UP: બારાબંકીમાં ઝેરી દારૂ પીવાથી એક જ પરિવારના 4 લોકો સહિત 12નાં મોત, 10થી વધુની હાલત નાજુક
ઉત્તરપ્રદેશના બારાબંકીના રાનીગંજ વિસ્તારમાં ઝેરીલો દારૂ પીવાથી 12 લોકોનાં મોત થઈ ગયાં. તેમાં 4 લોકો એક જ પરિવારના છે. ગામલોકોના જણાવ્યા પ્રમાણે, દારૂ પીધા પછી લોકોને દેખાવાનું બંધ થઈ ગયું હતું. ઇલાજ દરમિયાન મંગળવાર સવાર સુધીમાં 12 લોકોનાં મોત થઈ ગયાં છે. 10થી વધુ લોકોની હાલત હજુપણ નાજુક છે. આ જ વર્ષે ફેબ્રુઆરીમાં પણ સહારનપુર અને તેની આસપાસના વિસ્તારોમાં ઝેરીલા દારૂના કારણે 50 લોકોનાં મોત થયાં હતાં. ડીજીપી ઓપી સિંહે કાર્યવાહી કરીને રામનગરના ઇન્સ્પેક્ટર રાજેશકુમાર સિંહ અને સીઓ પવન ગૌતમને સસ્પેન્ડ કરી દીધા છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકો માટે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ડીએમ અને એસપીને સ્થળ પર પહોંચવા અને મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના આદેશ આપ્યા છે. યોગીએ કહ્યું કે દોષીઓ વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવે. આ મામલે પ્રિન્સિપાલ સેક્રેટરી એક્સાઇઝને તપાસના આદેશ આપ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, મૃતકોમાંથી 4 લોકો એક જ પરિવારના છે. આ પરિવારજનોએ રાનીગંજ દેશી દારૂની દુકાનમાંથી દારૂ લાવીને પીધો, જે પછી તેમની તબિયત બગડવા લાગી. ઉતાવળમાં તેમને સામુદાયિક સ્વાસ્થ્યકેન્દ્ર સૂરતગંજ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમના મોત થઈ ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે રમેશ (35), મુકેશ (28), સોનૂ (25) અને તેમના પિતા છોટેલાલ(50)ના મોત થયાં છે. ગામલોકોનો આરોપ છે કે દાનવીર સિંહની નકલી દારૂ બનાવવાની એક ગેરકાયદે ફેક્ટરી છે. આ નકલી દારૂ તેની સરકારી ઠેકાવાળી દુકાન પર વેચવામાં આવે છે.
મામલો સામે આવ્યા પછી એડમિનિસ્ટ્રેશને રાનીગંજ સ્થિત દારૂની દુકાનને સીલ કરી દીધી છે. જ્યારે પોલીસ વિક્રેતાની ધરપકડ કરવા માટે વ્યસ્ત છે. પોલીસનું કહેવું છે કે મૃતકોમાંથી એક બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે. મોતનું કારણ પીએમ રિપોર્ટ આવ્યા પછી જ સ્પષ્ટ થશે કે મોત ઝેરીલા દારૂને કારણે થયું કે પછી ભોજનમાં ઝેરને કારણે થયું.