શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી કામિયાબી મળી છે. કાશ્મીર ખીણના કુલગામમાં એન્કાઉન્ટર દરમિયાન બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. બુધવારે સવારે ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ મળ્યા બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તે વખતે આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું હતું. તેના પછી અથડામણ શરૂ થઈ હતી.
પોલીસ સૂત્રોનું કહેવું છે કે આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષાદળોએ કુલગામ જિલ્લાના ગોપાલપોરા ગામમાં ઘેરાબંધી કરીને તલાશી અભિયાન શરૂ કર્યું હતું. પોલીસના એક સૂત્રનું કહેવું છે કે છૂપાયેલા આતંકવાદીઓની ચારે બાજૂ ઘેરાબંધી કડક થયા બાદ સુરક્ષાદળો પર ફાયરિંગ કરવાનું તે લોકો દ્વારા શરૂ કરાયું હતું. બાદમાં અથડામણ શરૂ થઈ હતી અને તેમા આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
સૂત્રોનું કહેવું છે કે માર્યા ગયેલા આતંકીઓ કાશ્મીર ખીણમાં સક્રિય હિઝબુલ મુજાહિદ્દીન સંગઠન સાથે સંબંધ ધરાવે છે. આતંકવાદીઓની ચોક્કસ ઓળખ કરવાની કોશિશ થઈ રહી છે.
પોલીસ સૂત્રનું કહેવું છે કે વિસ્તારમાં અભિયાન હજી ચાલુ છે. આગમચેતીના પગલા હેઠળ પ્રશાસને કુલગામ જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે.