સંસદમાં સોમવારે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ગરમાયેલો રહ્યો હતો. કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ની ઘણી જોગવાઈઓને હટાવવાના મોદી સરકારના ઐતિહાસિક નિર્ણય પર ગૃહમાં ખૂબ હંગામો થયો હતો. તે વખતે રાજ્યસભામાં ભાજપના મનોનીત સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ હતુ કે વિપક્ષના નેતાને કાયદાની યોગ્ય જાણકારી નથી અને દેશમાં આજે ઐતિહાસિક દિવસ છે.
તેમણે કહ્યુ કે કાશ્મીર દેશનો હિસ્સો છે અને તેમા અલગ કાયદો લાગુ થઈ શકે નહીં. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છે કે અનુચ્છેદ-370 હવે સમાપ્ત થયું છે અને કાશ્મીર પર કોઈ મધ્યસ્થતા થશે નહીં. તેમણે ભારતના હિસ્સા આઝાદ કાશ્મીરને પણ પાછો આપવો પડશે. સ્વામીએ કહ્યુ છે કે વડાપ્રધાને સંસદના પ્રસ્તાવ હેઠળ પીઓકેની જમીન પણ પાછી લેવી જોઈએ.
તેમણે કહ્યુ છે કે અનુચ્છેદ-370 પ્રમાણે, રાષ્ટ્રપતિની પબ્લિક નોટિસથી તેને હટાવી શકાય છે અને તેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તેને સંસદની મંજૂરીની જરૂરત નથી. તેમણે કહ્યુ છે કે નહેરુ તરફથી યુએનએસસીમાં દાખલ અરજીને પણ પાછી લેવી જોઈએ. જ્યાં સુધી અનુચ્છેદ-370 લાગુ હતી, ત્યાં સુધી તેનો ખોટો ફાયદો ઉઠાવાય રહ્યો હતો.
રાજ્યસભામાં સાંસદ સ્વપનદાસ ગુપ્તાએ કહ્યુ છે કે આજે દેશ માટે ઐતિહાસિક દિવસ છે અને ખાસ કરીને કોલકત્તા માટે કારણ કે શ્યામાપ્રસાદ મુખર્જી પશ્ચિમ બંગાળમાંથી સાંસદ હતા. સ્વપન દાસ ગુપ્તાએ કહ્યુ હતુ કે આજે ગર્વનો દિવસ છે, કારણ કે હવે જમ્મુ-કાશ્મીરમાં દેશનો દરેક કાયદો લાગુ થશે અને તેમા આ ક્લોઝ નહીં હોય કે આ કાયદો જમ્મુ-કાશ્મીરમાં લાગુ નહીં થાય.
તેમણે કહ્યુ છે કે આપણે ટ્રિપલ તલાક બાદ દેશના તમામ નાગરીકોને બરાબરી આપવાની દિશામાં વધુ એક પગલું આગળ વધાર્યું છે. દેશના સાર્વભૌમત્વ માટે આ ઘણું મોટું પગલું છે અને તેના માટે વડાપ્રધાન તથા ગૃહ પ્રધાનનો આભારી છું. આ પગલું દેશને એકસાથે લાવવા માટે ઉઠાવવામાં આવ્યું છે.