દેવાસ: સામાન્ય રીતે દલિત યુવકના ઘોડા પર બેસીને વરઘોડો કાઢવાના મામલે ઘર્ષણની ઘટનાઓ મીડિયામાં ખૂબ ચમકે છે. પરંતુ કોંગ્રેસના શાસનવાળા મધ્યપ્રદેશમના દેવાસમાં એક દલિતના લગ્નના વરઘોડામાં મસ્જિદ પાસે પથ્થરમારાની ઘટનાને કારણે કોમવાદી તણાવની સ્થિતિ સર્જાઈ છે. આ પથ્થરમારામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે અને અન્ય ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ મામલો બે સંપ્રદાયો સાથે જોડાયેલો હોવાને કારણે કોમવાદી તણાવ ફેલાયો છે. હાલ પોલીસે સ્થિતિને નિયંત્રણમાં લઈ લીધી છે, પરંતુ સ્થિતિ તણાવપૂર્ણ બની ચુકી છે.
અહેવાલ છે કે મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના સોનકચ્છ તાલુકાના પિપલિયારાવાન વિસ્તારમાં દલિતોની એક જાન આવી હતી. રાત્રિના સમયે જાનનો વરઘોડો નીકળ્યો હતો. જ્યારે આ વરગોડો આ વિસ્તારમાં આવેલી એક મસ્જિદની બહાર પહોંચ્યો તો ત્યાં અન્ય સંપ્રદાયના લોકોએ તેના પર વાંધો વ્યક્ત કરીને સંગતીનો અવાજ ધીમો કરવા માટે જણાવ્યું હતું, પરંતુ વરઘોડો કાઢનારા દલિત પક્ષ દ્વારા તેની અવગણના કરવામાં આવી હતી.
જણાવવામાં આવે છે કે વરઘોડા પર અન્ય સંપ્રદાયના લોકોએ પથ્થરમારો કર્યો હતો. અચાનક થયેલા પથ્થરમારામાં વરોઘાડામાં સામેલ લોકોને બચવાનો મોકો પણ મળ્યો નહીં અને ઘણાં લોકો પથ્થર વાગવાને કારણે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. વરઘોડામાં સામેલ ધર્મેન્દ્ર નામના યુવકને માથામાં મોટા પથ્થર વાગવાને કારણે તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. તો ઘણાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.
સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે આ ઘટના જ્યાં થઈ, તેની નજીક જ પોલીસ સ્ટેશન છે. તેવામાં પથ્થરમારો થવા પર વરખોડાના કેટલાક લોકો મદદ માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. દલિત સમુદાયના લોકોનો આરોપ છે કે લોકોની ભીડે પોલીસ સ્ટેશનની અંદર પણ તેમની સાથે મારપીટ કરી હતી. બાદમાં ભીડને વિખેરવા માટે પોલીસે બળપ્રયોગ પણ કર્યો હતો.
લોકોના જણાવ્યા પ્રમાણે, ઘટનામાં માર્યા ગયેલા શખ્સ ધર્મેન્દ્ર શિંદે મામલો થાળે પાડવાની કોશિશ કરી રહ્યો હતો અને ભીડને શાંત કરવામાં લાગેલો હતો. ધર્મેન્દ્ર શિંદેના મોત સિવાય આ ઘટનામાં બે અન્ય લોકો ગંભીરપણે ઘાયલ થયા છે. તો કેટલાક લોકો મામૂલી ઈજા પણ પામ્યા છે. ગંભીરપણે ઈજાગ્રસ્ત લોકોનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. ત્યારે ઘટનાને જોતા ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં પોલીસફોર્સ તેનાત કરવામાં આવી છે. ઘમાં વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળ પર કેમ્પ કરી રહ્યા છે અને આ વિસ્તારમાં કલમ-144 લાગુ કરવામાં આવી છે. વહીવટી તંત્ર હાલ સ્થાનિક લોકો સાથે વાત કરીને સ્થિતિને શાંત કરવાની કોશિશ કરી રહ્યું છે.