શ્રીનગર: આતંકવાદી બુરહાન વાનીની વરસીને લઈને ભાગલાવાદીઓએ કાશ્મીરમાં બંધનું એલાન આપ્યું છે. તેને ધ્યાનમાં રાખીને કાશ્મીર ખીણમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઘટનાક્રમ વચ્ચે અમરનાથ યાત્રાને રોકવામાં આવી છે. એટલે કે જે અમરનાથ યાત્રીઓ જ્યાં છે, તેમને ત્યાં રોકી દેવામાં આવ્યા છે. હવે માનવામાં આવે છે કે મંગળવારે અમરનાથ યાત્રા ફરીથી શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
અમરનાથ યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય પોલીસ અને પ્રશાસને સોમવારે રાત્રે કર્યો હતો. એક જુલાઈથી શરૂ થયેલી આ યાત્રાને આજે પહેલીવાર સ્થગિત કરવામાં આવી છે. તેના કારણે યાત્રી નિવાસમાં ચાર હજારથી વધારે શ્રદ્ધાળુઓએ ડેરા-તંબુ નાખ્યા છે. ગત વર્ષે પણ બુરહાન વાનીની વરસી પર યાત્રાને સ્થગિત કરવામાં આવી હતી.
45 દિવસ સુધી ચાલનારી અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થઈ છે. તે 15 ઓગસ્ટ સુધી ચાલશે. યાત્રા શરૂ થયા બાદ અત્યાર સુધી લગભગ 90 હજાર લોકોએ પવિત્ર ગુફાના દર્શન કર્યા છે.