આવા લોકો પાકિસ્તાન કેમ ગયા નહીં? : મુસ્લિમ સાંસદે વંદેમાતરમને ગણાવ્યું ઈસ્લામની વિરુદ્ધ, સ્પીકર સાથે બાખડયા ભાજપના સાંસદ
નવી દિલ્હી: સંસદીય સત્રના બીજા દિવસે લોકસભામાં એ વખતે મોટો હંગામો થયો હતો, કે જ્યારે સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુર્ર રહમાન બર્કે શપથ લીધા બાદ વંદે માતરમને ઈસ્લામ વિરુદ્ધ ગણાવીને આવા સૂત્રો નહીં લગાવવાની વાત કહી હતી. શફીકુર્રહમાન બર્કના આ નિવેદન બાદ સંસદમાં ભારે હંગામો થયો હતો અને શપથગ્રહણ સમારંભને થોડી વાર માટે રોકવો પડયો હતો. સત્રની શરૂઆતના પહેલા દિવસથી જ સત્તાધારી પક્ષના સાંસદ ગૃહની અંદર વંદેમાતરમ અને ભારતમાતા કી જયના સૂત્રો પોકારી રહ્યા છે.
લોકસભામાં યુપીથી ચૂંટાયેલા સાંસદોને શપથ અપાવાય રહ્યા હતા. આ કડીમાં લોકસભા મહાસચિવે સંભલથી ચૂંટાયેલા સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુર્રહમાન બર્કને શપથ અપાવડાવ્યા હતા. ઉર્દૂમાં શપથ લીધા બાદ બર્કે કહ્યુ હતુ કે ભારતનું બંધારણ જિંદાબાદ પરંતુ જ્યાં સુધી વંદેમાતરમનો સવાલ છે, આ ઈસ્લામની વિરુદ્ધ છે અને અમે તેનું પાલન કરી શકીએ નહીં. સાંસદે આ વાત કરતા જ ગૃહમાં જોરશોરથી શેમ-શેમના સૂત્રો ગુંજવા લાગ્યા હતા.
સમાજવાદી પાર્ટીના સાંસદનું નિવેદન આવ્યા બાદ ભાજપના સાંસદો દ્વારા વંદેમાતરમના સૂત્રો પોકારવાનું શરૂ થયું હતું. બાદમાં ચેર પર આસિન સ્પીકરે કહ્યુ હતુ કે માત્ર શપથ જ રેકોર્ડમાં જશે. બાકીનું કંઈપણ નોંધવામાં નહીં આવે. તેના પછી ચેર તરફથી સાંસદોને કહેવામાં આવ્યું કે તેઓ કોઈપણ પ્રકારની નારેબાજી કરે નહીં, માત્ર શપથને જ ગૃહની અંદર વાંચવામાં આવે.
તેના પછી જ્યારે અલીગઢથી ભાજપના સાંસદ સતીષ ગૌતમ શપથ લેવા આવ્યા, તો તેમણે જય શ્રીરામ, ભારતમાતા કી જય અને વંદે માતરમના સૂત્રો સાથે પોતાનું સંબોધન સમાપ્ત કર્યું હતું. તેના પર ચેર તરફથી કહેવામાં આવ્યું હતું કે કંઈપણ રેકોર્ડમાં નહીં જાય. આટલું જ કહેતા ભાજપના સાંસદ સ્પીકર પર ભડકી ઉઠયા હતા, તેમણે કહ્યુ હતુ કે કેમ રેકોર્ડમાં નહીં જાય. ગૌતમે કહ્યુ હતુ કે પહેલા જે બોલવામાં આવ્યું છે તેને પહેલા રોકવું જોઈતું હતું.