2019ની લોકસભા ચૂંટણીના પરિણામ : ભારતમાં હિંદુત્વ અને રાષ્ટ્રવાદને ગાળ આપનારાઓને જનતાનો જાકારો
2014માં નરેન્દ્ર મોદીની જીત રામજન્મભૂમિ આંદોલન બાદ બદલાઈ રહેલી ભારતના રાજકારણની દશા અને દિશાને વધુ ધારદાર બનાવનારી હતી.
2014માં ભારતમાં નરેન્દ્ર મોદીની ભાજપને 282 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી આપનારી એનડીએની સરકારના સત્તામાં આવવા માટે રાજકીય વર્તુળોમાં કેટલાકે યુપીએ સરકારના ભ્રષ્ટાચાર અને નિષ્ફળતાઓને કારણભૂત ગણાવીને મોદીને જીતનો શ્રેય નહીં લેવા દેવાની કોશિશ કરી હતી.
પરંતુ એક બ્રિટિશ અખબારે પોતાના તંત્રીલેખમાં જણાવ્યું હતું કે 1947માં અંગ્રેજો ભારતમાંથી ગયા અને 2014માં નરેન્દ્ર મોદીની જીતે રાજકારણને અંગ્રેજોની પરંપરાઓને આગળ વધારતી માનસિકતામાંથી મુક્ત કર્યું છે.
2019ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપની જીત 1989માં ભારતના રાષ્ટ્રીય રાજકારણની દિશામાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને સમ્માન અપાવવાની અને સ્યૂડો સેક્યુલર રાજનીતિ હેઠળ જાતિવાદ તથા મુસ્લિમ તુષ્ટિકરણના હથકંડાબાજ રાજનેતાઓ અને રાજકીય પક્ષોને ભારતની જનતા દ્વારા પઢાવવામાં આવેલો બોધપાઠ છે.
ભારતમાં ઉરી ખાતે સૈન્ય છાવણી પર આતંકી હુમલાના જવાબમાં સર્જિકલ સ્ટ્રાઈક અને પુલવામા એટેક બાદ બાલાકોટ એરસ્ટ્રાઈક પર વિપક્ષી દળોએ હલકી કક્ષાની રાજનીતિ ખેલવાની કોશિશ કરી હતી. આવી કોશિશમાં ભારતીયોની રાષ્ટ્રવાદની ભાવનાને ઠેસ પહોંચાડતા અને પાકિસ્તાન દ્વારા બોલવામાં આવતી બાબતો સાથે સૂરમાં સૂર પુરાવીને વિપક્ષોની દલીલો ખરેખર લોકોને વ્યથિત કરનારી હતી.
આ વ્યથામાં ભારતીય સેનાના શૌર્ય પર આડ કતરા પ્રશ્નો ઉઠાવતા કોંગ્રેસ, ટીએમસી, ડાબેરી કે અન્ય વિપક્ષી દળોના નેતાઓને 2019માં ભારતની જનતાએ લોકસભાની ચૂંટણીના ઈતિહાસમાં સૌથી વધુ વોટિંગ કરીને આપ્યો. ભારતમાં હિંદુઓને ગાળો આપવી કે તેમની ભાવનાઓને કચડવી કે અપમાન કરવું હવે ચાલવાનું નથી, તેવા સંકેતો પણ 2019ની લોકસભાની ચૂંટણીના પરિણામો આપી રહ્યા છે.
2014ની જેમ 2019માં પણ કોંગ્રેસ ઘણાં રાજ્યોમાં કફોડી સ્થિતિમાં છે. સેક્યુલારિઝમના નામે તુષ્ટિકરણની નીતિને વેચવાની કોશિશ અથવા તો ન્યાયના નામે 72 હજાર રૂપિયા મહીને આપવાની વાત કરીને ભારતીયોની લાગણીઓને ગાળ આપવાની પરવાનગી ભારતના લોકોએ આપી નથી.
ભારતની રાજનીતિની સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની લાગણીઓ તરફની દિશા ખરેખર દેશના પરિવર્તનના સંકેત છે. આ સંકેત છે કે જે લોકો દેશના મુખ્યપ્રવાહમાં મજહબી આધારે જોડાવા તૈયાર નથી અથવા તેમની મજહબી ઓળખને સાબૂત રાખીને વોટબેંકની રાજનીતિ ખેલનારા લોકોને પણ હવે થોભી જવું પડશે.
સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને ભોપાલથી કોંગ્રેસના દિગ્વિજયસિંહ સામે ચૂંટણી મેદાનમાં ઉતારવા પણ હિદુ આતંકવાદ કે ભગવા આતંકવાદની થિયરી આપનારા કોંગ્રેસના નેતાઓને વોટબેંકની રાજનીતિના કારણે ભારતના લોકોની ભાવનાઓ સાથે નહીં ખેલવાનો સંકેત પણ હતો.
કન્હૈયા કુમારને બેગૂસરાયના લોકોનો ચુકાદો પણ ટુકડે ટુકડે ગેંગ અને તેના આકાઓને મોટો રાજકીય સંદેશો છે. ભારતના ટુકડા કરવાની ભાવના અને તેવી વાત કરનારાઓને ભારતીયો ક્યારેય સ્વીકારશે નહીં?
પીએમ નરેન્દ્ર મોદી ભારતના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ કે હિંદુત્વની ભાવનાના એક પ્રસ્થાપિત આઈકોન છે. તેમને વિકાસપુરુષ તરીકે પણ જોવાય છે અને રાષ્ટ્રવાદના આઈકોન તરીકે પણ ભારતના લોકો જોઈ રહ્યા છે. નરેન્દ્ર મોદીને અપશબ્દો કહેવા કે તેમના ઉપર ચોકીદાર ચોર હૈ જેવા સૂત્રો કે પાયાવિહોણા આરોપોની કિંમત પણ આમ કરનારાઓને ચુકવવી પડશે.