હાઈકોર્ટના જજે બ્રાહ્મણોના કર્યા વખાણ, કહ્યુ- જાતિ કે ધર્મ નહીં પણ આર્થિક આધારે હોય અનામત
કેરળ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ વી. ચિતંબરેશે લોકોને અપીલ કરી છે કે તેઓ જાતિ અથવા ધર્મના આધારે નહીં, પરંતુ આર્થિક આધાર પર અનામત માટે આંદોલન કરે. જજે પોતાની વાત રજૂ કરતા બ્રાહ્મણોના ખૂબ વખાણ કર્યા છે. જસ્ટિસ ચિતંબરેશે કોચ્ચિમાં 19 જુલાઈએ આયોજીત તમિલ બ્રાહ્મણ ગ્લોબલ મીટિંગમાં સંબોધન દરમિયાન પોતાની આ વાતોને રજૂ કરી હતી.
જસ્ટિસ ચિતંબરેશ કેરળ બ્રાહ્મણ સભા દ્વારા આયોજીત કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ હતા. જજે કહ્યુ કે બ્રાહ્મણ કોણ છે? ભૂતપૂર્વ જન્મોના સુકર્મોને કારણે બ્રાહ્મણનો જન્મ ફરીવાર થાય છે. તેને કેટલીક ખાસ અને અલગ વિશેષતાઓ, સ્વચ્છ આદતો, મજબૂત વિચાર, શુદ્ધ ચરિત્ર મળે છે. તેઓ મોટાભાગે શાકાહારી જીવન વ્યતીત કરે છે અને તેને દક્ષિણ ભારતીય સંગીત પ્રત્યે પ્રેમ હોય છે. એક બ્રાહ્મણમાં આ તમામ સારા ગુણો મળે છે, આ ધ્યાન આપવાની વાત છે કે બ્રાહ્મણ ક્યારેય કોમવાદી હોતો નથી. તે લોકોને પ્રેમ કરે છે, વિચારશીલ અને અહિંસાવાદી હોય છે. તે છે જે કોઈપણ સારા કામ માટે દાન આપે છે.
તેમણે આગળ કહ્યુ કે જેવું કે કરીમપુઝા રમન (કેરળ બ્રાહ્મણ સભાના અધ્યક્ષ)એ કહ્યુ, તે તમારે વિચારવાનું છે કે શું અનામત માત્ર જાતિ અથવા સમુદાય પર આધારીત હોવું જોઈએ? એક બંધારણીય પદ પર આસિન હોવાને કારણે એ મારા માટે યોગ્ય નથી કે હું મારો અભિપ્રાય રજૂ કરું. હું અહીં કોઈ મારો અભિપ્રાય રજૂ કરી રહ્યો નથી. હું બસ તમારું ધ્યાન ખેંચી રહ્યો છું અથવા તમને યાદ અપાવી રહ્યો છું કે અવાજ ઉઠાવવા અથવા આંદોલન માટે તમારી પાસે એકમાત્ર મંચ આર્થિક અનામત છે, જાતિ અથવા સમુદાયના આધારે નહીં. હા જરૂર.. આર્થિકપણે પછાત વર્ગ માટે 10 ટકા અનામત છે.
મહત્વપૂર્ણ છે કે જસ્ટિસ ચિતંબરેશ 2011માં કેરળ હાઈકોર્ટમાં એડિશનલ જજ બન્યા. બાદમાં ડિસેમ્બર-2012માં તે સ્થાયી ન્યાયાધીશ બન્યા હતા. જજે કહ્યુ છે કે એક બ્રાહ્મણ રસોઈયાનો દીકરો જો નોન ક્રીમી લેયરમાં આવે છે, તો તેને રિઝર્વેશન મળશે નહીં. તો, અન્ય પછાત વર્ગ સાથે સંબંધ ધરાવતો લાકડાના કારોબારીનો પુત્ર જો ક્રીમી લેયરમાં આવે છે, તો તેને અનામત મળશે. હું મારો અભિપ્રાય બિલકુલ રાખી રહ્યો નથી. આ તમારા પર છે કે તમે વિચાર કરો અને તમારો અભિપ્રાય સામે મૂકો. જેવું કે રમને કહ્યુ, માત્ર રડતા બાળકને જ દૂધ મળે છે. તેમણે આગળ કહ્યુ છે કે આપણે ખુદને હાંસિયા પર ધકેલાવાની મંજૂરી આપવી જોઈએ નહીં. આપણે હંમેશા મુખ્યપ્રવાહમાં રહેવું જોઈએ.