જેલની બહાર આવી રાજીવ ગાંધીની હત્યાની દોષિત નલિની, પુત્રીના લગ્ન માટે મળ્યા છે પેરોલ
ચેન્નઈ: ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના મામલામાં દોષિત નલિની શ્રીહરન જેલમાંથી બહાર આવી છે. તેને મદ્રાસ હાઈકોર્ટે 30 દિવસના પેરોલ આપ્યા હતા. તેના પછી ગુરુવારે તે જેલની બહાર આવી છે. નલિનીએ તેની પુત્રીના લગ્નની તૈયારી માટે મદ્રાસ હાઈકોર્ટમાંથી 6 માસના પેરોલની માગણી કરી હતી.
રાજીવ ગાંધી હત્યાકાંડની દોષિત નલિની આજીવન કેદની સજા કાપી રહી છે અને લાંબા સમયથી જેલમાં છે. પુત્રીના લગ્ન માટે તેણે પેરોલ માગી હતી. કોર્ટે તેની પેરોલની માગણી પાંચમી જુલાઈએ સ્વીકારી હતી. જો કે તેને માત્ર ત્રીસ દિવસના પેરોલ મળ્યા છે. નલિનીની પુત્રી લંડનમાં રહે છે.
રાજીવ ગાંધી હત્યાકાંડના મામલામાં આજીવન કેદની સજા કાપી રહેલા સાત દોષિતોમાં પેરારીવલન, મુરુગન, નલિની, શાંતન, રવિચંદ્રન, જયકુમાર અને રોબર્ટ પાયસ સામેલ છે. આ લોકો પણ 21 મે-1991થી ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના સંદર્ભે જેલમાં છે.
ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના મામલામાં તમિલનાડુ સરકારે આજીવન કેદની સજા કાપી રહેલા સાત દોષિતોની મુક્તિ માટે મદ્રાસ હાઈકોર્ટને ભરોસો આપ્યો હતો. ડીએમકે અધ્યક્ષ એમ. કે. સ્ટાલિને કહ્યુ હતુ કે બંધારણની કલમ-161 પ્રમાણે સાતેયની મુક્તિનો આગ્રહ કરાઈ ચુક્યો છે.