વારાણસી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાતે પહોંચ્યા છે. તે દરમિયાન તેમણે વારાણસી એરપોર્ટ પર ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું છે. આ પ્રતિમા એરપોર્ટ પર જ લગાવવામાં આવી છે.
વારાણસી પહોંચવા પર યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી આજે ભાજપના દેશવ્યાપી સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવી રહ્યા છે. તેઓ ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરશે. વારાણસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૃક્ષારોપણ અભિયાન આનંદ કાનનની પણ શરૂઆત કરાવશે.
પીએમ મોદી અહીં બડા લાલપુરમાં દીનદયાલ ઉપાધ્યાય વ્યાપાર સુવિધા કેન્દ્રમાં લગભગ પાચં હજાર પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે. અહીં તેઓ સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવશે અને કેટલાક પાર્ટી કાર્યકર્તાઓને સમ્માનિત પણ કરશે. ભારતીય જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીની જયંતીના પ્રસંગે વારાણસીમાં ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ કરાઈ રહ્યું છે.
લોકસભા ચૂંટણીમાં મળેલી પ્રચંડ જીત બાદ મોદી પોતાના સંસદીય મતવિસ્તારની બીજી વખત મુલાકાતે છે. આના પહેલા તેઓ લોકસભાની ચૂંટણીમાં જીત પ્રાપ્ત કર્યા બાદ તેમની સરકાર પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરવા બદલ લોકોનો ધન્યવાદ કરવા માટે 27મી મેના રોજ વારાણસીની મુલાકાતે ગયા હતા.
યુપીના રાજ્યપાલ રામ નાઈક અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડા અને કેન્દ્રીય પ્રધાન મહેન્દ્રનાથ પાંડેની સાથે વારાણસી એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીની યાત્રાને જોતા સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે.