ભારતના સૌથી ધનિક કારોબારી પરિવારોમાંથી એક વાડિયા જૂથના વારસદાર નેસ વાડિયાને જાપાનની એક અદાલતે સ્કીઈંગની રજાઓ દરમિયાન ડ્રગ્સ રાખવાના મામલામાં દોષિત ઠેરવીને બે વર્ષની સજા ફટકારી છે.
ઈકોનોમિક ટાઈમ્સમાં પ્રકાશિત અહેવાલ મુજબ, 283 વર્ષ જૂના વાડિયા જૂથના વારસદાર અને આઈપીએલ ટીમ કિંગ્સ ઈલેવન પંજાબના સહ-માલિક વાડિયાને આ વર્ષે માર્ચની શરૂઆતમાં ઉત્તર જાપાનના ટાપુ હોક્કાઈડોના ન્યૂ ચિટોઝ એરપોર્ટ પરથી એરેસ્ટ કરવામાં આવ્યા હતા.
એનએચકેના એક સ્થાનિક હોક્કાઈડો સ્ટેશનના એક સંક્ષિપ્ત રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ન્યૂ ચિટોઝના સીમા શુલ્ક અધિકારીઓને વાડિયા સંદર્ભે સ્નિફર ડોગે સાવધાન કર્યા હતા. શોધખોળથી જાણકારી મળી હતી કે વાડિયાના પેન્ટના ખિસ્સામાં લગભગ 25 ગ્રામ કેનેબિસ રેજિન મળી આવ્યું હતું.
47 વર્ષના નેસ વાડિયા, ગ્રુપના ચેરમેન નસ્લી વાડિયાના સૌથી મોટા પુત્ર છે. ફોર્બ્સ પ્રમાણે , લગભગ સાત અબજ ડોલરની કુલ મિલ્કતની સાથે ભારતના સૌથી અમીર કારોબારીઓમાં તેમનો સમાવેશ થાય છે.
મહત્વપૂર્ણ છે કે નેસ, વાડિયા જૂથના તમામ યૂનિટ્સના નિદેશક છે. આ જૂથને 1736માં ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે જહાજ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. હવે વાડિયા જૂથ બિસ્કિટ બનાવતી કંપની બ્રિટેનિયા અને બજેટ એરલાઈન ગોએર સુધીના કારોબાર કરી રહ્યું છે. જેમાં યાદીબદ્ધ સંસ્થાઓના કુલ બજાર મૂલ્ય 13.1 અબજ ડોલર છે.
સાપ્પોરોની અદાલતના એક અધિકારીએ ફાઈનાન્શિયલ ટાઈમ્સને જણાવ્યુ છે કે વાડિયાએ એ વાતનો સ્વીકાર કર્યો કે આ દવા તેમના અંગત ઉપયોગ માટે છે.
જાપાનમાં માદક પદાર્થો સંદર્ભેના કાયદા બેહદ કડક છે. ક્રિમિનલ લોયર્સનું કહેવુ છે કે આ વર્ષે યોજાઈ રહેલા રગ્બી વર્લ્ડકપ અને 2020ના ટોક્યો ઓલિમ્પિકથી પહેલા આ કાયદાને કડકાઈથી લાગુ કરવામાં આવ્યો છે.