નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સોમવારે કેબિનેટ બેઠક યોજાશે. આ બેઠકમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને વધુ અધિકાર આપવા માટે બે કાયદામાં સંશોધન કરવાનો નિર્ણય કરવામાં આવશે. એનઆઈએ કાયદામાં સંશોધન થયા બાદ આ તપાસ એજન્સી વિદેશમાં ભારતીયો અને ભારતીય હિતો વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓની તપાસ કરી શકશે.
કેબિનેટ બેઠક બાદ સંશોધિત કાયદાને આ સપ્તાહે સંસદમાં પણ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. સંશોધન એનઆઈએને સાઈબર અપરાધ અને માનવ તસ્કરીના મામલાની તપાસ કરવાની પણ મંજૂરી આપશે. તેની સાથે ગેરકાયદેસર ગતિવિધિઓ રોકથામ કાયદાની અનુસૂચિ ચારમાં સંશોધન દ્વારા એનઆઈએ એ વ્યક્તિને આતંકવાદી ઘોષિત કરી શકશે, જેના પર આતંકવાદ સાથે સંબંધ હોવાની શંકા હોય.
અત્યાર સુધી માત્ર સંગઠનોને આતંકવાદી સંગઠન તરીકે ઘોષિત કરવામાં આવે છે. 2017થી કેન્દ્રીય ગૃહ મંત્રાલય બે કાયદા પર વિચારણા કરી રહ્યું છે. જેથી એનઆઈએ વધુ શક્તિશાળી બની શકે. મુંબઈ હુમલા બાદ 2009માં એનઆઈએની રચના કરવામાં આવી હતી.
2008માં થયેલા 26-11ના મુંબઈ હુમલામાં 166 લોકોના મોત નીપજ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલે ઘણાં સમયથી બે કાયદા પર વિચારણા શરૂ કરી છે. જેથી નવા પડકારોનો સામનો કરવા માટે એનઆઈએને વધુ શક્તિ મળી શકે. તેમા સાઈબર અપરાધ અને કોઈ વ્યક્તિને આતંકવાદી ઘોષિત કરવાનો અધિકાર ખાસ છે, કારણ કે દિવસેને દિવસે ખતરામાં ઘણી ઝડપી વધારો થઈ રહ્યો છે.