- યુએનજીએમાં 27 સપ્ટેમ્બરે પીએમ મોદીનું સંબોધન
- પીએમ મોદી બાદ ઈમરાનખાન કરશે ભાષણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરે યુએન જનરલ એસેમ્બલીના વાર્ષિક ઉચ્ચસ્તરીય સંમેલનને સંબોધિત કરશે. આ સંમેલન દરમિયાન પીએમ મોદી યૂયોર્કમાં ઘણાં દેશો સાથે દ્વિપક્ષીય અને બહુપક્ષીય વાતચીત પણ કરશે. પીએમ મોદીના સંબોધન બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનનું પણ સંબોધન થશે.
યુએનજીએના 74મા સત્રની ચર્ચા માટે વક્તાઓની યાદી પ્રમાણે, પીએમ નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરે સવારે સત્રને સંબોધિત કરશે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પહેલું ભાષણ આપ્યું હતું. આ વખતે આ સંબોધન તેમના બીજા કાર્યકાળનું યુએન ખાતેનું પહેલું ભાષણ હશે.
પીએમ નરેન્દ્ર મોદીના સંબોધન બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનું સંબોધન થશે. વક્તાઓની યાદી જણાવે છે કે 112 રાજ્ય પ્રમુખ અને 30થી વધારે દેશોના વિદેશ પ્રધાનો જનરલ ડિબેટને સંબોધિત કરવા માટે ન્યૂયોર્ક પહોંચશે.
જનરલ ડિબેટની શરૂઆત 24 સપ્ટેમ્બરે યોજાશે, જે 30મી સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24 સપ્ટેમ્બરે મહાસભાને સંબોધિત કરશે. તેમણે 2017માં પહેલીવાર સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને સંબોધિત કરી હતી. મહાસભાના સંબોધનની શરૂઆત બ્રાઝીલથી થશે. તેના પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું સંબોધન થશે.
પોતાના એક સપ્તાહના અમેરિકા પ્રવાસ પર પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર અને ન્યૂયોર્કમાં ઘણી બેઠકો કરશે. તેમને બિલ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા સમ્માનિત કરવામાં આવશે. તેમને સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરવા માટે પુરષ્કારથી નવાજવામાં આવશે.
તેઓ 25 સપ્ટેમ્બરે બ્લૂમબર્ગ ગ્લોબલ બિઝનસ ફોરમમાં મુખ્ય વક્તા પણ હશે. સૂત્રો પ્રમાણે, મોદીના ભાષણ બાદ બ્લૂમબર્ગ એલપી અને બ્લૂમબર્ગના સંસ્થાપક માઈકલ બ્લૂમબર્ગ સાથે તેમનું એક સત્ર યોજાશે. પોતાની ન્યૂયોર્ક યાત્રા દરમિયાન મોદી ગાંધી પીસ ગાર્ડનનું પણ ઉદ્ઘાટન કરશે. તેના સિવાય પીએમ મોદીનું અહીં હાઉડી મોદી (‘Howdy Modi’) કાર્યક્રમ થશે. આ મેગા કાર્યક્રમ હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં યોજાશે. આ કાર્યક્રમનું આયોજન બિનસરકારી સંસ્થા ટેક્સાસ ઈન્ડિયા ફોરમે કર્યું છે.