હિમાચલ પ્રદેશમાં હવામાને મિજાજ બદલ્યો છે. રોહતાંગ સહીત લાહૌલ-સ્પીતિના ઊંચા પહાડો પર ભારે બરફવર્ષા થઈ હોવાના અહેવાલ છે. ખરાબ હવામાનને જોતા સ્થાનિક વહીવટી તંત્રે પર્યટકોને સંવેદનશીલ વિસ્તારો તરફ નહીં જવાની સલાહ આપી છે. બરફવર્ષાને કારણે આવા સ્થાનો પર દુર્ઘટના થવાની આશંકા રહે છે. તેવામાં વહીવટી તંત્રના સ્તરે ખાસ સાવધાની દાખવવામાં આવી રહી છે.
રોહતાંગની સાથે કુંજુમ પાસ, બારાલાચા વગેરે શિખરોમાં બેથી ત્રણ સેન્ટિમીટર હિમવર્ષા થઈ છે. તો કુલ્લૂ અને લાહૌલમાં પણ વરસાદ થવાથી લોકોએ ગરમીમાં રાહતનો શ્વાસ લીધો છે. કાંગડાના પણ ઘણાં વિસ્તારોમાં વરસાદ થયો છે.
એક તરફ જ્યાં હિમાચલ પ્રદેશના મુખ્ય વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે. બીજી તરફ દિલ્હી-એનસીઆરમાં પારો ચઢયો છે. ગત કેટલાક દિવસોથી 48 ડિગ્રીની આસપાસ સુધી પારાના રહેવાના કારણે ભારે ગરમી થઈ રહી છે. જો કે હવામાન વિભાગે બુધવારથી ગુરુવાર વચ્ચે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વરસાદ બાદ તાપમાન ઘટવાની આશા છે.
ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે રાજસ્થાનમાં વાવાઝોડાં અને અરબી સમુદ્રના ભેજને કારણે ફૂંકાનારા પવનને કારણે હળવા વરસાદની શક્યતા છે. તેના કારણે તપામાનમાં ઘટાડાની આશા છે. મહત્વપૂર્ણ છે કે ગત કેટલાક દિવસોથી દિલ્હી અને એનસીઆરમાં પારો લગભગ 48 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે.