બિહારમાં ‘ચમકી’ તાવથી 100થી વધુના મોત, કેન્દ્ર-રાજ્યના આરોગ્ય પ્રધાનો સામે કેસ, પ્રેસ કોન્ફરન્સમાં ચૌબેને આવ્યું ઝોકું- પાંડેએ પુછ્યો મેચનો સ્કોર!
બિહારમાં હાલના દિવસોમાં ચમકી તાવ (Acute Encephalitis Syndrome)નો કેર જોવા મળી રહ્યો છે. લગભગ 100થી વધારે બાળકોના મોત ચમકી તાવના કારણે થઈ ચુક્યા છે. તો 16મી જૂને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધનને ચમકી તાવ મામલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જો કે આ પ્રેસ કોન્ફરન્સમાં બિહારના આરોગ્ય પ્રધાન મંગલ પાંડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો સ્કોર પુછતા દેખાઈ રહ્યા હતા.
કેન્દ્રીય આરોગ્ય રાજ્ય પ્રધાન અશ્વિની ચૌબે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઝોકું ખાતા દેખાતા વિવાદમાં સપડયા હતા. બાદમાં અશ્વિની ચૌબેએ પોતે ચિંતન-મનન કરતા હોવાનો લૂલો બચાવ કર્યો હતો. તો બિહારના આરોગ્ય પ્રધાન મંગલ પાંડે સોશયલ મીડિયામાં સામે આવેલા વીડિયોમાં ચમકી તાવ મામલે 16મી જૂને હર્ષવર્ધનની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચનો સ્કોર પુછતા દેખાયા હતા.
વીડિયોમાં જોઈ શકાય છે કે મંગલ પાંડે પત્રકારોને મેચનો સ્કોર પુછા અને વિકેટ સંદર્ભે સવાલ કરતા દેખાઈ રહ્યા છે. તો જવાબમાં ચાર વિકેટ પડી જવાની વાત પણ સંભળાઈ રહી છે. તો રવિવારે મુઝફ્ફરપુરમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધનની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અશ્વિની ચૌબેનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓ ઉંઘતા દેખાયા હતા.
મહત્વપૂર્ણ છે કે બિહારમાં ચમકી તાવને કારણે મરનારા બાળકોની સંખ્યા વધીને 100થી વધારે થઈ ચુકી છે. મુઝફ્ફરપુર સીજેએમ કોર્ટમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધન અને બિહારના આરોગ્ય પ્રધાન મંગલ પાંડે વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સામાજીક કાર્યકર્તા તમન્ના હાશમીએ દાખલ કરેલા કેસની 24મી જૂને સુનાવણી થશે.
બિહારમાં એક્યૂટ ઈન્સેફલાઈટિસ સિન્ડ્રોમ એટલે કે ચમકી તાવનો પ્રકોપ વધી રહ્યો છે. આ તાવથી મરનારાઓની સંખ્યા 100થી વધુ થઈ છે. મુઝફ્ફરપુરની શ્રીકૃષ્ણ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તથા કેજરીવાલ હોસ્પિટલમાં 375 બાળકો એડમિટ છે. ચમકી તાવથી પીડિત બાળકોના સૌથી વધુ મોત મુઝફ્ફરપુરની એસકેએમસીએચ હોસ્પિટલમાં થયા છે. તે ચમકી તાવની આંચ હવે મોતિહારી સુધી પહોંચી ચુકી છે અને અહીં એક બાળકી તાવથી પીડિત છે.