યેતિ એટલે કે હિમમાનવ ફક્ત હિમાલયના ભારતીય ભાગ જ નહીં પરંતુ નેપાળ, ભૂટાન અને તિબેટના વિસ્તારોમાં સંભળાવવામાં આવતી કથા-વાર્તાઓનો પણ હિસ્સો છે. જોકે, તેને એક મિથ (કપોળકલ્પિત વાત) તરીકે જ લેવામાં આવે છે. પરંતુ, ભારતીય સેનાએ તેના પગલાંના નિશાનને જોયા હોવાના દાવા પછીથી યેતિ ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે. જોકે, કથા-વાર્તામાં આવતી વાતને સાચી માનીએ તો ખરેખર જ હિમાલયમાં યેતિ હોય છે અને ઇતિહાસમાં તેના ઘણા પુરાવાઓ પણ મળે છે.
તાજેતરમાં ભારતીય સેનાએ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં બરફની ચાદરમાં મોટા-મોટા પગલાંના નિશાન જોવા મળે છે. આ નિશાનોને હિમમાનવ ‘યેતિ’ માનવામાં આવી રહ્યા છે.
સેના તરફથી જાહેર કરવામાં આવેલી ટ્વિટમાં કહેવામાં આવ્યું છે, ‘પહેલીવાર ભારતીય સેનાની પર્વતારોહણ ટીમે 9 એપ્રિલ, 2019ના રોજ મકાલુ બેઝ કેમ્પની નજીક 32×15 ઇંચના હિમમાનલ ‘યેતિ’ના રહસ્યમય પગલાંના નિશાન જોયાં છે. આ માયાવી હિમમાનવ આ પહેલા ફક્ત મકાલુ-બરૂન નેશનલ પાર્કમાં જોવા મળ્યો હતો.’
કેવા હોય છે યેતિ?
યેતિ વિશે કહેવામાં આવે છે કે તેઓ વિશાળ વાનર જેવા હોય છે, જેમના આખા શરીર પર વાળ હોય છે અને તેઓ માણસની જેમ ચાલે છે. યેતિ વિશે એવી માન્યતા પ્રચલિત છે કે તેઓ હિમાલયની ગુફાઓ અને કંદરાઓમાં રહે છે.
જોકે ઘણા વૈજ્ઞાનિકોનું માનવું છે કે યેતિ એક વિશાળખાય જીવ છે, જે વાંદરા જેવો દેખાય છે પરંતુ માણસની જેમ બે પગે ચાલી શકે છે.
સિકંદરના સમયથી મળી આવે છે યેતિના કિસ્સાઓ
યેતિના કિસ્સાઓ ઇ.સ. 326ની પહેલાના પણ સમયથી મળી આવે છે, જ્યારે સિકંદર ભારતને જીતવા આવી પહોંચ્યો હતો. તેણે એક યેતિને જોવાની ઇચ્છા દર્શાવી હતી, કારણકે તેણે તેની વાર્તાઓ સાંભળેલી હતી. જોકે તેને યેતિ જોવા મળ્યો નહોતો. આ ઉપરાંત, યેતિ હોવાનો દાવો ત્યારે મજબૂત થાય છે, જ્યારે એક બ્રિટિશ ફોટોગ્રાફર એરિક શિપ્ટને તેને જોવાનો દાવો કર્યો હતો.
કેવી રીતે શરૂ થઈ યેતિની શોધ?
યેતિ હિમાલયન સભ્યતાનો હિસ્સો છે. પરંતુ, જ્યારે 1951માં બ્રિટિશ શોધકર્તા એરિક શિપ્ટન માઉન્ટ એવરેસ્ટ પર જવા માટે પ્રચલિત રસ્તાઓથી અલગ એક રસ્તાની શોધ કરી રહ્યા હતા ત્યારે તેમને બહુ મોટાં-મોટાં પગોનાં નિશાન જોવા મળ્યાં. તેમણે આ નિશાનોના ફોટા પાડી લીધા. ત્યાંથી આધુનિક યુગમાં યેતિના રહસ્યની ચર્ચા શરૂ થઈ.
એરિકે આ તસવીરો પશ્ચિમી એવરેસ્ટના મેઇન લોંગ ગ્લેશિયર પર લીધી હતી. પગના આ નિશાન લગભગ 13 ઇંચ લાંબા હતા અને તેને અત્યાર સુધી હિમાલય પર લેવામાં આવેલી તસવીરોમાં સૌથી રોચક તસવીરોમાં ગણવામાં આવે છે. (જોકે હાલ ભારતીય સેનાને જે પગલાંના નિશાન મળ્યા છે તે આનાથી ખાસા મોટા છે.) ત્યારબાદ તે સમયનો આ એટલો મોટો મુદ્દો બન્યો કે નેપાળની સરકારે યેતિની શોધ માટે 1950ના દાયકામાં લાયસન્સ જાહેર કર્યા. સ્વાભાવિક છે કે એકપણ યેતિ શોધી શકાયો નહીં.
ત્યારબાદ ઘણા લોકો માનવા લાગ્યા કે આ કોઈ સામાન્ય કાળું રીંછ હશે પરંતુ પગલાંના નિશાનને લીધે ઘણા લોકો તેને યેતિ માનતા રહ્યા. ત્યારબાદથી યેતિને જોવાના ઘણા મામલાઓ સામે આવ્યા અને ઘણા શોધકર્તાઓ અને શેરપાઓએ પગના નિશાન જોવાનો દાવો કર્યો પરંતુ કોઇપણ મજબૂત પુરાવાઓ મળી શક્યા નહીં. એક હિમાલયન શોધકર્તા બ્રાયન બાર્નેએ 1959માં અરૂણ ઘાટીમાં યેતિના પગના નિશાન જોયાં. ત્યારબાદ એક ઇટલિયન પર્વતારોહક રેનોલ્ડ મેસનરે તો એવો દાવો પણ કરી દીધો કે તેમણે યેતિને જોયો છે.
યેતિના નામ પર વેચાય છે ઘણી પ્રોડક્ટ્સ
પહેલા કહ્યું એમ યેતિ હિમાલયન
સંસ્કૃતિનો હિસ્સો છે. તમે યેતિના નામથી હિમાલયની આસપાસના ક્ષેત્રોમાં ઘણીબધી ચીજો
વેચાતી જોઈ શકો છો. ત્યાં તમને યાક અને યેતિ નામની હોટલો પણ મળશે. એટલે સુધી કે
યેતિ એરલાઇન્સ નેપાળની સર્વશ્રેષ્ઠ એરલાઇન્સમાંની એક છે.