ધાર્મિક સ્થાન પાસે માંસ ખાવાનો આરોપ લગાવીને યુપીમાં ચાર લોકોને માર મારવામાં આવ્યો છે. આ લોકોને બેલ્ટ, ચંપલ અને લાતઘુંસાથી માર મારવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો પણ સોશયલ મીડિયા પર વાઈરલ કરવામાં આવ્યો છે. જો કે વાઈરલ તસવીરો અને વીડિયોની અમે કોઈ પુષ્ટિ કરતા નથી.
આઈએએનએસ પ્રમાણે, આ મજૂર એક રાજમિસ્ત્રી દ્વારા કામ પર રખાયા બાદ બરેલી આવ્યા હતા. અજ્ઞાત યુવકોએ તેમની સાથે મારપીટ કરી છે. જેમને માર મારવામાં આવ્યો છે, તેમણે તેમના પરના આરોપોને ખોટા ગણાવ્યા છે. જ્યારે ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, કથિતપણે વીડિયોમાં મજૂર યુવકોને કહી રહ્યા છે કે તેઓ ભેંસનું માંસ ખાઈ રહ્યા હતા.
આ ઘટના દરમિયાન આરોપી સવાલ કરી રહ્યો હતો કે તેઓ ખુલ્લામાં માંસ કેમ ખાઈ રહ્યા છે. ન્યૂઝ એજન્સી પ્રમાણે પોલીસે કહ્યું છે કે ચાર મજૂરોમાંથી બે લઘુમતી સમુદાયના હતા અને આ હુમલા માટે ઉશ્કેરણીનું કારણ હોઈ શકે છે.
બહેરી પોલીસ સ્ટેશન હાઉસ ઓફિસર ધનંજયસિંહે કહ્યુ છે કે ચાર અજાણ્યા મજૂરોને એક નિવાસસ્થાન પર નિર્માણકાર્ય માટે કામ પર રાખવામાં આવ્યા હતા. બપોરના ભોજનના અવકાશ દરમિયાન, તેઓ નજીકના દેવસ્થાન (દેવતાઓની મૂર્તિઓ સાથે સામાન્ય રીતે ઘટાદાર વૃક્ષો નજીક એક નાનકડું મંદિર) વૃક્ષની નીચે બેસીને ભોજન કરવા માટે ચાલ્યા ગયા હતા.
પોલીસનું કહેવું છે કે અજ્ઞાત યુવક અચાનક ત્યાં પહોંચ્યો અને એક પવિત્ર સ્થાન પાસે માંસ ખાવાનો આરોપ લગાવતા તેમને માર મારવાનું શરૂ કર્યું હતું.
બરેલીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક મુનિરાજ જી.એ કહ્યુ છે કે પોલીસે વાલ્મીકિ, મનીષ અને ચાર અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. ફરાર ચાલી રહેલા આરોપીઓને પકડવા માટે બે ટીમોની રચના કરવામાં આવી છે.