારક બનાવવા માટે સેના પ્રમુખ જનરલ બિપિન રાવતની દેખરેખમાં ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ્સ બનાવવામાં આવશે. આઈબીજી દુશ્મનના ઠેકાણાઓ પર ઘણી તીવ્રતાથી દૂર સુધી હુમલા કરશે.