બિહારના બાહુબલી અને અપક્ષ ધારાસભ્ય અનંત સિંહના ઘર પર પાડવામાં આવેલા પોલીસના દરોડામાં એક એકે-47 જપ્ત કરવામાં આવી છે. પોલીસે મોકામાના અપક્ષ ધારાસભ્ય અનંત સિંહના પૈતૃક ગામ લદમામાં પટના ગ્રામીણ એસપીના નેતૃત્વમાં શુક્રવારે સવારથી દરાડોની કાર્યવાહી શરૂ કરી હતી. જાણકારી પ્રમાણે પોલીસને ધારાસભ્યના ઘરમાંથી બે બોમ્બ પણ મળી આવ્યા છે. અનંત સિંહ પર ડઝનબંધ હત્યા અને હત્યાની કોશિશના કેસ પણ ચાલી રહ્યા છે.
બાહુબલી ધારાસભ્ય અનંત સિંહ પોલીસના રડાર પર ફરી એકવાર ત્યારે આવી ગયા હતા કે જ્યારે તાજેતરમાં એક ઓડિયો ક્લિપ વારલ થઈ હતી. આ ઓડિયો ક્લિપમાં તે પોતાના સહયોગી સાથે મળીને પોતાના વિરોધીની હત્યાની કથિતપણે સાજિશ રચતા સંભળાઈ રહ્યા હતા. આ ઘટનાક્રમમાં પોલીસે ગત સપ્તાહે અનંત સિંહનો પટનામાં વોઈસ સેમ્પલ ટેસ્ટ પણ કરાવ્યો છે.
સૂત્રો પ્રમાણે, આ મામલાને લઈને પોલીસ તાજેતરમાં અનંત સિંહના ઘણાં ઠેકાણાઓ પર પગેરું દબાવ્યું હતું અને આજે નક્કર જાણકારી મળ્યા બાદ પોલીસે સવારે ત્રણ વાગ્યે અનંત સિંહના ગામમાં દરોડાની કાર્યવાહી શર કરી અને એકે-47 જપ્ત કરી હતી.
પટનામાં અનંત સિંહે ઉતાવળમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને મુંગેરથી જેડીયુના સાંસદ લલન સિંહ પર તેમને ફસાવવાનો આરોપ લગાવ્યો હતો. અનંત સિંહે કહ્યુ છે કે કોર્ટ તેમની મિલ્કતને ટાંચમાં લેવાના આદેશ આપ્યા નથી. તેમ છતાં પોલીસે દરોડા દરમિયાન તેમના ઘર પર તોડફોડ કરી છે.
બાહુબલી ધારાસભ્યે આરોપ લગાવ્યો છે, કારણ કે તેમના પત્ની નીલમ સિંહે 2019ની લોકસભાની ચૂંટણીમાં મુંગેરથી લલન સિંહની વિરુદ્ધ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી. તેના કારણે લલન સિંહ તેમને પરેશાન કરી રહ્યા છે. અનંત સિંહે મુખ્યપ્રધાન નીતિશ કુમારને વિનંતી કરી છે અને તેમને ન્યાય અપાવવાની અપીલ કરી છે.
રસપ્રદ વાત એ છે કે એક જમાનામાં અનંતકુમાર સિંહ મુખ્યપ્રધાન નીતિશ કુમારની બેહદ નજીક હતા. 2005માં તેઓ પહેલીવાર જેડીયુની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા અને 2010માં પણ તે જેડીયુની ટિકિટ પર ધારાસભ્ય બન્યા. 2015માં અનંત સિંહને હત્યાના મામલામાં જેલમાં જવું પડયું હતું. બાદમાં તેમણે જેલમાંથી જ મોકામાથી અપક્ષ ચૂંટણી લડી અને ધારાસભ્ય બન્યા હતા.