નવી દિલ્હી: સંસદમાં પોતાના ભાષણથી દેશ આખાનું ધ્યાન ખેંચનારા જમયાંગ સેરિંગ નામગ્યાલ હવે તેમના એક નિવેદનને લઈને વિવાદમાં આવી ગયા છે. લડાખથી ભાજપના સાંસદ જમયાંગ સેરિંગ નામગ્યાલે કહ્યુ છે કે કોંગ્રેસના વખતે સંસદમાં પણ લડાખની ચર્ચા થતી ન હતી, હવે તેની ચર્ચા યુએનમાં થઈ રહી છે. ભારતનું હંમેશાથી એ વલણ રહ્યું છે કે જમ્મુ-કાશ્મીર ભારતનો આંતરીક મામલો છે.
સેરિંગે કહ્યુ છે કે હું ખુશ છું કે મોદીના નેતૃત્વમાં જે નિર્ણય થયો તેના કારણે લડાખની ચર્ચા યુએનમાં થઈ રહી છે. આના પહેલા જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી, તો લડાખની ચર્ચા સંસદમાં પણ થતી ન હતી. તેમણે ન્યૂક્લિયર પોલિસી પર સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના નિવેદનને મામલે કહ્યુ કે ભારત સરકાર જે પણ નિર્ણય લેશે લડાખની જનતા તેની સાથે છે.
પાંચમી ઓગસ્ટે મોદી સરકારે બંધારણના અનુચ્છેદ-370ના મોટા ભાગના ખંડને સમાપ્ત કરી દીધા હતા. જે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રદાન કરતા હતા. તેની સાથે જ જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લડાખમાં વહેંચી દેવામાં આવ્યા હતા. ભારત સરકારના આ નિર્ણય પર પાકિસ્તાન રોદણાં રડી રહ્યું છે. મુદ્દાના આંતરરાષ્ટ્રીયકરણની પુરજોર કોશિશમાં છે. પરંતુ તેને સતત આંચકો લાગી રહ્યો છે.
યુએનએસસીમાં શુક્રવારે બંધબારણે ચર્ચા કોઈપણ નિષ્કર્ષ વગર અથવા 15 દેશોના સંયુક્ત રાષ્ટ્રના એકમ તરફથી કોઈપણ પ્રકારના નિવેદન વગર સમાપ્ત થઈ હતી. તેનાથી પાકિસ્તાન સાથે જ તેના સહયોગી ચીનનો મુદ્દાના આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો પ્રયાસ ઉંધા માથે પછડાયો હતો. ભારે બહુમતી તેના પક્ષમાં હતી કે આ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો એક દ્વિપક્ષીય મામલો છે.
ચર્ચા સંદર્બે જાણકારી ધરાવનારા સૂત્રોનું કહેવું છે કે ચીન ચર્ચાના નિષ્કર્ષ પર જોર આપી રહ્યું હતું. તે ચાહતું હતું કે ચર્ચા બાદ ઓગસ્ટ માસના સુરક્ષા પરિષદના અધ્યક્ષ પોલેન્ડ તરફથી એક પ્રેસ નિવેદન જાહેર કરવામાં આવે. હાલ 15 સદસ્યીય દેશોમાંથી બહુમતીએ કહ્યુ છે કે ચર્ચા બાદ કોઈ નિવેદન અથવા પરિણામ જાહેર કરવું જોઈએ નહીં અને આમ જ થયું. તેના પછી ચીન સામે આવ્યું અને પોતાનું નિવેદન પોતાની રાષ્ટ્રીય ક્ષમતાના આધારે જાહેર કર્યું. તેના પછી પાકિસ્તાને પણ નિવેદન જાહેર કર્યું હતું.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકના સમાપન બાદ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી દૂત સૈયદ અકબરુદ્દીને કહ્યુ કે ભારતનું આ વલણ પહેલા પણ હતું અને હાલ પણ એ છે કે બંધારણના અનુચ્છેદ-370 સાથે જોડાયેલો મામલો સંપૂર્ણપણે ભારતનો આંતરીક મામલો છે અને તેના કોઈ બહારી નિહિતાર્થ નથી.