આમ આદમીને હવે દાળની ખરીદીમાં મોંઘવારી સતાવા લાગી છે. દેશની રાજધાની દિલ્હીના રિટેલ માર્કેટમા તુવેર દાળની કિંમત 100થી 120 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ સુધી પહોંચી ગઈ છે. કમોડિટી એક્સપર્ટ્સ જણાવે છે કે તુવેર દાળની કિંમતો ઉત્પાદનમાં ઘટાડાને કારણે વધી છે. તો આ વર્ષે એક્સપોર્ટમાં પણ વધારો થયો છે. માટે કિંમતોમાં તેજી છે. જો કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકાર પાસે દાળની કોઈ તંગી નથી. કિંમતો કેમ વધી રહી છે, તેની તપાસ કરવામાં આવશે. સરકારે આફ્રિકન દેશ મોઝામ્બિકમાંથી 1.75 લાખ ટન તુવેરની દાળની આયાતને અનુમતિ આપી દીધી છે. મીડિયા અહેવાલ મુજબ, બે લાખ ટન તુવેર દાળ આત કરવા માટે નજીકના ભવિષ્યમાં લાયસન્સ જાહેર કરવામાં આવશે.
કન્ઝ્યૂમર અફેર્સ સચિવ અવિનાશ શ્રીવાસ્તવે સીએનબીસી આવાજના સંવાદદાતા અસીમ મનચંદાને જણાવ્યું છે કે દેશમાં તુવેરની દાળ પુરતા પ્રમાણમાં છે. હાલના સમયમાં લગભગ 14 લાખ ટનનો બફર સ્ટોક છે. તેમ છતાં કિંમતો કેમ વધી રહી છે, તેની તપાસ ઝડપથી કરવી જોઈએ.
એક્સપર્ટ્સનું કહેવું છે કે માગણી વધવાથી ડોમેસ્ટિક અને ગ્લોબલ માર્કેટમાં તુવેરની દાળની કિંમતો વધી છે. તેની સાથે જ દુનિયાના મોટા તુવેર દાળનું ઉત્પાદન કરતા દેશોમાં પણ ઉત્પાદન ઘટયા બાદ કિંમતોમાં વધારો થયો છે. ભારત-મ્યાંમારમાંથી તુવેર દાળની ખરીદી કરે છે. આ પહેલા 2015માં પહેલીવાર તુવેરદાળનો ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચ્યો હતો. ભારત સિવાય મ્યાંમાર અને કેટલાક આફ્રિકન દેશોમાં જ તુવેર દાળનું ઉત્પાદન થાય છે.
કૃષિ મંત્રાલયના આંકડા જણાવે છે કે ગત વર્ષ દેશમાં તુવેર દાળનું 40 લાખ ટનથી વધારે ઉત્પાદન થયું હતું. જ્યારે આ વર્ષે તુવેર દાળનું ઉત્પાદન લગભગ 35 લાખ ટન થયું છે.
ગત ખરીફ સિઝનમાં તુવેર દાળની વાવણી ઓછી થઈ હતી. તેના સિવાય સરકારે દાળની આત પર ઘણાં પ્રકારના પ્રતિબંધો પણ લગાવી રાખ્યા છે. આ વર્ષે મોનસૂન નબળું રહેવાની સંભાવનાથી ભાવ વધ્યા છે. ઓલ ઈન્ડિયા દાળ મિલર્સ ઓસોસિએશનના પ્રિસેડન્ટ સુરેશ અગ્રવાલે કહ્યુ છે કે બે માસમાં ઈમ્પોર્ટેડ દાળ ભારતમાં આ જશે. જો આયાતમાં વિલંબ થશે, તો દાળની કિંમતો વધુ ઉપર જશે.