કર્ણાટકના રાજકીય નાટકમાં નવો વળાંક, સિદ્ધારમૈયા સીએમ બને તો ચાર ધારાસભ્યો રાજીનામા પાછા ખેંચશે
કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકારને લઈને ઉભરેલા સંકટમાં આવેલા નવા વળાંકથી સંકેત મળી રહ્યા છે કે આ મામલો ભાજપ કરતા વધારે ગઠબંધનની આંતરીક લડાઈ સાથે જોડાયેલો છે. શું આ કુમારસ્વામીને સીએમ પદેથી હટાવીને સિદ્ધારમૈયાને મુખ્યપ્રધાન બનાવવાનો કોઈ રાજકીય દાવ છે?
કર્ણાટકના રાજકીય નાટકમાં નવો વળાંક ત્યારે આવ્યો કે જ્યારે રાજીનામા આપી દેનારા 11માંથી 4 ધારાસભ્યોનું કહેવું છે કે જો સિદ્ધારમૈયા મુખ્યપ્રધાન બને છે, તો તેઓ પોતાના રાજીનામા પાછા લઈ લેશે. એચ. ડી. કુમારસ્વામી સરકાર પર આજે તે સમયે સંકટ પેદા થઈ ગયું, જ્યારે નારાજ ધારાસભ્યો રાજીનામા આપવા સ્પીકર પાસે પહોંચ્યા હતા. જો કે સ્પીકર હાજર ન હતા, તેથી ધારાસભ્યો પોતાના રાજીનામા વિધાનસભાના સચિવને સોંપીને ચાલ્યા ગયા હતા.
હવે નવા અપડેટ પ્રમાણે, ચાર ધારાસભ્યોનું કહેવું છે કે તેમણે પાર્ટી હાઈકમાન અને ગઠબંધનના નેતાઓની સાથે વાત કરીને જણાવ્યું છે કે જો કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાને મુખ્યપ્રધાન બનાવવામાં આવે છે, તો તેઓ પોતાના પદ પરથી આપવામાં આવેલા રાજીનામા પાછા ખેંચી શકે છે. કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના નેતા ડી. કે. શિવકુમાર ધારાસભ્યોને મનાવવાની કોશિશ કરી રહ્યા છે.
આના પહેલા વિધાનસભા સ્પીકર કે. આર. રમેશકુમારે 11 ધારાસભ્યોના રાજીનામાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યુ છે કે 11 ધારાસભ્યોએ મારા કાર્યાલયમાં રાજીનામા આપ્યા છે. હું મંગળવારે ઓફિસ જઈશ. કાયદા પ્રમાણે અમે ધારાસભ્યોને પાછા મોકલી શકીએ નહીં. અમે નિયમ કાયદા પ્રમાણે કામ કરી રહ્યા છીએ. રવિવારની રજા છે અને હું બેંગલુરુમાં નથી, મટે સોમવારે પણ કાર્યાલયમાં હાજર રહીશ નહીં. મંગળવારે કાર્યાલયમાં જઈશ, તો પછી આ મામલાને જોવામાં આવશે.
કોંગ્રેસના ધારાસભ્ય રામલિંગા રેડ્ડીએ ક્હ્યુ છે કે હું પાર્ટીમાં કોઈના પર દોષનો ટોપલો ઢોળવા જઈ રહ્યો નથી અને ન તો પાર્ટી હાઈકમાન સંદર્ભે કંઈ બોલી રહ્યો છું. પરંતુ કેટલાક મુદ્દાઓ પર લાગે છે કે મારી અવગણના થઈ રહી છે. માટે મે આ નિર્ણય કર્યો છે.