નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન એસ. જયશંકરે પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન અને વિદેશ પ્રધાન એફ. એમ. કુરૈશીના અભિનંદન સંદેશનો જવાબ આપ્યો છે. પીએમ મોદીએ ઈમરાનને પોતે લખેલી ચિઠ્ઠીમાં આતંકના માહોલનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે બંને વચ્ચે એક અનુકૂળ વાતાવરણ બનાવવા પર પુનર્વિચારણા કરવી જોઈએ. આમ આતંકનો માર્ગ છોડયા બાદ જ શક્ય છે.

જો કે ઈમરાનને મોકલવામાં આવેલા પત્રમાં આતંકમુક્ત માહોલનો ઉલ્લેખ છે. પરંતુ બંને દેશો વચ્ચે વાતચીત ક્યારે શરૂ થશે, તેના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભારત પોતાના તમામ પાડોશી દેશો સાથે સારા સંબંધ ચાહે છે. ક્ષેત્રમાં વિકાસ માટે શાંતિ અને સ્થિરતા જરૂરી છે. ભારત માટે પ્રાથમિકતા હંમેશા જનતાનો વિકાસ રહી છે. પાકિસ્તાન સતત ભારત સાથે વાતચીતની પેશકશ કરી રહ્યું છે. પરંતુ ભારતનું સ્ટેન્ડ સ્પષ્ટ છે. ભારતનું કહેવું છે કે જ્યાં સુધી પાકિસ્તાન દ્વારા આતંકવાદ પર કાર્યવાહી કરવામાં નહીં આવે, ત્યાં સુધી વાતચીત થઈ શકશે નહીં.
તાજેતરમાં કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં 13-14 જૂને આયોજીત શંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં પીએમ મોદી અને ઈમરાનખાન વચ્ચે ઔપચારીક અભિવાદન થયું હતું. બંને નેતાઓએ એસસીઓ સમિટથી અલગ એકબીજાનું અભિવાદન કર્યું હતું. આ અભિવાદન સામાન્ય પ્રકૃતિનું હતું અને બંને નેતાઓ લીડર્સ લાઉન્જમાં હતા ત્યારે આમ થયું હતું. ફેબ્રુઆરીમાં પુલવામા એટેકમાં સીઆરપીએફના 44 જવાનોના શહીદ થવાની ઘટનાને કારણે બંને દેશોના સંબંધોમાં કડવાશ આવી હતી. તેના પછી પહેલીવાર બંને દેશના વડાપ્રધાનોએ એકબીજા સાથે ઔપચારીક અભિવાદન કર્યું હતું.
એસસીઓ સંમેલન અને તેના પહેલા પણ પાકિસ્તાન પીએમ ઘણીવાર ભારત સાથે તમામ મુદ્દાઓના ઉકેલ માટે વાતચીતની પેશકશ કરી ચુક્યા છે. તેમણે કહ્યુ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે પણ મુદ્દા છે, તેને વાતચીતથી જ ઉકેલી શકાય છે. રેડિયો પાકિસ્તાનને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે બંને દેશોએ સૈન્ય રાહે મુદ્દાઓને ઉકેલ બાબતે કોઈપણ સંજોગોમાં વિચારવું જોઈએ નહીં. તેમણે કહ્યુ છે કે બંને દેશોએ સાથે બેસીને કાશ્મીર મુદ્દાને ઉકેલવો જોઈએ.
