કોંગ્રેસ સંસદીય દળના નેતા બનવામાં રાહુલ ગાંધીએ કરી પીછેહઠ, અધિર રંજન ચૌધરીને મળી જવાબદારી!
નવી દિલ્હી: કોંગ્રેસને પોતાના નેતૃત્વમાં ઉપરાઉપરી મળેલી હારની અસર પાર્ટી અધ્યક્ષ પદ છોડવા મથતા રાહુલ ગાંધી પર ખૂબ ઘેરી પડી છે. તેની અસર છે કે કોંગ્રેસે અધિર રંજન ચૌધરીને લોકસભામાં પાર્ટીના સંસદીય દળના નવા નેતા તરીકે નિયુક્ત કર્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ લોકસભાના સેક્રેટરી જનરલને પત્ર લખીને અધિર રંજન ચૌધરીની કોંગ્રેસના સંસદીય દળના નેતા તરીકેની પસંદગીની જાણકારી આપી છે.
લોકસભામાં સૌથી મોટી વિપક્ષી પાર્ટી હોવાના નાતે અધિર રંજન ચૌધરી ઘણી સરકારી કમિટીઓ અને મહત્વપૂર્ણ પસંદગી સમિતિઓમાં પાર્ટીનું પ્રતિનિધિત્વ કરશે.
અધિર રંજન ચૌધરી પશ્ચિમ બંગાલના બેહરામપુરથી કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા છે. આ તેમની પાંચમી જીત છે. તેઓ 1999થી સતત લોકસભામાં જીતતા આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી અને મોદીની પ્રચંડ લહેર વખતે પણ તેમણે પોતાની બેઠક જાળવી રાખી છે.
મંગળવારે જ્યારે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ તો કોંગ્રેસના દિગ્ગજ નેતા અધિર રંજન ચૌધરી લોકસભામાં આગળની પંક્તિમાં બેઠેલા દેખાયા હતા. આ સ્થાન પર 16મી લોકસભામાં મલ્લિકાર્જૂન ખડગે કોંગ્રેસના નેતા તરીકે બેસતા હતા. મલ્લિકાર્જૂન ખડગેની લોકસભાની ચૂંટણીમાં આ વખતે હાર થઈ છે.
અધિર રંજન ચૌધરીની છબી એક ઝુઝારુ નેતાની રહી છે. રાજકારણમાં અત્યાર સુધી તેઓ મમતા બેનર્જીને પોતાના મુખ્ય રાજકીય પ્રતિસ્પર્ધી માને છે. મમતા બેનર્જીનો વિરોધ કરવાને કારણે લોકસભા ચૂંટણી પહેલા અધિર રંજન ચૌધરીને પશ્ચિમ બંગાળ કોંગ્રેસ પાર્ટી પ્રમુખના પદેથી હટાવવામાં આવ્યા હતા. અધિર રંજન ચૌધરી બે વખત ધારાસભ્ય રહી ચુક્યા છે અને તેઓ યુપીએ સરકારમાં પ્રધાન પણ રહી ચુક્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ અધિર રંજન ચૌધરી પર હવે કોંગ્રેસ કેડર અને નેતૃત્વમાં જોશ ફૂંકવાની જવાબદારી છે. તેના સિવાય સંસદમાં મોદી સરકારને નીતિઓ અને મુદ્દાઓ પર ઘેરીને પોતાનું રાજકીય કૌશલ પણ સાબિત કરવું પડશે. કેટલાક મહીનાઓમાં દેશના પાંચ રાજ્યો ઝારખંડ, મહારાષ્ટ્ર, હરિયાણા, જમ્મુ-કાશ્મીર અને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓ છે. કોંગ્રેસ સંસદીય દળના નેતા હોવાને નાતે તેમને આ રાજ્યોમાં પાર્ટી નેતૃત્વમાં જોશનો સંચાર કરવો પડશે.