આમ્રપાલીના 42000થી વધારે ખરીદદારોને સુપ્રીમ કોર્ટે આપી રાહત, NBCCને અધુરા પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા આદેશ
નવી દિલ્હી: આમ્રપાલી ગ્રુપ પાસેથી મકાન ખરીદનારા 42 હજારથી વધારે ગ્રાહકો માટે આજે સારા સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે આમ્રપાલીના રેરા રજિસ્ટ્રેશનને રદ્દ કર્યું છે અને તેની તપાસ ઈડીને સોંપવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે આજે પોતાના ઐતિહાસિક ચુકાદામાં સરકારી નિર્માણ કંપની એનબીસીસીને આમ્રપાલીના અધુરા પ્રોજેક્ટને પૂર્ણ કરવાની જવાબદારી સોંપી છે.
સુપ્રીમ કોર્ટે છેતરપિંડી અને મકાન ખરીદનારાઓના નાણાંની હેરાફેરી કરવા બદલ આમ્રપાલી ગ્રુપનું રેરા હેઠળનું રજિસ્ટ્રેશન રદ્દ કરવાનો ચુકાદો આપ્યો છે. તેના સિવાય સુપ્રીમ કોર્ટે નોઈડા અને ગ્રેટર નોડઈ ઓથોરિટી દ્વારા આમ્રપાલી પ્રોજેક્ટ્સને આપવામાં આવેલી તમામ લીઝને પણ રદ્દ કરી દીધી છે.
સોમવારે આપવામાં આવેલા પોતાના આખરી નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે એક કોર્ટ રિસીવરની પણ નિયુક્તિ કરી છે અને કહ્યું છે કે આમ્રપાલી પ્રોજેક્ટ્સના તમામ અધિકાર હવે તેમની પાસે હશે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં એમ પણ કહ્યું છે કે તમામ લટકેલા આમ્રપાલી પ્રોજેક્ટ્સનું કામ નેશનલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન પૂર્ણ કરશે.
સુપ્રીમ કોર્ટે ઈડીને નિર્દેશ આપ્યો છે કે તે આમ્રપાલી ગ્રુપના અધિકારીઓ અને નિદેશકો વિરુદ્ધ મની લોન્ડ્રિંગની તપાસ શરૂ કરે. આના પહેલા સુપ્રીમ કોર્ટે 10મી મેના રોજ આમ્રપાલી જૂથની સુનાવણી પૂર્ણ કરવાના પોતાના ચુકાદાને સુરક્ષિત રાખ્યો હતો. પહેલા થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આમ્રપાલી ગ્રુપ હવે પ્રોજેક્ટની બહાર હશે અને આ કામ કોને આપવામાં આવે, તેના સંદર્ભે કોર્ટ નિર્ણય કરશે.
આ પહેલા 10મી મેના રોજ ચુકાદો સુરક્ષિત રાખતા સુપ્રીમ કોર્ટે ગ્રેટર નોઈડા અને નોઈડા ઓથોરિટીને એ જણાવવાની તાકીદ કરી હતી કે તમે એ જણાવો 2009માં જમીનની ફાળવણી બાદ 10 ટકા ચુકવણી કરવામાં આવી, તેના પછી પણ બિલ્ડરે ફાળવણીની શરતોને પૂર્ણ કરી નહીં. તો તમે આને રદ્દ કેમ કર્યું નહીં? તેની સાથે જ અદાલતે એમ પણ કહ્યું હતું કે તમે જણાવો પ્રોજેક્ટને તમે કેવી રીતે પૂર્ણ કરશો?