તેલંગાણાના સીએમ કે. ચંદ્રશેખર રાવે સોમવારે એલાન કર્યું છે કે રાજ્ય સરકાર તરફથી ચિંતામડાકા ગામના બે હજાર પરિવારોમાંથી દરેક પરિવારને 10 લાખ રૂપિયા આપવામાં આવશે. ચિંતામડાકા ગામ કેસીઆરનું પૈતૃક ગામ છે.
મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવે કહ્યુ છે કે હું ચિંતામડાકા ગામમાં જન્મ્યો છું. હું આ ગામના લોકોનો આભારી છું. પ્રતિ પરિવાર 10 લાખ રૂપિયા આપવાની ઘોષણા કરું છું. આ નાણાંથી તેઓ જે ચાહે, તે ખરીદી લે. કેસીઆરે આ ઘોષણા આ ગામમાં આયોજીત એક કાર્યક્રમમાં કરી છે.
કેસીઆરે કહ્યું છે કે આ નાણાંથી ચિંતામડાકા ગામના લોકો ટ્રેક્ટર, ખેતર અને ખેતીના મશીન ખરીદી શકે છે. આ સ્કીમનો ફાયદો ચિંતામડાકા ગામના કુલ બે હજાર કુટુંબોને મળશે. મુખ્યપ્રધાનની આ ઘોષણાથી તેલંગાણાના સરકારી ખજાના પર બે હજાર કરોડનો બોજો પડશે. મુખ્યપ્રધાન કેસીઆરે કહ્યુ છે કે તેઓ નજીકના ભવિષ્યમાં જ આ રકમને મંજૂરી આપી રહ્યા છે.