નવી દિલ્હી: સંસદનું સત્ર સરકાર માટે આજે બેહદ મહત્વપૂર્ણ રહ્યું છે. લોકસભામાં ત્રણ તલાક બિલ પર ચર્ચા થઈ હતી. ચર્ચા બાદ થયેલા વોટિંગમાં ટ્રિપલ તલાક બિલની ચર્ચા બાદ વોટિંગ થયું હતું. વોટિંગમાં 303 વોટ બિલની તરફેણમાં અને 82 વોટ ખરડાની વિરુદ્ધમાં પડયા હતા.
જેડીયુ અને ટીએમસીએ વોટિંગ પહેલા વોકઆઉટ કર્યું હતું. મે માસમાં પોતાના બીજા કાર્યકાળમાં સત્તાના સૂત્રો હસ્તગત કર્યા બાદ સંસદીય સત્રના પહેલા દિવસે આ બિલનો મુસદ્દો રજૂ કર્યો હતો. ચર્ચા બાદ બિલને પારીત થવાની સંભાવના પહેલેથી હતી.
કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યુ છે કે ટ્રિપલ તલાકના મામલામાં સ્ટેકહોલ્ડર માત્ર પીડિત મુસ્લિમ મહિલાઓ છે. મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડ આ મામલામાં સ્ટેક હોલ્ડર નથી.
ટ્રિપલ તલાક બિલ પર રવિશંકર પ્રસાદે કહ્યુ છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશે પણ કહ્યું છે કે જે પણ તલાકની સમગ્ર પ્રક્રિયાનું પાલન નહીં કરે તેને જેલ થશે.
કોંગ્રેસ પર આકરા વાકપ્રહાર કરતા કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યુ હતુ કે 24 જુલાઈ સુધી ચુકાદા પછી ટ્રિપલ તલાકના 345 મામલા સામે આવ્યા છે. શું આપણે આ મહિલાઓને સડકો પર છોડી દેવી જોઈએ? હું નરેન્દ્ર મોદીની સરકારનો પ્રધાન છું, રાજીવ ગાંધીની સરકારનો નહીં.
કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે ટ્રિપલ તલાક બિલ પર જવાબ આપતા કહ્યુ છે કે દહેજ વિરુદ્ધ કાયદો તમે (કોંગ્રેસ) લાવી, 498-એ તમે લાવ્યા પછી શાહબાનો કેસમાં એવું શું થઈ ગયું કે ભારે બહુમતી હોવા છતાં પણ તમારા પગ ધ્રુજવા લાગ્યા. કોંગ્રેસ પર નિશાન સાધતા રવિશંકરે આગળ કહ્યુ છે કે શાહબાનોથી લઈને શાયરાબાનો સુધી આ ચાલી રહ્યું છે. વોટબેંકની રાજનીતિને કારણે આ થઈ રહ્યું છે. આજે ટ્રિપલ તલાક પર કોંગ્રેસના પગ ફરીથી ધ્રુજવા લાગ્યા છે.
સાત ઓગસ્ટ સુધી સંસદના બજેટ સત્રને લંબાવી દેવામાં આવ્યું છે. લંબિત ચાલી રહેલા ખરડા અને જરૂરી ધારાકીય કામકાજના નિપટારા માટે સંસદના હાલના સત્રને લંબાવવામાં આવ્યું છે.
ટીડીપીના સાંસદ જયદેવ ગલ્લાએ ટ્રિપલ તલાક બિલ પર ચર્ચા દરમિયાન કહ્યુ છે કે કોર્ટ તેને ખોટું ગાણવી ચુકી છે અને તમામ માટે સમાન કાયદો હોવો જોએ. તેની સાથે તેમણે સવાલ કર્યો છે કે પત્નીને છોડા પર શું ખ્રિસ્તી અથવા હિંદુ પતિને જેલ જવું પડશે? મુસ્લિમ પુરુષને પત્નીને છોડી દેવા પર જેલમાં મોકલવાની જોગવાઈ કેમ છે?
ભાજપના સાંસદ પૂનમ મહાજને કહ્યું હતું કે આપણા વડાપ્રધાન મહિલાઓને સશક્ત બનાવવા માટે આ બિલ લઈને આવ્યા છે. ધાર્મિક વિચારોમાં સમય સાથે પરિવર્તન થવું જોઈએ અને હિંદુ ધર્મમાં આવા ઘણાં પરિવર્તન કરવામાં આવ્યા છે. તેની સાથે જ તેમણે કહ્યુ છે કે નાની-નાની વાતો પર તલાક આપવાના ઘણાં મામલા સામે આવ્યા છે. દેશમાં આજે તલાકને મજાક બનાવી દેવામાં આવ્યા છે અને તેને રોકવું ઘણું જરૂરી થઈ ગયું છે.
ટ્રિપલ તલાક મામલે અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ છે કે ઈસ્લામમાં નવ પ્રકારના તલાક છે. તેમણે કહ્યુ છે કે આવો કાયદો બનાવો મહિલાઓ પર જુલ્મ કરવા જેવું છે. સરકાર મહિલાઓ પર જુલ્મ કેમ કરી રહી છે. ઓવૈસીએ કહ્યુ છે કે જો શૌહરને ત્રણ વર્ષ માટે જેલમાં મોકલવામાં આવે, તો ભરણ-પોષણ કોણ આપશે. તેમણે બિલનો પુરજોર વિરોધ કર્યો હતો.