કેરળમાં બુરખા પર પ્રતિબંધ લગાવાયા બાદ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષને જાનથી મારી નાખવાની મળી ધમકી
તિરુવનંતપુરમ: કેરળમાં મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ ડૉ. પી. એ. ફઝલ ગફૂરને એક અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ગફૂરે એક દિવસ પહેલા જ પોતાના શૈક્ષણિક સંસ્થાનોમાં વિદ્યાર્થિનીઓના બુરખો પહેરવા પર રોક લગાવી હતી.
ગફૂરે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યુ છે કે આરોપીએ શુક્રવારે ઈન્ટરનેશનલ નંબર પરથી ફોન કરીને ગાળો આપીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના 1964માં થઈ હતી. આજે તેમની 35 કોલેજ અને 72 સ્કૂલો ચાલી રહી છે. અધ્યક્ષ ગફૂરે બીજી મેના રોજ એક નોટિસ જાહેર કરી હતી. તેના અંતર્ગત તમામ કોલેજ અને સ્કૂલોમાં બુરખા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ નોટિસ તમામ સંબંધિત સંસ્થાના પ્રમુખો અને અધિકારીઓને જાહેર કરવામાં આવી હતી.
અધ્યક્ષ ગફૂરે શૈક્ષણિક વર્ષ 2019-20થી આ આદેશને અમલી કરવાના નિર્દેશ આપ્યા હતા. તેમા વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને કર્મચારીઓ માટે આ આદેશનું પાલન કરવું ફરજિયાત હતું. તેમણે કહ્યુ હતુ કે ઈસ્લામાનું અનુસરણ કરવું ખોટું નથી. પરંતુ મધ્યકાળની ઈસ્લામિક પદ્ધતિઓનું અનુસરણ યોગ્ય નથી.
આ આદેશનો મામલો એવા સમયે સામે આવ્યો હતો, જ્યારે શિવસેનાએ પણ પોતાના મુખપત્ર સામનામાં દેશની સુરક્ષા માટે બુરખા પર પ્રતિબંધ લગાવવાની માગણી કરી હતી. તેમાં શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે થયેલા વિસ્ફોટોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાની મુલાકાતે હતા. તે દિવસે શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં શ્રીલંકામાં બુરખો પ્રતિબંધિત થઈ ગયો હોવાનો મામલો ઉઠાવીને તેને ભારતમાં પણ લાગુ કરવાનું જણાવ્યું હતું.