આઈઆઈટી ખડગપુરના વિદ્યાર્થીઓએ વૃદ્ધોની દેખરેખ માટે એક ખાસ એપ બનાવ્યું છે. આ એપ કોઈપણ વૃદ્ધના પડી જવાની સ્થિતિમાં તેમની દેખરેખ કરનારાઓને તાત્કાલિક તેની જાણકારી આપશે. આઈઆઈટી ખડગપુર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે, એન્ડ્રોયડ આધારીત આ એપનું નામ છે. – કેયર4યૂ અને તે વૃદ્ધો તથા તેમની દેખરેખ રાખનારાઓને પરસ્પર સાંકળશે. આ એપને બીટેક દ્વિતિય વર્ષના સ્ટૂડન્ટ્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
વૃદ્ધોના ફોનમાં ઈન્સ્ટોલ્ડ આ એપ જાણકારી મેળવશે કે શું કોઈ વૃદ્ધ પડી ગયા છે અને તેવી સ્થિતિમાં તેમની દેખરેખ કરનારાઓ અને ઈમરજન્સી સેવાઓને આપોઆપ કોલ કરી દેશે. તેની સતે જ તે સ્થાનની ચોક્કસ જાણકારી આપશે કે જ્યાં વૃદ્ધ પડી ગયા હશે. એટલું જ નહીં આ એપ વૃદ્ધ વ્યક્તિની મનોદશાની પણ જાણકારી મેળવશે. જ્યારે કોઈ વૃદ્ધ આ એપ ચલાવશે, તો ફોન તેમની તસવીર ખેંચશે અને મૂડ ઈન્ડેક્સની ગણતરી કરશે.
આ એપ સાથે સંબંધિતોને ખબર પડશે કે વૃદ્ધનો આખા દિવસ કેવો મૂડ રહ્યો. પીટીઆઈએ આ એપને બનાવનારી ટીમમાં સામેલ આઈઆઈટી ખડગપુરના ડિપાર્ટમેન્ટ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈલેક્ટ્રિકલ કમ્યુનિકેશન એન્જિનિયરિંગના વિદ્યાર્થી કનિષ્ક હલદરને ટાંકીને કહ્યુ છે કે વ્યક્તિના હાલના મૂડ સંદર્ભે જાણકારી મેળવવા માટે તેને ખાસ કરીને બનાવવામાં આવ્યું છે.
તો આ એપને તૈયાર કરનારી ટીમના એક અન્ય વિદ્યાર્થી આદિ સ્વદિપ્તો મંડલે જાણકારી આપી છે કે અમારી એપની સૌથી ખાસ વાત છે, તે ચેટબૉટ (આપોઆપ માહિતી આપવી અથવા રિપ્લાય કરવો) સિવાય બાકીના જે ફંક્શન છે, તેના માટે ઈન્ટરનેટની જરૂરત નથી. કોઈ વૃદ્ધના પડવાની માહિતી અથવા મૂડ ડિટેક્શન જેવા કામ આ એપ ઈન્ટરનેટ વગર પણ કરશે.
આ સિવાય આ એપમાં વૃદ્ધની મેડિકલ હિસ્ટ્રી પણ રાખી શકાય છે. તેમા મેડિસિન રિમાઈન્ડર નામની એક ફીચર છે. જે વૃદ્ધ અને તેમની દેખરેખ રાખનારને યાદ અપાવશે કે તેમનો દવા ખાવાનો સમય થઈ ગયો છે.