MP: કોંગ્રેસના કર્જમાફીના વાયદાની હકીકત, ગરીબ ખેડૂતે દેવું ચુકવવાની ચિંતામાં કરી લીધી આત્મહત્યા
ખરગોન (મધ્યપ્રદેશ): ખરગોન જિલ્લાના ગોગાવાં પોલીસ સ્ટેશન વિસ્તારના દસનાવલના બડા ટાંડા ગામમાં એક ખેડૂતે ખેતરમાં કીટનાશક દવા પીને આત્મહત્યા કરી લીધી. દીલૂ નામના આ ખેડૂતના પરિવારજનોનું કહેવું છે કે દેવું માફ ન થવાને કારણે તે ઘણો પરેશાન હતો.
મળતી માહિતી પ્રમાણે, દીલૂએ પોતાના ખેતરમાં જ કીટનાશક દવા પી લીધી હતી. ત્યારબાદ તેને લઈને હોસ્પિટલ પહોંચ્યા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી લીધો. પરિવારજનોએ જણાવ્યું કે દીલૂએ શાહુકારો પાસેથી લોન લીધી હતી. આ સાથે જ તેણે દેવાંમાફી માટે અરજી પણ કરી હતી. પરંતુ તેનું દેવું હજુ સુધી માફ થયું ન હતું. શાહુકાર વારંવાર તેની પાસે પોતાના પૈસા માંગતો હતો. આ જ ચિંતામાં દીલૂએ ઝેર ખાઈ લીધું. પોલીસે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલીને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે 2018માં મધ્યપ્રદેશમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતોના દેવાંમાફી અંગે મોટા વાયદાઓ કર્યા હતા અને કોંગ્રેસ આ ચૂંટણી જીતી પણ ગઈ હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ત્યારે એવું નિવેદન પણ આપ્યું હતું કે જો ચૂંટણી જીત્યાના 10 દિવસમાં ખેડૂતોનાં દેવાં માફ નહીં થાય તો તેઓ મુખ્યમંત્રી બદલી નાખશે.