કોંગ્રેસ સોશિયલ મીડિયા હેડ દિવ્યાનું ટ્વિટર અકાઉન્ટ ડીલીટ, છેલ્લી ટ્વિટમાં સીતારામનને આપી શુભેચ્છા
કોંગ્રેસના સોશિયલ મીડિયા પ્રમુખ દિવ્યા સ્પંદના (રામ્યા) ટ્વિટર અકાઉન્ટ ડીલીટ થઈ ગયું છે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે તેમણે પોતે જ પોતાનું ટ્વિટર અકાઉન્ટ બંધ કર્યું. દિવ્યાએ પોતાનું છેલ્લું ટ્વિટ એનડીએ-2 કેબિનેટના શપથગ્રહણ સમારોહ પછી કર્યું હતું, જેમાં તેમણે દેશના નવા નાણામંત્રી નિર્મલા સીતારામનને અભિનંદન આપ્યા હતા.
તેમણે લખ્યુંહતું, ‘તમારા પહેલા ફક્ત એક મહિલાએ જ આ જવાબદારી નિભાવી હતી, જેઓ હતા 1970માં ઇંદિરા ગાંધી. અમને મહિલાઓને તેનો ગર્વ છે. જીડીપી અત્યારે બરાબર નથી. મને વિશ્વાસ છે કે અર્થવ્યવસ્થાને ઠીક કરવામાં તમે શાનદાર કામ કરશો. તમને મારું સમર્થન. શુભકામનાઓ.’
કોંગ્રેસ અને દિવ્યા સ્પંદનાએ આ મુદ્દે હજુ સુધી કોઈ કોમેન્ટ કરી નથી. માનવામાં આવી રહ્યું છે કે આ કોંગ્રેસની નવી રણનીતિ હેઠળ પણ થયું હોઈ શકે છે. તાજેતરમાં જ કોંગ્રેસે પોતાના પ્રવક્તાઓને એક મહિના સુધી ટીવી ચેનલ્સની ડિબેટમાં હિસ્સો ન લેવા માટે કહ્યું છે. ન્યુઝ એજન્સી એએનઆઇના જણાવ્યા પ્રમાણે, જ્યારે સ્પંદનાને પૂછવામાં આવ્યું કે શું તેમણે કોંગ્રેસ છોડી દીધું છે, તો તેમનો જવાબ હતો કે તમારી જાણકારી ખોટી છે.
સોશિયલ મીડિયા દ્વારા કોંગ્રેસ પાર્ટીને લોકો સુધી પહોંચાડવામાં દિવ્યાની મહત્વની ભૂમિકા રહી છે. તાજેતરના ચૂંટણી પ્રચારણાં પણ તેઓ સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય રહ્યા. તેમણે સતત ભાજપ પર નિશાન સાધ્યું અને કોંગ્રેસના પક્ષમાં માહોલ બનાવવાનો પ્રયત્ન કર્યો. લોકસભા ચૂંટણીમાં તેમણે એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલર સાથે કરી દીધી હતી, ત્યારબાદ તેમના ટ્વિટ પર વિવાદ થઈ ગયો હતો.