લોકસભા ચૂંટણીના આખરી પરિણામ: ભાજપ 303, કોંગ્રેસ 52 બેઠકો પર જીતી, ડીએમકે 23 બેઠકો સાથે ત્રીજા સ્થાને
નવી દિલ્હી: 17મી લોકસભા માટે થયેલી ચૂંટણીમાં તમામ બેઠકોના પરિણામ આવી ચુક્યા છે. ભાજપ સૌથી મોટી પાર્ટી બનવાની સાથે એકલાહાથે બહુમતી માટે જરૂરી 272 બેઠકોના આંકડાને આસાનીથી પાર કરીને 303 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે ભાજપની આગેવાનીવાળા એનડીએને 352 બેઠકો પ્રાપ્ત થઈ છે. તો કોંગ્રેસને 52 બેઠકો અને તેની આગેવાનીવાળા યુપીએને 96 બેઠકો પ્રાપ્ત થઈ છે.
કોંગ્રેસની સહયોગી ડીએમકે ત્રીજા ક્રમાંકે છે. 2014માં એકપણ બેઠક નહીં જીતી શકનારી ડીએમકેએ તમિલનાડુમાં 23 બેઠકો પ્રાપ્ત કરી છે. બીજી તરફ યુપીમાં બીએસપીએ 10 બેઠકો જીતી છે. 2014માં માયાવતીની પાર્ટીને એકપણ બેઠક પ્રાપ્ત થઈ ન હતી.
ભાજપને 2014માં 282 બેઠકો પર જીત પ્રાપ્ત થઈ હતી. એનડીએ 336 બેઠક પર જીતવામાં સફળ રહ્યું હતું. ભાજપને ગત ચૂંટણીની સરખામણીએ 2019માં 21 બેઠકો વધુ મળી છે. 2014માં 9 બેઠકો જીતનારી વાઈએસઆર કોંગ્રેસને 2019માં 22 બેઠકો પ્રાપ્ત થઈ છે. ભાજપના સાથીપક્ષ જેડીયુએ બિહારમાં 17 બેઠકો જીતી છે. 2014માં જેડીયુએ એનડીએથી અલગ થઈને ચૂંટણી લડી હતી અને માત્ર બે બેઠકો જીતી હતી.
આ ચૂંટણીમાં એનડીએએ ભલે સારું પ્રદર્શન કર્યું હોય, પરંતુ તમિલનાડુમાં એઆઈએડીએમકેને ભારે નુકસાન થયું છે. એઆઈએડીએમકે આ વખતે માત્ર એક બેઠક જીતી શકી છે. 2014માં એઆઈએડીએમકેએ અલગ ચૂંટણી લડીને 37 બેઠકો પર જીત પ્રાપ્ત કરી હતી. આ સિવાય આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુની ટીડીપીએ પણ મોટું નુકસાન ઉઠાવ્યું છે. 2014માં ટીડીપીને 16 બેઠકો મળી હતી અને હવે તેને માત્ર ત્રણ બેઠકોથી સંતોષ માનવો પડયો છે.
પ. બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને પણ મોટું નુકસાન 2019ની લોકસભાની ચૂંટણીમાં થયું છે. 2014માં પ. બંગાળની 42 બેઠકોમાંથી 34 પર જીતનાર ટીએમસીને 2019માં 22 બેઠકોથી સંતોષ માનવો પડયો છે. બીજી તરફ ઓડિશામા બીજેડીની બેઠકોમાં પણ ઘટાડો થયો છે. 2014માં મોદી લહેર છતાં બીજેડીને 20 બેઠકો મળી હતી. પરંતુ 2019માં ઓડિશામાં બીજેડીને 12 બેટકો મળ છે.
જમ્મુ-કાશ્મીરમાં મહબૂબા મુફ્તિની પાર્ટી પીડીપીને એકપણ બેઠક મળી નથી. ગત ચૂંટણીમાં પીડીપીને 6માંથી ત્રણ બેઠકો જીતવામાં કામિયાબી મળી હતી.
બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન લાલુપ્રસાદ યાદવની પાર્ટી આરજેડી આ વખતે ખાતું ખોલાવી શકી નથી. 2014માં આરજેડીને 4 બેઠકો પર જીત મળી હતી. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી પોતાની પાંચ બેઠકો જાળવવામાં સફળ રહી છે. જો કે યાદવ પરિવારના બે સદસ્યો અખિલેશ યાદવ અને મુલાયમસિંહ યાદવ જીતવામાં સફળ રહ્યા છે. જ્યારે મુલાયમસિંહ યાદવના પરિવારના અન્ય ત્રણ સદસ્યો ચૂંટણી હાર્યા છે.