લોકસભા ચૂંટણીમાં પેઇડ ન્યુઝમાં ઘટાડો, સોશિયલ મીડિયાના દુરૂપયોગના 900 મામલા સામે આવ્યા
લોકસભા ચૂંટણીમાં સોશિયલ મીડિયાના દુરૂપયોગને રોકવા માટે પહેલીવાર શરૂ કરવામાં આવેલા ચૂંટણીપંચના દેખરેખ તંત્રને છેલ્લા સાત તબક્કાના મતદાન દરમિયાન ફેસબુક, ટ્વિટર અને યુટ્યૂબ સહિત અન્ય સોશિયલ મીડિયા માધ્યમોના દુરૂપયોગની લગભગ 900 ફરિયાદો મળી. જ્યારે 647 પેઇડ ન્યુઝના મામલાઓ જોવા મળ્યા.
સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન રવિવારે ખતમ થયા પછી ચૂંટણીપંચ દ્વારા જાહેર થયેલા આંકડાઓ પ્રમાણે ચૂંટણીના નિયમોનું ઉલ્લંઘન કરતી સૌથી વધુ, 650 પોસ્ટ્સ ફેસબુક પરથી હટાવવામાં આવી. પંચને મળેલી ફરિયાદોના આધારે ફેસબુક ઇન્ડિયાએ 482 રાજકીય પ્રકારની એવી પોસ્ટ્સ હટાવી જેને મતદાનના 48 કલાક પહેલાના પ્રચાર નિષેધ સમય દરમિયાન પોસ્ટ કરવામાં આવી હતી. આ ઉપરાંત પંચના નિર્દેશ પર ફેસબુક પરથી 73 રાજકીય જાહેરાતો અને મતદાતાઓને ભ્રમિત કરતી 43 પોસ્ટ્સને પણ હટાવવામાં આવી. તેમાં 11 એક્ઝિટ પોલ સાથે સંકળાયેલી પોસ્ટ્સ પણ સામેલ છે.
ચૂંટણીપંચમાં સોશિયલ મીડિયા દેખરેખ તંત્રના પ્રભારી ધીરેન્દ્ર ઓઝાએ જણાવ્યું કે ચૂંટણી નિયમોનું ઉલ્લંઘન કરનારી 220 પોસ્ટ્સ ટ્વિટર પરથી, 31 પોસ્ટ શેર ચેટથી, પાંચ ગૂગલ પરથી અને ત્રણ વ્હોટ્સએપ પરથી હટાવવામાં આવી.
તેમણે જણાવ્યું કે પેઇડ ન્યુઝના મામલાઓમાં આ ચૂંટણીમાં ઘણો ઘટાડો નોંધવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે છેલ્લા સાત તબક્કાઓ દરમિયાન પેઇડ ન્યુઝની કુલ 703 ફરિયાદો મળી તેમાંથી 647 ફરિયાદો સાચી છે. પાછલી ચૂંટણી (2014)માં પેઇડ ન્યુઝના મામલાઓની સંખ્યા 1297 હતી.