ઈફ્તાર પાર્ટીને લઈને ગિરિરાજસિંહના એક નિવેદન બાદ બિહારમાં રાજકારણનો પારો ગરમાયો છે. દાવત-એ-ઈફ્તારને લઈને ગિરિરાજસિંહના નિવેદન પર તેમની જ પાર્ટીના સહયોગીએ માત્ર વાંધો જ વ્યક્ત કર્યો નથી, પણ આને ગઠબંધન માટે પણ ઘાતક ગણાવ્યું છે.
જેડીયુના પ્રવક્તા સંજય સિંહે ગિરિરાજસિંહના નિવેદન પર પલટવાર કરતા સંજય સિંહને કહ્યુ છે કે ગિરિરાજસિંહ જેવા લોકો પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચુક્યા છે.
સંજય સિંહે પીએમ મોદીના નિવેદનને ટાંકતા કહ્યુ છે કે આ વખતે જ્યારે લોકસભા ચૂંટણીમાં એનડીએને આટલી મોટી બહુમતી મળી, તો પીએમએ પણ કહ્યુ હતુ કે દરેક નેતાએ નિવેદનોથી બચવું જોઈએ. પરંતુ ભાજપના જ કેટલાક નેતા પીએમના નિયંત્રણમાં નથી. સંજય સિંહે કહ્યુ છે કે માનસિકપણે વિક્ષિપ્ત વ્યક્તિ જ આવી ભાષા બોલી શકે છે.
સંજય સિંહે કહ્યુ છે કે હિંદુ હોવાનો અર્થ હિંસા નથી, પરંતુ તમામ જાતિ-ધર્મને સાથે લઈને ચાલવાનું હોય છે. અમે પણ પૂજા કરીએ છીએ. અમે ટોપી અને તિલક બંને લગાવીએ છીએ. પરંતુ દેખાડા માટે કરતા નથી. જ્યારે કેટલાક લોકો બસ ઢોંગ કરે છે. તેમણે કહ્યુ છે કે મંદિર બનાવીશું, પરંતુ તારીખ નહીં જણાવીએનું સૂત્ર પોકારીને લોકોને કેટલા દિવસ ઠગશો.
સંજય સિંહે ગિરિરાજસિંહ પર કાર્યવાહીની માગણી કરતા કહ્યુ છે કે આવું નિવેદન ગઠબંધન માટે ઠીક નથી. આ નિવેદન ગઠબંધન પર આંચ લાવવાનું કામ કરી રહ્યું છે. હું ફરીથી કહું છું કે આ જે ઈફ્તાર પાર્ટીઓ થાય છે, તેને પોલિટિકલ ચશ્માથી જોવું જોઈએ નહીં.
મંગળવારે ગિરિરાજસિંહે ટ્વિટર અને ફેસબુક પર ઈફ્તારની તસવીર પોસ્ટ કરતા લખ્યું છે કે કેટલી ખૂબસૂરત તસવીર હોત જ્યારે આટલી જ ચાહતથી નવરાત્રિ પર ફળાહારનું આયોજન કરવામાં આવત અને સુંદર સુંદર તસવીરો આવત? આપણા કર્મ ધર્મમાં આપણે પાછળ કેમ જઈએ છીએ અને દેખાડામાં આગળ રહીએ છીએ?