પાકિસ્તાનના કરાચીમાં હિંદુ માહેશ્વરી સમુદાયના લોકોએ 16 વર્ષીય કિશોરીના અપહરણની વિરુદ્ધ દેખાવો કર્યા છે અને સિંધ સરકારને કિશોરીની શોધ માટે તાત્કાલિક પગલા ઉઠાવવા માટેની માગણી કરી છે. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત રિપોર્ટ પ્રમાણે, વિદ્યા નામની 16 વર્ષીય સગીરા 20મી તારીખથી ગાયબ છે.
માહેશ્વરી સમુદાયના લોકોએ રવિવારે કરાચી પ્રેસ ક્લબની બહાર પ્રદર્શન કર્યું હતું. તેમણે પોતાના હાથોમાં બેનર અને પ્લેકાર્ડ લઈને દાખોવ કર્યા હતા. તેમણે અપહરણ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો અને અપહરણકર્તાઓની ધરપકડની માગણી કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વિદ્યાના પરિવારજનોએ તેના ગુમ થવાના બીજા દિવસે મોરીપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરાવી હતી. ત્યારથી આજ સુધી આ મામલામાં કોઈ પ્રગતિ સધાઈ નથી.
પોલીસના વલણથી પરેસાન વિદ્યાના પરિવારજનો અને માહેશ્વરી સમુદાયના વડીલોએ દક્ષિણ ક્ષેત્ર ડીઆઈજી શરજીલ ઈનામ ખરાલ અને સિંધના લઘુમતી મામલાના પ્રધાન રામકિશોરી લાલની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. સમુદાયના સદસ્ય વેરાગ મલ્લ માહેશ્વરીએ મીડિયાને કહ્યુ હતુ કે વિદ્યાની સકુશળ વાપસી માટે કોઈએ ગંભીર કોશિશ કરી નથી.
તેમણે ક્હ્યુ છે કે તાજેતરમાં સિંધના મુખ્યપ્રધાન સૈયદ મુરાદ અલી શાહે સ્થિતિને ધ્યાન પર લીધી અને પોલીસને વિદ્યાની તાત્કાલિક શોધખોળના નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યુ છે કે આ મામલામાં સિંધ હાઈકોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી છે. વેરાગનો આરોપ છે કે પોલીસે વિદ્યાને શોધવાના સ્થાને તેના પરિવારને જ પરેશાન કર્યો. પોલીસે તેના માતાપિતાને પોલીસ સ્ટેશન બોલાવ્યા અને તેમને કલાકો સુધી બેસાડી રાખ્યા. તેમણે ક્હ્યુ છે કે અમારો માહેશ્વરી સમુદાય હાલ ખુદને સુરક્ષિત મહેસૂસ કરતો નથી.