જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનની મુદ્દત લંબાવવા સંબંધિત ગૃહ પ્રધાન અમિત શાહના પ્રસ્તાવને લોકસભાએ મંજૂરી આપી છે. જમ્મુ-કાશ્મીરમાં છ માસ માટે રાષ્ટ્રપતિ શાસન લંબાવવામાં આવ્યું છે. તેની સાથે જ જમ્મુ-કાશ્મીર અનામત સંશોધન બિલ પણ લોકસભામાં પારીત થઈ ગયું છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિશાસન છ માસ માટે લંબાવવા સાથે જોડાયેલા પ્રસ્તાવને લોકસભામાં રજૂ કરતા કહ્યુ હતુ કે જમ્મુ-કાશ્મીરમાં હાલ વિધાનસભા ચૂંટણી કરાવવાનો માહોલ નથી. માટે છ માસ માટે રાષ્ટ્રપતિ શાસનને લંબાવવામાં આવે. તો કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનને લંબાવવાના સરકારના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. 3 જુલાઈ-2019થી છ માસનો સમયગાળો શરૂ થઈ જશે.
લોકસભામાં અમિત શાહે કહ્યુ હતુ કે આપણે ચૂંટણીમાં લોહીની નદીઓ વહેતી જોઈ છે. પરંતુ કાશ્મીરમાં પંચાયત અને લોકસભા ચૂંટણી શાંતિના માહોલમાં યોજાઈ. તમને નિયંત્રણની સ્થિતિ પસંદ પડતી નથી, કારણ કે તમારો અને અમારો દ્રષ્ટિકોણ અલગ છે. જેમના મનમાં કાશ્મીરમાં આગ લગાવવાની મનસા છે, ભાગલાવાદની મનસા છે, તેમના મનમાં ભય છે. આ રહેવો જોઈએ અને વધશે પણ. અમિત શાહે કહ્યુ છે કે ચૂંટણી પંચ જ્યારે કહેશે અમે ચૂંટણી કરાવી લઈશું.
તો જમ્મુ-કાશ્મીર અનામત સંશોધન બિલને પણ ધ્વનિમતથી પારીત કરી દેવામાં આવ્યું છે. આના પર લાવવામાં આવેલા વિપક્ષના કોઈપણ સંશોધનને લોકસભામાં મંજૂરી મળી નથી.